ટ્રેન્ડિંગનેશનલસાયન્સ એન્ડ ટેકનોલોજી

ચંદ્રયાન-3: શું કહી રહ્યુ છે વિદેશી મીડિયા? પાકિસ્તાને પણ કર્યા વખાણ

  • અમેરિકાની ન્યુઝ ચેનલ CNBC સતત ચંદ્રયાન-3નું લાઇવ અપડેટ આપી રહ્યુ છે
  • ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર સફળતાપૂર્વક લેન્ડ કરશે તો ઇતિહાસ રચાશે
  • પાકિસ્તાનના પૂર્વ મંત્રી ફવાદ હુસૈન ચૌધરીએ મૂન મિશન ચંદ્રયાન-3ના જોરદાર વખાણ કર્યા

રશિયાના ચંદ્ર મિશન લુના-25ની નિષ્ફળતા વચ્ચે હવે સમગ્ર વિશ્વની નજર ભારતના ચંદ્રયાન-3 (chandrayaan-3)પર છે. એવી અપેક્ષા છે કે ચંદ્રયાન-3 આજે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરશે. જો ભારત આમ કરવામાં સફળ રહે છે તો ચાંદના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરનાર પહેલો દેશ બની જશે. ભારતીય મીડિયા તો ચંદ્રયાન-3ના પળે પળનું કવરેજ કરી રહ્યુ છે, પરંતુ આશ્વર્યની વાત એ છે કે વિદેશી મીડિયા પણ મૂન મિશન પર નજર રાખી રહ્યુ છે.

ભારત ઇતિહાસ રચવા તૈયાર

અમેરિકાની ન્યુઝ ચેનલ CNBC સતત ચંદ્રયાન-3નું લાઇવ અપડેટ આપી રહ્યુ છે. CNBCએ કહ્યુ કે 23 ઓગસ્ટના રોજ ભારત ઇતિહાસ રચવા તૈયાર છે. જો તેનું ત્રીજુ ચંદ્ર મિશન ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર સફળતાપૂર્વક લેન્ડ કરશે તો ઇતિહાસ રચાશે.

કતારના અલજઝીરાએ લખ્યું છે કે જો ભારતનું ચંદ્રયાન-3 સફળ રહેશે તો ભારત ચંદ્ર પર સફળતાપૂર્વક ઉતરણ કરશે તો એ દેશોની યાદીમાં સામેલ થઈ જશે જેણે અત્યાર સુધી ચાંદ પર સફળ લેન્ડિંગ કર્યુ છે. અત્યાર સુધી રશિયા, ચીન અને અમેરિકા ચંદ્ર પર સફળ ઉતરાણ કરવામાં સફળ રહ્યા છે.

કતારની ન્યુઝ ચેનલે લખ્યું છે કે, ‘વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ ભારત પાસે તુલનાત્મક રીતે ઓછા બજેટના એરોસ્પેસ પ્રોગ્રામ છે. પરંતુ ભારતનો સ્પેસ પ્રોગ્રામ વિશ્વની મોટી અવકાશ શક્તિઓ દ્વારા કરવામાં આવેલા મોટા સ્પેસ મિશનને ઝડપથી પૂર્ણ કરી રહ્યો છે.

અલજઝીરાએ લખ્યું છે કે ભારતે ચાર વર્ષ પહેલા પણ આવો જ પ્રયાસ કર્યો હતો જે નિષ્ફળ ગયો હતો. તે સમયે ચંદ્રયાન-2નો પૃથ્વી સાથેનો સંપર્ક લેન્ડિંગ પહેલા જ તૂટી ગયો હતો. ભારતના ચંદ્ર મિશનની કિંમત $74.6 મિલિયન છે, જે અન્ય દેશોની સરખામણીમાં ઘણી ઓછી છે, અને તે ભારતના ઓછા ખર્ચના સ્પેસ એન્જિનિયરિંગનો પુરાવો છે.

 

ઇન્ટરનેશનલ ન્યૂઝ એજન્સી રોયટર્સે શું કહ્યુ?

ઇન્ટરનેશનલ ન્યૂઝ એજન્સી રોયટર્સે લખ્યું છે કે ચંદ્રનો દક્ષિણ ધ્રુવ ખૂબ જ ખરબચડો છે જ્યાં ઉતરવું ખૂબ મુશ્કેલ છે, પરંતુ જો અહીં લેન્ડિંગ કરવામાં આવશે તો તે ઐતિહાસિક હશે. ચંદ્રયાન આ વિસ્તારમાં બરફના પાણીની શોધ કરશે, જે ભવિષ્યમાં ચંદ્ર પર માનવ વસવાટ કરવા માટે એક મોટી સિદ્ધિ સાબિત થશે.

રોયટર્સે આગળ લખ્યું, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ખાનગી અવકાશ પ્રક્ષેપણ અને સંબંધિત સેટેલાઇટ આધારિત બિઝનેસમાં રોકાણને પ્રોત્સાહન આપવા માંગે છે. આવી સ્થિતિમાં, ચંદ્ર પર સફળ ઉતરાણથી ભારત અવકાશ શક્તિ તરીકે ઉભરી આવશે.

બ્રિટનના સ્કાય ન્યૂઝે રશિયાના મૂન મિશનની નિષ્ફળતાના સંદર્ભમાં લખ્યું છે કે ભારત રશિયાને પાછળ છોડીને અંતરિક્ષ રેસમાં મોટી છલાંગ લગાવી શકે છે.

એક વાર ઉડાવી હતી મજાક, આજે પાકિસ્તાને કર્યા વખાણ

ભારતના મૂન મિશન ચંદ્રયાન-2ની મજાક ઉડાવનારા પાકિસ્તાનના પૂર્વ મંત્રી ફવાદ હુસૈન ચૌધરીએ મૂન મિશન ચંદ્રયાન-3ના જોરદાર વખાણ કર્યા છે. વાત જાણે એમ છે કે, ભારતના ચંદ્ર મિશન ચંદ્રયાન-3ની પ્રશંસા કરતા ફવાદ ચૌધરીએ મંગળવારે તેને માનવજાત માટે ઐતિહાસિક ક્ષણ ગણાવી હતી. આ સાથે તેમણે પાકિસ્તાની મીડિયાને ચંદ્રયાન-3ના સોફ્ટ લેન્ડિંગનું જીવંત પ્રસારણ કરવા વિનંતી કરી છે.

આ પણ વાંચોઃ ચંદ્રયાન 3ની આજે છેલ્લી સાંજ, આ 4 તબક્કા ભારે, લૈડિંગની છેલ્લી 15 મિનિટમાં શું થશે?

Back to top button