ગુજરાતમાં મહિલા સુરક્ષાની સ્થિતિ શું છે? કોલકાતા ઘટના પછી આપણે કોઈ બોધપાઠ લીધો?
- કોલકાતાની આરજી કર મેડિકલ કૉલેજ-હોસ્પિટલમાં જુનિયર ડૉક્ટર સાથેની જંગાલિયતભરી ઘટના બાદ વિવિધ ક્ષેત્રની મહિલાઓ સાથેની વાતચીતનો એક્સક્લુઝિવ રિપોર્ટ
- ગુજરાતમાં મીડિયા હાઉસ, શૈક્ષણિક સંસ્થાઓ અને ન્યાયતંત્રના સંકુલોમાં ચોંકાવનારી સ્થિતિ
[અલકેશ પટેલ] અમદાવાદ, 25 ઓગસ્ટ, 2024: દૃશ્ય એકઃ અગ્રણી મીડિયા હાઉસની ઑફિસઃ “અમારા એક સિનિયર પુરુષ પત્રકારને મહિલા પત્રકારો સાથે વાત કરતી વખતે એક વિકૃત ટેવ હતી. એ કોઈપણ ખભા ઉપર હાથ મૂકતો અને ગળા પાસેથી ડ્રેસનો છેડો નીચે ખેંચી લેતો.”
દૃશ્ય બેઃ એક મીડિયા હાઉસનું એકેડેમિક સંકુલઃ “પત્રકારત્વ ભણવા આવેલા વિદ્યાર્થી – વિદ્યાર્થિનીઓ સમયાંતરે પિકનિકનું આયોજન કરતા. ધીમે ધીમે એનો ખર્ચ વધવા લાગ્યો એટલે મેં જવાની ના પાડી કેમ કે મારા પરિવારની સ્થિતિ વારંવાર એટલો ખર્ચ ઉઠાવી શકે તેવી નહોતી. મેં ના પાડી એટલે એક યુવકે મારી સાથે જાહેરમાં અપમાનજનક ઝઘડો કર્યો. મારાથી એ સહન ન થયું અને હું રડી પડી. અને ત્યારે એક કથિત પત્રકારે બધાને રૂમમાંથી બહાર કાઢીને મને આશ્વાસન આપવાનું શરૂ કર્યું. પરંતુ એ પછી એણે જે કર્યું એ બે દાયકા પછી પણ હું ભૂલી નથી.”
દૃશ્ય ત્રણઃ શહેરની એક ટોચની શૈક્ષણિક સંસ્થાઃ “એક વિશેષ દિવસની ઉજવણીમાં કૉલેજની એક વિદ્યાર્થિનીએ પરફોર્મન્સ આપવાનું હતું. તેને જે રોલ ભજવવાનો હતો તેને સાથી વિદ્યાર્થિઓએ (છોકરાઓએ) મજાકનો વિષય બનાવી દીધો અને છોકરીને ચીડવવા લાગ્યા. છોકરી ઢીલી થઈ ગઈ અને પોતાનું પરફોર્મન્સ ઝડપથી પૂરું થાય તો પોતે ત્યાંથી ચાલી જઈ શકે એ માટે આયોજકોને વિનંતી કરવા મારી મદદ માગી. મેં આયોજકોને વિનંતી કરી. એક વાર – બે વાર અને ત્રીજી વાર વિનંતી કરવા ગઈ ત્યારે એક વિદ્યાર્થીએ મને…”
દૃશ્ય ચારઃ શહેરમાં અદાલતનું એક સંકુલઃ “એલએલ.બી. પછી સિનિયર એડવોકેટના હાથ નીચે તાલીમ લેવી પડે. એ માટે હું જે લૉ ફર્મ સાથે જોડાઈ એમાં બે સિનિયર એડવોકેટ હતા અને તેમના હાથ નીચે દસેક જુનિયર યુવક-યુવતી વકીલાત શીખતાં હતાં. પણ સિનિયર વકીલોની નજર અને દાનત હું લાંબો વખત સહન ન કરી શકી અને…”
