આજે પ્રકાશનો તહેવાર દિવાળી છે. આજના દિવસે વિશ્વભરમાં રહેતા ભારતીયો તેની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે આ ઉજવણીમાં આપણે આપણા ઘર, ઓફીસ તેમજ ધંધા, રોજગારના સ્થળો અને કમાવવા માટેના સાધનો ઉપર આસોપાલવના લીલા તોરણ બાંધતા હોઈએ છીએ. આ પરંપરા આદિ અનાદિકાળથી ચાલી આવી રહી છે. પણ, શું તમે આ તોરણ બાંધવા પાછળના કારણ વિશે જાણો છો ? જો નહીં તો અમે તમને આજે આ કારણ અંગે વાકેફ કરશું.
ભગવાન રામના સ્વાગત માટે અયોધ્યાને આસોપાલવથી શણગાર કરાયો હતો
દિવાળીનો ઉત્સવ ભગવાન શ્રીરામ લંકા ઉપર વિજય મેળવ્યા બાદ અયોધ્યા પરત ફર્યા હતા તેના માનમાં મનાવવામાં આવી રહ્યો છે. આ માન્યતા અને ધાર્મિક પરંપરા અંગે પુરાણોમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે રઘુપતિ રાજા રામનું સ્વાગત કરવામાં આવતું હતું ત્યારે આખા અયોધ્યાને આસોપાલવના લીલા તોરણ અને ફૂલોથી શણગાર કરવામાં આવ્યો હતો. જેના કારણે ત્યારથી આ પરંપરા ચાલી આવે છે.
લંકેશે માતા સીતાને જે સ્થળે રાખ્યા હતા તે અશોકવન એટલે આસોપાલવનું વન
બીજી એક માન્યતા અનુસાર લંકાપતિ રાજા રાવણે જ્યારે સાધુનો વેશ ધારણ કરી માતા સીતાનું હરણ કર્યું ત્યારે તેને લંકાના અશોકવનમાં રાખવામાં આવ્યા હતા. આ અશોકવન એટલે આસોપાલવનું વન. સંસ્કૃત ભાષામાં આસોપાલવને અશોક કહેવામાં આવે છે. એટલે કે માતા સીતાને આસોપાલવના વનમાં રાખવામાં આવ્યા હતા ત્યારથી જ આ વૃક્ષોનું મહત્વ વધી ગયું છે.
દરવાજા ઉપર આસોપાલવ બાંધવાથી નકારાત્મક અસરને પ્રવેશ મળતો નથી
ઘર કે ધંધા રોજગારના સ્થળોએ દરવાજા ઉપર આસોપાલવનું તોરણ બાંધવા પાછળનું એક કારણ એવું પણ છે કે આસોપાલવ ક્યારેય નકારાત્મકતાને આગળ વધવા દેતી નથી. એટલે જ જો તેને દરવાજા ઉપર બાંધવામાં આવે તો ત્યાંથી જ તમારા ઘર કે મંદિર કે ધંધા રોજગારના સ્થળોએ ક્યારેય નકારાત્મકતા પ્રવેશ કરી શકતી નથી અને તમારા જીવનમાં હંમેશા માટે સકારાત્મકતા અને હકારાત્મક વલણ તેમજ ઉર્જાનો સંચય તથા સુખ, શાંતિ, સમૃદ્ધિ, ઐશ્વર્ય, ધન લઈને આવે છે.