આજે વટ સાવિત્રી વ્રતઃ પૂજાના મુહુર્ત શું છે? અન્ય નિયમો પણ જાણો
- આજે રચાશે સિદ્ધયોગ, મહિલાઓને મળશે આશીર્વાદ
- પતિના દીર્ઘાયુ માટે પત્નીઓ કરે છે વટ સાવિત્રીનું વ્રત
- આજે રાતથી શરૂ થશે શનિ જયંતિ, તેથી વિશેષ લાભ થશે
વટ સાવિત્રી વ્રત આ વર્ષે 19 મે, 2023 શુક્રવારના રોજ રાખવામાં આવશે. આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા વડના ઝાડની વિધિવત પૂજા કરવામાં આવે છે. હિંદુ પંચાંગ અનુસાર દર વર્ષે વૈશાખ મહિનાની અમાસના દિવસે વટસાવિત્રિનું વ્રત કરવામાં આવે છે.
આજે સિદ્ધ યોગનું નિર્માણ થવા જઇ રહ્યુ છે. તેથી મહિલાઓને સદૈવ સૌભાગ્યવતી રહેવાનો આશીર્વાદ પ્રાપ્ત થશે. વટ સાવિત્રીનું વ્રત પરિણિત મહિલાઓ પતિના દીર્ધાયુ માટે કરે છે. આ દિવસે તેઓ વડની પૂજા કરે છે અને આ વ્રતનો સંકલ્પ લે છે. આ વર્ષે વટ સાવિત્રી વ્રત પર શનિ જયંતિ પણ છે. આ શુભ સંયોગની વચ્ચે વટ સાવિત્રીનું વ્રત કરવાથી અને સાચા મનથી પૂજા કરવાથી વ્રત કરનારને વિશેષ લાભની પ્રાપ્તિ થશે અને શુભ કાર્ય સંપન્ન થશે.
જાણો પૂજાના મુહુર્ત
અમાસની સ્થિતિ 18 મેના દિવસે રાતે 9.42 વાગ્યાથી શરૂ થઇ ચુકી છે, તે આજે 19મે ના રોજ રાતે 9.22 સુધી રહેશે. આ દિવસે પૂજાનું શુભ મુહુર્ત સવારે 5.21 વાગ્યાથી શરૂ થશે.
કેમ થાય છે વડના ઝાડની પૂજા
વડના ઝાડમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રિદેવનો વાસ હોય છે. વડના ઝાડમાં લટકતી ડાળીઓને સાવિત્રી સ્વરૂપ માનવામાં આવે છે, તેથી આ ઝાડ આપણા માટે પૂજનીય બની જાય છે. વડનું ઝાડ લાંબા સમય સુધી અક્ષય રહે છે તેથી તેને ‘અક્ષય વટ’ પણ કહેવાય છે.
વટ સાવિત્રી વ્રત પૂજનની સરળ વિધિ
જો તમે પહેલીવાર વ્રત રાખી રહ્યા હો તો સવારે વહેલા ઉઠીને સ્નાન કર્યા બાદ પીળા રંગના કપડા પહેરો. શ્રૃંગાર કરો. ત્યારબાદ ઘરના મંદિર અને વડના ઝાડની નીચે સફાઇ કરો, પછી આ સ્થાનને ગંગાજળ નાંખીને પવિત્ર કરી લો. ત્યારબાદ શુભ મુહુર્તમાં વટ વૃક્ષની પૂજા કરો. દીવો અને ધૂપ કરો. હવે વટ વૃક્ષના મુળને જળ અર્પિત કરો. તેમાં ચારેય બાજુ સાત વખત કાચો દોરો લપેટો. ત્યારબાદ વટ વૃક્ષની પરિક્રમા કરો. પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરો.
વટ વૃક્ષના પાંદડાની માળા બનાવીને પહેરો અને વટ સાવિત્રી વ્રતની કથા કરો.સાસુના આશીર્વાદ લો. ફળ-અનાજ અને કપડા એક ટોકરીમાં રાખીને કોઇ જરૂરિયાતમંદને કે બ્રાહ્મણને દાન કરો.
આટલું ન કરતા
વટ સાવિત્રી વ્રતના દિવસે દાન કરવાનું અતિ શુભ માનવામાં આવે છે. આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ દાન કરી શકે છે. આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓએ કાળા રંગના કપડા ન પહેરવા જોઇએ. આ ઉપરાંત સફેદ વસ્ત્રો પણ ધારણ ન કરવા જોઇએ. હાથમાં બંગડીઓ પણ આ કલરની ન પહેરવી જોઇએ.
આ પણ વાંચોઃ ધૂળ-માટીના કારણે થઇ રહી છે એલર્જી? અપનાવો આ ઉપાય