બિપરજોય: ગુજરાતમાં વાવાઝોડાઓનો શું છે ઇતિહાસ?

હમ દેખેગે ન્યૂઝ ડેસ્ક: સામાન્ય રીતે દર વર્ષે મે-જૂન મહિનામાં ભારતીય ઉપખંડમાં ચક્રવાતી તોફાનો ઉદ્ભવતા હોય છે. આ જ સિલસિલામાં જ બિપરજોય વાવાઝોડું ગુજરાતના અનેક વિસ્તારોમાં વિનાશક અસર કરી છે. જોકે ગુજરાતીઓ આ પહેલા પણ ભયંકર’વાયુ’ અને ‘તાઉ-તે’ને સહન કરી ચૂક્યા છે. તે ઉપરાંત 1998ના સૌથી વિનાશક વાવાઝોડાને પણ ગુજરાતના લોકોએ સહન કરેલો છે.
120 વર્ષ ઇતિહાસ અનુસાર મોટા ભાગના ચક્રવાત બંગાળના અખાતમાંથી જન્મ લે છે, તે ચક્રવાત ખુબ જ વિનાશક અને ભયંકર સાબિત થાય છે. તેની સરખામણીમાં અરબી સમુદ્રના ચક્રવાત ઓછા અને હળવા સાબિત થતાં આવ્યા છે, પરંતુ આ વખતે બિપરજોય એ ગુજરાતના શ્વાસ અધ્ધર કરી દીધા હતા. પરંતુ જણાવી દઇએ કે છેલ્લા 25 વર્ષમાં આવેલા ચક્રવાતોમાં બિયરજોય ની ગતિ સૌથી ઓછી છે.
બિપરજોય અને 1998ના વાવાઝોડા વચ્ચે સર્જાયો સંયોગ
ગુજરાતમાં ‘બિપરજોય’ નામનું વાવાઝોડું ટકરાઈ ગયું છે. સંયોગ એવો બન્યો છે કે 1998માં પણ જૂન મહિનો જ ચાલી રહ્યો હતો અને હાલ પણ જૂન મહિનો જ ચાલી રહ્યો છે. વર્ષોથી ગુજરાતીઓ માટે જૂન જીવલેણ સાબિત થતો આવ્યો છે. 1998ની 9મી જૂને જ કંડલા ત્રાટકેલા વાવાઝોડાને ગત્ત 9 જૂને જ 25 વર્ષ પૂરાં થયાં છે. 1998ની 9 જૂનની સવારે દોઢસો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાનો શરૂ થયો અને જોત જોતામાં આ ગતિ 160થી 180 કિલોમીટર પ્રતિ કલાકે પહોંચી ગઈ હતી. તે પછી વિનાશની શરૂઆત થઈ હતી.
આ પણ વાંચો- ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાએ વેપારીઓના લગભગ રૂ.5,000 કરોડના વ્યવહારો અટકાવ્યા
1998માં વાવાઝોડું ત્રાટક્યું ત્યારે કંડલામાં દરેક શિફ્ટ દીઠ પોર્ટ પર પાંચેક હજાર કામદારો કામ કરતા હતા. તેઓ વાવાઝોડામાં સપડાઇ ગયા હતા. તે ઉપરાંત ભચાઉ, અંજાર, પૂના, દિલ્હીના અગરિયા કંડલા પોર્ટની ખાડીમાં આવેલી બન્ના ઝૂંપડપટ્ટીમાં રહેતા મજૂરો અને અગરિયાઓ પણ વાવાઝોડાની ચપેટમાં આવી ગયા હતા.
1998માં ખુબ જ મોટી જાનમાલની હાનિ થઈ હતી. સરકારી સત્તાવાર મૃત્યુઆંક 1485 હતો. 1700 લોકો ગુમ દર્શાવાયા (આજ સુધી તેઓ મળી શક્યા નથી) જ્યારે 11 હજાર પશુનાં પણ મોત થઈ ગયાં હતાં. જોકે બિનસત્તાવાર મૃત્યુઆંક ઊંચો આંકવામાં આવ્યો હતો અને સાચો મૃત્યુઆંક ક્યારેય બહાર જ આવ્યો નહીં. પોર્ટ વિસ્તારમાં 1200 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. જ્યારે જીઈબી, ખેતીવાડી, બીજા સરકારી વિભાગોને 300 કરોડનું નુકસાન થયું.
‘વાયુ’ વાવાઝોડામાં 9 લોકોએ ગુમાવ્યા હતા જીવ
10 જૂન 2019 – 18 જૂન 2019મી વચ્ચે આવેલા “વાયુ વાવાઝોડા”એ ગુજરાત સરકારને ચિંતામાં મૂકી દીધી હતી. દિલ્હીથી NDRFની ટીમ રાહત કાર્ય માટે બોલાવી લેવામાં આવી હતી. તે સમયે હવામાન વિભાગને પણ એવું લાગી રહ્યું હતુ કે, આ વાવાઝોડું 1998ના વાવાઝોડાને પણ ટક્કર આપશે. તેની ગતિ 185 કિમી પ્રતિ કલાકની રહેવાની આગાહી કરવામાં આવી હતી. જે પ્રથમ ગુજરાત તરફ અને ત્યારબાદ સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું હતું.
12મી જૂને મધરાતથી કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ‘વાયુ’ વાવાઝોડું 150 કિમીની ઝડપે ત્રાટક્યું હતું અને 9 નાગરિકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. સોમનાથ, વેરાવળનું વાતાવરણ ડરામણું બની ગયું હતું. પરંતુ 13 જૂન, 2019ના રોજ ચમત્કારી રીતે વેરાવળના કાંઠા સુધી પહોંચ્યા બાદ વાયુ વાવાઝોડું અરબી સમુદ્રમાં પાછું ફંટાયું હતું અને ગુજરાત પરથી આફત ટળી ગઈ હતી.
તાઉ-તે વાવાઝોડા 17 લોકોનો લીધો જીવ
14 મે 2021થી 19 મે 2021 વચ્ચે આવેલા તાઉ-તે વાવાઝોડાએ ગુજરાતમાં તબાહી મચાવી હતી. 220 કિમી/કલાકની ઝડપે આવેલા વિનાશક ‘તાઉ-તે’ વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાયું તે બાદ અનેક રાજ્યના અનેક વિસ્તારમાં ભારે તારાજી સર્જી હતી. સરકારી આંકડાઓ પ્રમાણે તાઉ-તે વાવાઝોડાના કારણે 17 લોકોનાં મોત નિપજ્યાં હતા. તો રાજ્યના 3850 ગામોમાં બત્તીગૂલ થઇ ગઈ હતી. 2 લાખથી વધારે વધુ વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા જ્યારે 112 માર્ગો વાહન વ્યવહાર માટે ઠપ થઇ ગયો હતો. 20 હજારથી વધુ કાચા મકાનોને અસર થઇ હતી.
આ પણ વાંચો- ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાને કારણે થયુ આ મોટુ નુકસાન