આ તમામ દૃશ્યો એકદમ વાસ્તવિક છે અને ગુજરાતમાં વિવિધ ક્ષેત્રોમાં મહિલા કર્મચારીઓની સ્થિતિનું વાસ્તવિક ચિત્ર રજૂ કરે છે. અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ કંઈ વારંવાર દુષ્કર્મ અને હત્યાના કિસ્સા નથી બનતા, પરંતુ સાથે એ પણ વાસ્તવિકતા છે કે અન્ય રાજ્યોની જેમ જ આપણાં રાજ્યમાં પણ વિવિધ ક્ષેત્રમાં – અથવા કહો કે લગભગ તમામ ક્ષેત્રમાં કામકાજના સ્થળે મહિલા કર્મચારીઓ સંપૂર્ણ નિશ્ચિંતતાથી કામ કરી શકે એવી સ્થિતિ નથી. આ અંગે એચડી ન્યૂઝે વિવિધ ક્ષેત્રની મહિલા કર્મચારીઓ સાથે વાતચીત કરી અને જે કિસ્સા સાંભળવા મળ્યા, જે ઘટનાઓ વિશે જાણકારી મળી તેને ચોંકાવનારા નહીં પરંતુ આઘાતજનક જ કહી શકાય. તો ચાલો ઉપર જણાવેલા ચારેય દૃશ્યોની થોડી વિગતે વાત કરીએ સ્થિતિની ગંભીરતા સમજાશે.
દૃશ્ય એકઃ અગ્રણી મીડિયા હાઉસની ઑફિસઃ “અમારા એક સિનિયર પુરુષ પત્રકારને મહિલા પત્રકારો સાથે વાત કરતી વખતે એક વિકૃત ટેવ હતી. એ કોઈપણ ખભા ઉપર હાથ મૂકતો અને ગળા પાસેથી ડ્રેસનો છેડો નીચે ખેંચી લેતો. જ્યારે તેણે મારી સાથે પહેલી વાર આવું કર્યું ત્યારે જ મેં તેને લાફો ઝીંકી દીધો હતો. અન્ય મહિલા પત્રકારોને આ નહોતું ગમતું, તેમને અતિશય ગુસ્સો આવતો હતો પરંતુ ત્યાં ઉપસ્થિત બીજા કોઈ પુરુષ પત્રકારો એ બદમાશને રોકતા નહોતા. છેવટે કેટલીક મહિલા પત્રકારોએ હિંમત કરીને આ વાત તંત્રી સુધી પહોંચાડી અને ત્યારે કોઈ પગલાં લેવાને બદલે, પેલાને હાંકી કાઢવાને બદલે માત્ર એટલું આશ્વાસન આપવામાં આવ્યું કે એ વ્યક્તિની બદલી કરી દેવામાં આવી છે અને થોડા દિવસમાં જતો રહેશે.” – આ ઘટના શું પુરવાર કરે છે? એ જ કે, આખી દુનિયાને સુધારવાનો પોતાને ઠેકો મળ્યો હોય એવું વર્તન કરતા મીડિયા હાઉસ અને મીડિયાકર્મીઓ પોતાની આસપાસ રહેલા મનોરોગીઓ સામે પગલાં લઈ શકતા નથી. પોતાની આસપાસ રહેલા આવા ગંદવાડને પણ માત્ર બદલી કરીને તેનાથી છૂટકારો મેળવ્યાનો સંતોષ માની લે છે.
