સટ્ટાબજારમાં શું છે હાર્દિક અને અલ્પેશનો ભાવ, જાણો અન્ય ઉમેદવારની સ્થિતિ
ગુજરાત વિધાનસભાની ચુંટણીઓ 2022નું મતદાન પુરુ થયા બાદ હાલમાં એક્ઝિટ પોલની મોસમ છે. સાથે સાથે સટ્ટાબજાર પણ ગરમ છે. સટ્ટામાં બેઠકો અને ઉમેદવારો પર ભાવ પણ લાગી રહ્યા છે. તમને જાણીને નવાઇ લાગશે કે સટ્ટા બજારમાં અત્યારે સૌથી હોટ ઉમેદવાર હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર છે.
એક્ઝિટ પોલ બાદ હવે વિધાનસભાની ચુંટણીઓમાં ઉમેદવારોની હાર-જીતને લઇને સટ્ટાબજારમાં ગરમી છે. સટ્ટોડિયાઓ કોઇક જગ્યાએ પક્ષ પ્રમાણે તો કેટલીક જગ્યાએ ઉમેદવાર પ્રમાણે ભાવ લગાવે છે. જોકે ઉમેદવાર પ્રમાણે સટ્ટાબજારમાં ભાવ ઉપર-નીચે થતા હોય છે.
હાર્દિક અને અલ્પેશ પર સટ્ટો લાગ્યો
બનાસકાંઠાની વાવ અને થરાદ બેઠક પર મોટો સટ્ટો લાગી રહ્યો છે. સટ્ટાબજારમાં હાર્દિક પટેલની જીતનો ભાવ 90 પૈસા તો અલ્પેશ ઠાકોરની જીતનો ભાવ 80 પૈસા છે. એક તરફ એક્ઝીટ પોલ બાદ સટ્ટાબજારમા પણ ભાજપને ભારે જનમત મળતો દેખાઈ રહ્યો છે. બીજી તરફ કોંગ્રેસનો હાથ છોડીને પક્ષ પલટો કરીને ભાજપમાં આવેલાં હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર જેવા નેતાઓ જીતશે કે નહીં તેના પર પણ સટ્ટા બજારમાં હાલ મોટો દાવ રમાઈ રહ્યો છે. સૌથી વધુ સટ્ટો હાર્દિક પટેલની વિરમગામ બેઠક અને અલ્પેશ ઠાકોરની ગાંધીનગર દક્ષિણ બેઠક પર લાગી રહ્યો છે.
સટ્ટોડિયાઓ ભાજપ કોંગ્રેસ વિશે શું કહે છે?
સટ્ટોડિયાઓના મતે ભાજપને 140થી142 બેઠક તો આપને 4થી6 બેઠક અને કોંગ્રેસને 30થી 34 બેઠક મળવાનું અનુમાન છે. બીજા તબક્કાના મતદાન અગાઉ સટ્ટાબજારનું સેશન ભાજપને 137થી139નું હતું જે વધીને 140થી142નું થયું છે. ભાજપના ખંભાળિયા બેઠકના ઉમેદવાર મુળુભાઇ બેરાની જીતનો ભાવ સૌથી વધુ 95 પૈસા છે.
સુરતની અને સૌરાષ્ટ્રની સીટ વિશે શું છે અનુમાન?
સટ્ટોડિયાઓના મતે સુરત શહેરની 12 પૈકી ઓછામાં ઓછી 11 બેઠકો ભાજપને મળશે. જ્યારે કચ્છ સૌરાષ્ટ્રની 54માંથી 40થી 42 બેઠકો ભાજપને મળશે. સટ્ટોડિયાઓના મતે વિસાવદરથી હર્ષદ રીબડીયા, માણાવદરમાં જવાહર ચાવડાની જીત નિશ્વિત છે. ધોરાજી બેઠક પર લલિત વસોયા, જામજોધપુરથી ચિરાગ કાલરિયાની જીત નિશ્વિત છે. અમરેલી જિલ્લાની 3 બેઠક પર ભાજપ તો 3 પર કોંગ્રેસના ઉમેદવારો જીત માટે હોટ ફેવરિટ છે. મોરબી બેઠકથી ભાજપના કાંતિ અમૃતીયાની જીત નિશ્ચિત છે. ટંકારા બેઠક પર લલિત કગથરાની મામુલી સરસાઈથી જીત થઈ શકે છે. સટ્ટાબજારમાં પોરબંદરની બેઠક પર જીત માટે અર્જૂન મોઢવાડીયા અને કુતિયાણા બેઠક પર કાંધલ જાડેજા હોટ ફેવરીટ છે.
ઉત્તર ગુજરાતની બેઠકોમાં ભાજપ આગળ
સટ્ટાબજારમાં ખેડબ્રહ્મા , મહેસાણા , ઊંઝા , માણસા , ઈડર , મોરબી , રાજકોટ પશ્ચિમ બેઠક પર ભાજપની જીત નક્કી છે. સટ્ટોડિયાઓના મતે પાટણ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલની જીત નક્કી લાગી રહી છે. વડોદરા શહેરની તમામ બેઠકો પર સટ્ટોડીયાઓ ભાજપની જીત માની રહ્યા છે.
આ પણ વાંચોઃ ચૂંટણી 2022 : ગુજરાતમાં ચૂંટણી પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા મા અંબાના દર્શને