શું છે સર્વપિતૃ અમાસનું મહત્વ! જાણો શુભ સંયોગ અને વિધિ…
- સર્વ પિતૃ અમાસ એટલે પિતૃઓને વિદાય આપવાનો દિવસ
- અમાસના દિવસને પિતૃમોક્ષ પણ કહેવામાં આવે છે
- સ્નાન દાન, શ્રાદ્ધ તર્પણ અને પિતૃ વિસર્જનની અમાસ
- દીપકનું દાન કરવાથી આર્થિક લાભ થાય, ઘરમાં સુખ-શાંતિ રહે
ભાદરવા મહિનાના રવિવારે સર્વપિતૃ અમાસ છે. આ પર્વમાં તિથિ, વાર, ગ્રહ, નક્ષત્રોથી મળીને સાત શુભ યોગ બની રહ્યા છે. જેથી આ વર્ષે અમાસનો દિવસ મહાપર્વ બની જશે. આ શુભ સંયોગમાં સ્નાન, દાન અને શ્રાદ્ધ કરવાથી અનેકગણું શુભફળ મળે છે.
અમાસના દિવસના આ દિવસને પિતૃમોક્ષ પણ કહેવામાં આવે છે. પંડિતોના જણાવ્યા પ્રમાણે ભાદરવા મહિનાની આ અમાસના દિવસે પૂજન કરવાથી પિતૃઓ વર્ષભર માટે તૃપ્ત પણ થઈ જાય છે.
પિતૃ પક્ષના છેલ્લાં આ ચાર દિવસો ખૂબ જ ખાસ હોય છે. તેમાં દરરોજ ખાસ શ્રાદ્ધ કરવામાં આવશે. જેમાં 22 તારીખે સંન્યાસીઓનું, 23મીએ પિતૃઓનું નક્ષત્ર હોવાથી મઘા શ્રાદ્ધ, 24મીએ અકાળ મૃત્યુ થયું હોય તેવા લોકોનું અને 25 સપ્ટેમ્બરે બધા પિતૃઓનું શ્રાદ્ધ કરવા માટે સર્વપિતૃ અમાસ પર્વ રહેશે. આ પિતૃ પક્ષનો છેલ્લો દિવસ પણ હશે. આ ચાર દિવસોમાં શ્રાદ્ધ કરવાથી પિતૃઓ સંતુષ્ટ થઈ જાય છે.
અમાસના આ દિવસે તે બધા લોકોનું શ્રાદ્ધ કરવામાં આવે છે કે, જેમનું શ્રાદ્ધ કોઈ કારણોથી પિતૃ પક્ષમાં કરવાનું ભૂલી ગયા હોય અથવા જે લોકોની મૃત્યુ તિથિ જાણ ન હોય. આ તિથિએ કરવામાં આવતા શ્રાદ્ધથી બધા પિતૃઓ સંતુષ્ટ થઈ જાય છે.
હિંદુ ધર્મમાં પિતૃઓને પ્રસન્ન કરવા માટે પિતૃપક્ષનું ખૂબ મહત્વ છે. પિતૃ પક્ષ 16 દિવસ સુધી ચાલે છે. ભાદ્રપદ માસની પૂર્ણિમાથી પિતૃપક્ષ શરૂ થાય છે. શ્રદ્ધાથી કરવામાં આવેલું કાર્ય શ્રાદ્ધ કહેવાય છે. તે અમાસના દિવસે સમાપ્ત થાય છે.
પૂર્વજોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરો. આ દિવસે બ્રાહ્મણ ભોજન કરાવો. ભોજનમાં ખીર કે પૂર્વજોને ગમે તેવો ખોરાક બનાવો. બ્રાહ્મણ માટે તૈયાર કરાયેલા ભોજનમાંથી પાંચ ભાગ દેવતાઓ, ગાય, શ્વાન, કીડી અને કાગડા માટે કાઢો. જેને કાગવાસ કહેવામાં આવે છે. આ પછી બ્રાહ્મણોને વસ્ત્ર દાન કરો અને આશીર્વાદ લો. આ દિવસે દીપકનું દાન કરવાની પરંપરા પણ છે કારણ કે દીપકનું દાન કરવાથી આર્થિક લાભ થાય છે અને ઘરમાં સુખ-શાંતિ રહે છે.