દૃશ્ય બેઃ એક મીડિયા હાઉસનું એકેડેમિક સંકુલઃ “પત્રકારત્વ ભણવા આવેલા વિદ્યાર્થી – વિદ્યાર્થિનીઓ સમયાંતરે પિકનિકનું આયોજન કરતા. ધીમે ધીમે એનો ખર્ચ વધવા લાગ્યો એટલે મેં જવાની ના પાડી કેમ કે મારા પરિવારની સ્થિતિ વારંવાર એટલો ખર્ચ ઉઠાવી શકે તેવી નહોતી. મેં ના પાડી એટલે એક યુવકે મારી સાથે જાહેરમાં અપમાનજનક ઝઘડો કર્યો. મારાથી એ સહન ન થયું અને હું રડી પડી. અને ત્યારે એક કથિત પત્રકારે બધાને રૂમમાંથી બહાર કાઢીને મને આશ્વાસન આપવાનું શરૂ કર્યું. પરંતુ એ પછી એણે જે કર્યું એ બે દાયકા પછી પણ હું ભૂલી નથી.” મેં પૂછ્યું, શું કર્યું હતું એણે? તેના જવાબમાં મહિલા પત્રકારે તેમની વાત આગળ ચલાવી, “એણે મને હગ કરી અને મારા કપાળ ઉપર કીસ કરી. મારા મનની સ્થિતિ કાપો તો લોહી ન નીકળે એવી થઈ ગઈ. અતિશય ગુસ્સો આવ્યો અને મનમાં થયું કે આને શું કરી નાખું? અલબત્ત, ત્યારે હજુ હું વિદ્યાર્થિની હતી અને એ પત્રકાર-શિક્ષકની ભૂમિકામાં હતો.”
દૃશ્ય ત્રણઃ શહેરની એક ટોચની શૈક્ષણિક સંસ્થાઃ “એક વિશેષ દિવસની ઉજવણીમાં કૉલેજની એક વિદ્યાર્થિનીએ પરફોર્મન્સ આપવાનું હતું. તેને જે રોલ ભજવવાનો હતો તેને સાથી વિદ્યાર્થિઓએ (છોકરાઓએ) મજાકનો વિષય બનાવી દીધો અને છોકરીને ચીડવવા લાગ્યા. છોકરી ઢીલી થઈ ગઈ અને પોતાનું પરફોર્મન્સ ઝડપથી પૂરું થાય તો પોતે ત્યાંથી ચાલી જઈ શકે એ માટે આયોજકોને વિનંતી કરવા મારી મદદ માગી. મેં આયોજકોને વિનંતી કરી. એક વાર – બે વાર અને ત્રીજી વાર વિનંતી કરવા ગઈ ત્યારે એક વિદ્યાર્થીએ મને લાફો મારી દીધો. એ સ્થળે અને સમયે ઘણા લોકો ઉપસ્થિત હતા છતાં કોઈએ એ છોકરાને કશું જ કહ્યું નહીં. મને લાફો એટલો જોરથી વાગ્યો હતો કે મારે તત્કાળ ડૉક્ટર પાસે પહોંચવું પડ્યું. ડૉક્ટરે પ્રાથમિક સારવાર આપ્યા પછી મને કહ્યું કે, કાનમાં વધારે ડેમેજ થયું છે એટલે તેમણે સલાહ આપી કે મારે આધુનિક સુવિધા ધરાવતા દવાખાનામાં જવું જોઇએ જેથી યોગ્ય સારવાર થઈ શકે. આ બધું થયું ત્યાં સુધીમાં તો પ્રિન્સિપાલ અને અન્ય પ્રાધ્યાપકો મારા સમર્થનમાં હોય એવું લાગ્યા કરતું હતું પરંતુ ઘટનાની ગંભીરતા બાદ મેં પોલીસ કેસ કરવાની વાત કરી ત્યારે પ્રિન્સિપાલ સહિત મોટાભાગના પ્રાધ્યાપકોએ માનવ અધિકારના નામે એ યુવકનો બચાવ કરવાનું શરૂ કર્યું. મારા કોઈ વાંક વિના છોકરાએ માર્યું હતું