એવી તો શું છે ભવિષ્યવાણી જેનાથી જોશીમઠના લોકોને લાગી રહ્યો છે ડર ?


જોશીમઠ ઉત્તરાખંડનું પવિત્ર ધાર્મિક સ્થળ પણ છે, જે સમુદ્રતટથી 2500થી લઇને 3050 મીટરની ઉંચાઇ પર વસેલુ છે. એવા સમાચારો આવી રહ્યા છે કે જોશીમઠ સતત ધસી રહ્યુ છે. આ કારણે અહીંના સેંકડો ઘરોમાં તિરાડો આવી ગઇ છે. જોશીમઠનો ધસવાનો સિલસિલો સતત જારી છે, જેની પર સરકાર પણ ચિંતિત છે. આવ સંજોગોમાં જોશીમઠ અને બદ્રીનાથને લઇને જે પ્રકારની ભવિષ્યવાણી લોકમાન્યતાઓમાં છે, શું તે સાચી પડવાની રાહ પર છે? કળયુગમાં જોશી મઠને લઇને શું ભવિષ્યવાણી છે? શું બદ્રીનાથના દર્શન કળયુગમાં શ્રદ્ધાળુઓ નહીં કરી શકે?
જોશીમઠનું શું છે મહત્ત્વ?
જોશીમઠનુ પ્રાચીન નામ કાર્તિકેયપુર હતુ. એ સમયે જોશીમઠ કત્યુરી રાજાઓની રાજધઆની હતી. આદિ શંકરાચાર્ય જ્યારે ચાર ધામની સ્થાપના માટે ભ્રમણ કરી રહ્યા હતા ત્યારે તેમણે જોશીમઠમાં એક વૃક્ષ નીચે તપ કર્યુ હતુ. અહીં તેમને જ્યોતિષ જ્ઞાનની પ્રાપ્તિ થઇ. જોશીમઠને જ્યોર્તિમઠ અને જ્યોતિષપીઠના નામથી ઓળખાય છે. જોશીમઠને ભગવાન નરસિંહનુ તપસ્થળ પણ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે જોશીમઠ પહેલા સમુદ્રમાં સ્થિત હતુ.
શું હતી કળયુગની ભવિષ્યવાણી?
જોશીમઠ સ્થિત નરસિંહ મંદિર જ્યાં ભગવાન બદ્રીનાથની શીતકાલીન ગાદી છે. ત્યાં મંદિરમાં ભગવાન નરસિંહની એક પ્રાચીન મુર્તિ છે. ભગવાન નરસિંહની મુર્તિને લઇને કેટલાય પ્રકારની માન્યતાઓ છે. નરસિંહ ભગવાનનો એક હાથ સામાન્ય છે, જ્યારે એક હાથ ખુબ પાતળો છે અને તે દર વર્ષે પાતળો થતો જાય છે. માન્યતા છે કે જે દિવસે નરસિંહ ભગવાનનો હાથ પાતળો થઇને તુટી જશે ત્યારે બદ્રીનાથનો માર્ગ બંધ થઇ જશે. નર નારાયણ પર્વત એક થઇ જશે. ભગવાન બદ્રીનાથના ભક્તો તેમના દર્શન નહીં કરી શકે, કેમકે નર-નારાયણ પર્વત એક થઇ જતા બદ્રીનાથ ધામ લુપ્ત થઇ જશે.
ભવિષ્ય બદ્રીનું રહસ્ય
જોશીમઠથી બદ્રીનાથનો માર્ગ જ્યારે નર નારાયણ પર્વતના એક થઇ જવાથી બંધ થઇ જશે ત્યારે ભગવાન બદ્રીનાથ ભક્તોને ભવિષ્ય બદ્રીમાં દર્શન આપશે. અહીં એક શિલા છે, જેની પર હજુ અસ્પષ્ટ આકૃતિ છે. કહેવાય છે કે ધીમે ધીમે આ આકૃતિ ઉભરી રહી છે. જે દિવસે આ આકૃતિ સંપુર્ણ રીતે ઉભરીને આવશે તે સમયથી બદ્રીનાથ ભગવાન ભવિષ્ય બદ્રીમાં જ ભક્તોને દર્શન આપશે.
આ પણ વાંચોઃ જોશીમઠ ભૂસ્ખલન મુદ્દે સમિતિની રચના, 3 દિવસમાં રિપોર્ટ , CM આજે કરશે મુલાકાત