મહાકુંભનો અમૃત કુંભ સાથે શું છે સંબંધ? જાણો શું છે પૌરાણિક કથા?
- દંતકથા અનુસાર સમુદ્ર મંથન દરમિયાન, અમૃત કુંભ માટે દેવતાઓ અને દાનવો વચ્ચે 12 દિવસ સુધી ભયંકર યુદ્ધ થયું હતું, મહાકુંભનો ઈતિહાસ તેની સાથે જોડાયેલો છે
HD ન્યુઝ ડેસ્કઃ હિન્દુ ધર્મમાં કુંભ મેળાનું વિશેષ અને આધ્યાત્મિક મહત્ત્વ છે. આ પર્વ કરોડો શ્રદ્ધાળુઓને આધ્યાત્મિક ઉર્જા પ્રદાન કરે છે અને સનાતન સંસ્કૃતિની મહાનતા દર્શાવે છે. મહાકુંભ મેળાની ઉત્પત્તિની વાર્તા દેવતાઓ અને દાનવો વચ્ચેના સમુદ્ર મંથનની ઘટના સાથે જોડાયેલી છે. દંતકથા અનુસાર સમુદ્ર મંથન દરમિયાન, અમૃત કુંભ માટે દેવતાઓ અને દાનવો વચ્ચે 12 દિવસ સુધી ભયંકર યુદ્ધ થયું હતું.
આ રીતે શરૂ થઈ કુંભની પરંપરા
ભગવાન વિષ્ણુએ આ સંઘર્ષને રોકવા અને અમૃતને સુરક્ષિત રાખવા માટે મોહિની રૂપ ધારણ કર્યું. તેમણે અમૃત કળશને સુરક્ષિત રાખવા માટે ઈન્દ્રદેવના પુત્ર જયંતને તે સોંપ્યો. જયંત અમૃતકુંભ લઈને આકાશ માર્ગથી ચાલી નીકળ્યો, પરંતુ દાનવોએ તેનો પીછો કર્યો. આ દરમિયાન અમૃતના કેટલાક ટીપા પ્રયાગરાજમાં ગંગા-યમુના-સરસ્વતીના સંગમ પર, હરદ્વારમાં ગંગા નદીમાં, ઉજ્જૈનમાં ક્ષિપ્રા નદીમાં અને નાસિકમાં ગોદાવરી નદીમાં પડી ગયા. આ સ્થાનો પર કુંભ મેળાની પરંપરા ત્યારથી જ શરૂ થઈ. વર્ષ 2025માં આ મહાપર્વ પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી આયોજિત થશે.
કુંભમેળો ક્યારે ક્યારે યોજાય છે?
કુંભ મેળો દર ત્રણ વર્ષે યોજાય છે. અર્ધકુંભ મેળાનું આયોજન દર 6 વર્ષે થાય છે. દર 12 વર્ષે મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. વર્ષ 2025માં પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન કરવામાં આવશે. આ સિવાય હરિદ્વાર, નાસિક અને ઉજ્જૈનમાં કુંભનું આયોજન કરવામાં આવે છે. કુંભ પર્વનું મહત્ત્વ માત્ર ધાર્મિક દ્રષ્ટિકોણથી નહીં, પરંતુ સામાજિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી પણ હોય છે. આ મેળામાં સંત-મહાત્મા, ઋષિ-મુનિ, આસ્થાવાન શ્રદ્ધાળુઓ અને પર્યટકો મોટી સંખ્યામાં સામેલ થાય છે.
મહાકુંભ 2025 ના શાહી સ્નાનની તારીખો
13 જાન્યુઆરી 2025- પોષ પૂર્ણિમા
14 જાન્યુઆરી 2025- મકર સંક્રાંતિ
29 જાન્યુઆરી 2025 – મૌની અમાવસ્યા
3 ફેબ્રુઆરી 2025 – વસંત પંચમી
4 ફેબ્રુઆરી 2025- અચલા નવમી
12 ફેબ્રુઆરી 2025- મહા પૂર્ણિમા
26 ફેબ્રુઆરી 2025- મહાશિવરાત્રી
દેવગુરુ ગુરુની ગતિનું મહત્ત્વ
જ્યારે ગુરુ વૃષભ રાશિમાં અને સૂર્ય મકર રાશિમાં હોય ત્યારે પ્રયાગરાજમાં કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે. જ્યારે ગુરુ અને સૂર્ય સિંહ રાશિમાં હોય ત્યારે નાસિકમાં કુંભ મેળો યોજાય છે. જ્યારે ગુરુ સિંહ રાશિમાં અને સૂર્ય મેષ રાશિમાં હોય ત્યારે ઉજ્જૈનમાં કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે. જ્યારે સૂર્ય મેષ રાશિમાં અને ગુરુ કુંભ રાશિમાં હોય ત્યારે હરિદ્વારમાં કુંભ મેળો યોજાય છે.
કુંભ સ્નાનનું મહત્ત્વ
હિંદુ શાસ્ત્રોમાં કુંભ સ્નાનનું મહત્વ વિગતવાર વર્ણવવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે કુંભમાં સ્નાન કરવાથી વ્યક્તિના તમામ પાપ ધોવાઈ જાય છે અને તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ ઉપરાંત કુંભ મેળો આધ્યાત્મિક જ્ઞાન, સાંસ્કૃતિક વિનિમય અને સામાજિક સમરસતાનું પણ પ્રતીક છે. અહીં ઘણા આધ્યાત્મિક અને ધાર્મિક મેળાવડાઓ યોજાય છે, જેમાં ઋષિ-મુનિઓના પ્રવચનો, યોગ સાધના અને વિવિધ ધાર્મિક વિધિઓનો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ મહાકુંભ મેળો ક્યારથી શરૂ થશે? જાણો સ્નાનની તારીખ અને તિથિ
આ પણ વાંચોઃ મહાકુંભ 2025: આધ્યાત્મિક ભવ્યતા અને સાંસ્કૃતિક વારસાની ઉજવણી