મને, પીડિત હું હતી છતાં બધાને મારા ઉપર હાથ ઉપાડનાર છોકરાના માનવ અધિકારની ચિંતા હતી. આ ઘટનાને વીસેક વર્ષ થયા. મારી મક્કમતા, તથા માતા-પિતા અને પતિના સપોર્ટને કારણે આજે પણ મારા ન્યાય માટે હું કોર્ટ કેસ લડી રહી છું, પરંતુ ખેદજનક વાત એ છે કે, હવે નિવૃત્ત થઈ ગયેલા એ પ્રિન્સિપાલ તથા મારા એક પરિચિત પણ ઘટનાની જાણકારી હોવા છતાં મારા સમર્થનમાં ઊભા નથી.” આ ક્ષણે રીતસર રડતાં રડતાં આ મહિલાએ ઉમેયું, “અલકેશભાઈ તમને જાણીને નવાઈ લાગશે કે, જે છોકરી માટે હું કાર્યક્રમના સંચાલકોને રજૂઆત કરતી હતી, જે છોકરીને કારણે પેલા છોકરાએ મને લાફો મારી દીધો હતો…એ છોકરીએ એ દિવસથી લઈને આજ સુધી મારી ખબર પણ પૂછી નથી.” – આ સમગ્ર ઘટનામાં મુખ્ય મુદ્દો અનેક લોકોની હાજરીમાં એક વિદ્યાર્થીએ વિદ્યાર્થિનીને મારેલા લાફાનો છે. ત્યારથી લઈને આજ સુધી છોકરાનું તો કોઈએ કશું બગાડ્યું નહીં, પરંતુ એક ત્રાહિત છોકરીની મદદ કરવાના પ્રયાસમાં લાફો ખાનાર છોકરીના આંખના ખૂણા આજે પણ એ ઘટનાને યાદ કરીને ભીના થઈ જાય છે.
દૃશ્ય ચારઃ શહેરમાં અદાલતનું એક સંકુલઃ “એલએલ.બી. પછી સિનિયર એડવોકેટના હાથ નીચે તાલીમ લેવી પડે. એ માટે હું જે લૉ ફર્મ સાથે જોડાઈ એમાં બે સિનિયર એડવોકેટ હતા અને તેમના હાથ નીચે દસેક જુનિયર યુવક-યુવતી વકીલાત શીખતાં હતાં. પણ સિનિયર વકીલોની નજર અને દાનત હું લાંબો વખત સહન ન કરી શકી અને…મેં વકીલાત કરવાનો જ વિચાર માંડી વાળ્યો. વાસ્તવમાં મારો સ્વભાવ ફરિયાદ કરવાનો નથી એટલે આવું કંઈ થાય તો હું ચૂપચાપ ખસી જાઉં છું અને મારી કામગીરીમાં આગળ વધી જાઉં છું.” – આ ઘટનામાં જે તે મહિલાએ તો પોતાનું સમાધાન કાઢી લીધું, પરંતુ આખા સમાજ માટે વિચારણીય મુદ્દો એ છે કે, જે સંકુલમાં લોકો “ન્યાય” માટે જાય છે ત્યાં થોડી માત્રામાં પણ જો વકીલો આવા હોય તો શું કરવાનું? શું આવા જૂજ વકીલો પાસે મહિલા ઉત્પીડનનો કેસ આવે તો પીડિત મહિલા ન્યાયની અપેક્ષા રાખી શકે?
ઉપરોક્ત ચારેય કિસ્સા એવાં ક્ષેત્રોના છે જ્યાં વાસ્તવમાં મહિલાઓ, છોકરીઓ, વિદ્યાર્થિનીઓ સૌથી વધુ સલામત હોવી જોઈએ, તેમને સલામતી લાગવી જોઈએ… પરંતુ સ્થિતિ ચિંતાજનક, અફસોસજનક અને આઘાતજનક છે. (આ અહેવાલનો બીજો ભાગ હવે પછી…)
આ પણ વાંચોઃઅભિનેત્રીએ લગાવ્યો યૌન શોષણનો આરોપ, પ્રખ્યાત અભિનેતાને આ પદ પરથી આપવું પડ્યું રાજીનામું