ડીસાની બેઠક જીતવા શું છે યુવા સંજય રબારીનો ગેમ પ્લાન ?
ગુજરાત વિધાનસભા બેઠકોમાં ડીસા વિધાનસભા બેઠકને સૌથી યુવા બેઠક કહી શકાય છે, કારણ કે ડીસા વિધાનસભા બેઠક ભાજપ-કોંગ્રેસ-આપ ત્રણેય પાર્ટીએ તેનાં સૌથી નવા અને યુવા ઉમેદવારોને ઊતાર્યાં છે. તેમાં ડીસા બેઠક પર કોંગ્રેસ પાર્ટીએ ગોવાભાઈ રબારીના પુત્ર સંજય રબારીને ટીકિટ આપી છે, ત્યારે ચૂંટણીને લઈને કોંગ્રેસ પાર્ટીના બનાસકાંઠા જિલ્લાનાં ડીસા વિધાનસભા બેઠકનાં ઉમેદવાર સંજયભાઈ રબારી સાથે હમ દેખેંગેની ટીમે મુલાકાત કરી હતી. તેમજ આ વખતની ચૂંટણીને લઈને તેમની સાથે પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી.
આ પણ વાંચો : ત્રિપાંખીયા જંગમાં અપક્ષનાં માવજીભાઈ દેસાઈ મારશે બાજી ?
અમે યુવાનો અને ખેડુતોને આગળ લઈને ચાલીશું : સંજય રબારી
ચૂંટણીને વાત કરતાં યુવા સંજય રબારીએ જણાવ્યું હતું કે, ‘અમારી પાર્ટી ગુજરાતનાં વિકાસમાં યુવાનો કેવી રીતે ફાળો આપી શકે તે વિચારીને આ વખતે મને ટીકિટ આપી છે અને મને વિશ્વાસ છે કે જે યુવાનોનાં પેપરો ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ફૂટ્યાં છે, તેનો બદલો આ વખતે યુવાનો જ લેશે અને અમે હંમેશા બેરોજગારી અને યુવાનોનાં વિકાસની વાત કરીએ છીએ અને અમારા શાસનમાં જે વિકાસનાં કામો થયાં છે, તે પછી કોઈ પણ ગામનો ખાસ વિકાસ થયો નથી. અમારા સમયનાં બનાવેલાં રસ્તા અને ડેમો આજ સુધી સલામત છે.’ સમસ્યાની વાત કરવામાં આવે તો અહિંનો મુખ્ય મુદ્દો સિંચાઈનો છે, કારણ કે જે રીતે પાણીનાં સ્તર નીચા ગયાં છે, તે માટે કેવી રીતે સીપુ ડેમ ભરવામાં આવે અને વધુ ડેમો બાંધી કેવી રીતે જળસ્તર ઊંચુ લાવવામાં આવે, તેના પર અમે કામ કરીશું.
યુવાનોની રોજગારી છે મુખ્ય મુદ્દો
આગળ રોજગાર પર વાત કરતાં સંજય રબારીએ જણાવ્યું હતું કે, ‘અહીં ફક્ત નામની GIDC છે, ત્યાં રોડ-રસ્તા અને ગટરની કોઈ પૂરતી વ્યવસ્થા નથી. ત્યાં યુવાનો માટે એટલી રોજગારી ઊભી નથી થઈ અને કેટલાંય યુવાનો બેરોજગાર બન્યાં છે, તેથી અમારે યુવાનોનાં પ્રશ્નોને લઈને આગળ વધવાનું છે. આ સિવાય અમે ગરીબ ખેડુતોના 17 હજાર રેશનકાર્ડ, જે સરકારે બંધ કરી દીધા છે, તેને અમે ફરી ચાલુ કરાવીશું અને જમીન માપણી જેવી સમસ્યાનો પણ અમે ઉકેલ લાવીશું.’
ડીસા બેઠક પર ભાજપ અને આપ સિવાય અપક્ષમાંથી લેબજીભાઈ ઠાકોર પણ ચૂંટણી લડી રહ્યાં છે, ત્યારે તેમણે જણાવ્યું કે, ‘ચૂંટણી વિચારધારા પર લડાતી હોય છે અને દરેકને લડવાનો હક છે. ગુજરાતની જનતાએ વર્ષોથી કોંગ્રેસને સ્વીકારી છે, જેથી આ વખતે પરિવર્તન નિશ્ચિત છે.’