નરેન્દ્ર મોદી ધ્યાન ધરવાના છે એ વિવેકાનંદ ખડક શું છે? વડાપ્રધાને કેમ આ સ્થળ પસંદ કર્યું?
- PM મોદી આજે 30 મેથી 1 જૂન સુધી કન્યાકુમારીમાં આવેલા વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે ધ્યાનમગ્ન થશે
તમિલનાડુ, 30 મે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણીના પ્રચારને સમાપ્ત કર્યા પછી આજે તારીખ 30 મેથી 1 જૂન સુધી કન્યાકુમારીમાં આવેલા વિવેકાનંદ રૉક મેમોરિયલ ખાતે ધ્યાન ધરવા જશે. PM મોદીનો આ આધ્યાત્મિક પ્રવાસ 4 જૂને લોકસભા ચૂંટણીના પરિણામોની જાહેરાત પહેલાં થઈ રહ્યો છે. તમિલનાડુના પ્રખ્યાત પર્યટન સ્થળોમાંનું એક આ વિવેકાનંદ રૉક મેમોરિયલ છે, જે વિવેકાનંદની યાદમાં બનાવવામાં આવ્યું છે. વિવેકાનંદના વિચારોથી પ્રેરિત લોકો મોટી સંખ્યામાં અહીં આવે છે.
સ્વામી વિવેકાનંદને સમુદ્રના વિશાળ મોજાઓ વચ્ચે આ સ્થાન પર મળ્યું જ્ઞાન
એવું કહેવાય છે કે, 1893માં વિશ્વ ધર્મ પરિષદમાં જતાં પહેલાં સ્વામી વિવેકાનંદ તમિલનાડુમાં કન્યાકુમારી ગયા હતા. અહીં, સમુદ્ર કિનારાથી લગભગ 500 મીટર દૂર તેમણે સમુદ્રના પાણીની વચ્ચે એક વિશાળ ખડક જોયો, જ્યાં તે તરીને ગયા અને ધ્યાનમાં મગ્ન થઈ ગયા. સમુદ્રના વિશાળ મોજાં, તેમની ગર્જના તેમજ બદલાતા હવામાન, કંઈપણ તેમનું ધ્યાન વિચલિત કરી શક્યું નહીં. અંતે તેમણે પોતાના જીવનનું લક્ષ્ય અને તેને પરિપૂર્ણ કરવા માટે જરૂરી જ્ઞાન પ્રાપ્ત કર્યું અને નરેન્દ્ર દત્ત માંથી સ્વામી વિવેકાનંદ બન્યા. કહેવાય છે કે, એક વખત સ્વામી વિવેકાનંદ જ્ઞાનની શોધમાં ધ્યાન કરવા બેઠા હતા, પરંતુ ત્યારે તેઓ સફળ ન થઈ શક્યા. આ પછી તે અને સ્વામી પરમહંસ મળ્યા. આ વખતે વિવેકાનંદે ધ્યાન કર્યું ત્યારે તેઓ જીવનનો અર્થ, જ્ઞાન અને ધ્યેય સમજવામાં સફળ થયા. તેમણે જે ખડક પર બેસીને જ્ઞાન મેળવ્યું હતું તે આજે પણ કન્યાકુમારીમાં મોજૂદ છે.
વિવેકાનંદ રૉક મેમોરિયલમાં શું ખાસ છે?
આ સ્મારક ખડક સ્વામી વિવેકાનંદની યાદમાં બનાવવામાં આવ્યું છે. લોકો તેને વિવેકાનંદ પોઈન્ટના નામથી પણ ઓળખે છે. કન્યાકુમારીમાં આ ખડક પર એવી શાંતિ મળે છે જે માણસના હૃદય અને દિમાગે પહેલાં ક્યારેય નહીં અનુભવી હોય. વિવેકાનંદ રૉક મેમોરિયલમાં માણસનું શરીર અને મન એક જ જગ્યાએ કેન્દ્રિત થઈ જાય છે. વિવેકાનંદ રૉક મેમોરિયલ સમુદ્રમાં લગભગ 500 મીટર દૂર એક ખડક પર બનાવવામાં આવ્યું છે.
ભગવાન શિવ અને દેવી કન્યા કુમારી સાથેનો સંબંધ
આ ખડક સાથે બીજી એક વાર્તા પણ જોડાયેલી છે, જેના કારણે વિવેકાનંદ મંડપમની સાથે શ્રીપદ મંડપમ પણ બનાવવામાં આવ્યું હતું. એવું માનવામાં આવે છે કે, સમુદ્રના પાણીમાં સ્થિત આ શિલા પર દેવી કન્યા કુમારીએ ભગવાન શિવની પૂજા કરતી વખતે તપસ્યા કરી હતી. તેમના પગના નિશાન પણ અહીં મળી આવ્યા હતા. આ કારણે આ સ્થળનું ધાર્મિક મહત્ત્વ પણ છે.
મૂર્તિમાંથી ઊર્જાનો થાય છે અનુભવ
અહીં ચાર ફૂટ ઊંચા પ્લેટફોર્મ પર સ્વામી વિવેકાનંદની એક મોટી પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવી હતી. કાંસાની બનેલી આ પ્રતિમાની ઊંચાઈ લગભગ સાડા આઠ ફૂટ છે. આ મૂર્તિ જીવંત લાગે છે, ઘણા લોકો જેઓ તેને જુએ છે તેઓ સ્વામીજીની ઊર્જા અનુભવવાનો દાવો કરે છે.
મંડપમનું સુંદર શિલ્પ
વર્ષ 1970માં, આ ખડકની નજીક સ્વામી વિવેકાનંદને સમર્પિત એક ભવ્ય સ્મૃતિ ભવન બનાવવામાં આવ્યું હતું. તેમાં ચાર મંડપ છે. આ મંદિરની સ્થાપત્ય વિગતો પ્રાચીન શૈલીની છે. અહીં સજાવટ માટે પથ્થર અને લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
સ્મૃતિ ભવન પર પલ્લવ વંશના શિલ્પ પણ જોઈ શકાય છે. તેના સ્તંભો અજંતા ગુફાઓથી પ્રેરિત છે. તેનો 70 ફૂટ ઊંચો ગુંબજ લાલ અને વાદળી ગ્રેનાઈટથી બનેલો છે. આ જગ્યા 6 એકરમાં ફેલાયેલી છે.
આ પણ જુઓ: અગ્નિબાણ સૉર્ટેડ સફળતાપૂર્વક લોન્ચ: ISROએ સ્ટાર્ટઅપ કંપની અગ્નિકુલ કોસ્મોસને પાઠવ્યા અભિનંદન