ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસવિશેષ

પાંચ વર્ષમાં રોજગારીની શું સ્થિતિ છે? MSME ક્ષેત્રમાં રોજગારીમાં કેટલો ઊછાળો આવ્યો? જાણો

નવી દિલ્હી, 6 જુલાઈ: દેશમાં રોજગારીના સર્જન અંગે શ્રમ અને રોજગાર મંત્રાલયે અત્યંત મહત્ત્વની માહિતી જાહેર કરી છે. દેશમાં છેલ્લા પાંચ વર્ષમાં કેવી અને કેટલી રોજગારીનું સર્જન થયું તથા કયા ક્ષેત્રમાં આગામી સમયમાં રોજગારી વધવાની શક્યતા છે તેના વિશે પણ વાત કરવામાં આવી છે. દરમિયાન, MSME ક્ષેત્રમાં રોજગારીમાં મોટો ઉછાળો આવ્યો હોવાની માહિતી પણ મળી રહી છે. મંત્રાલયે કહ્યું છે કે, વૈશ્વિક ક્ષમતા કેન્દ્રો (GCCs) અને સ્ટાર્ટઅપ્સ ભારતમાં નોકરીઓનું સર્જન કરવામાં અગ્રીમ ભૂમિકા ભજવી રહ્યા છે. શ્રમ અને રોજગાર મંત્રાલયનાં સચિવ સુમિતા ડાવરાએ આ સંદર્ભમાં જણાવ્યું હતું કે આ બધું મળીને દેશમાં છેલ્લા પાંચ વર્ષમાં લગભગ આઠ કરોડ નવી નોકરીઓનું સર્જન થયું છે.

નવી દિલ્હીમાં કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII) અને એમ્પ્લોયર્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (EFI) દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં ડાવરાએ પીરીયોડિક લેબર ફોર્સ સર્વે (PLFS)ને ટાંકીને આ વાત કહી. તેમણે શ્રમ કાયદામાંથી અપરાધીકરણની કલમો દૂર કરવા તથા વ્યવસાય કરવાની સરળતા (Ease of doing business) માટે મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવેલા મહિલા કર્મચારીઓની ભાગીદારીમાં વધારો જેવા સુધારા વિશે પણ વાત કરી હતી.

તેમણે નોંધ્યું હતું કે સામાજિક સુરક્ષા અને શ્રમ કલ્યાણ જેવા સુધારાઓથી ભારતમાં સર્વસમાવેશી વૃદ્ધિની અપેક્ષા છે. “29 શ્રમ કાયદાને હવે ચાર શ્રમ કાયદામાં કોડીફાઇડ કરવામાં આવ્યા છે. એક રાષ્ટ્રીય કારકિર્દી સેવા પોર્ટલ સક્રિય છે અને કૌશલ્ય મંત્રાલયના ડેટાને એકીકૃત કરવામાં આવી રહ્યો છે”, તેમ ડાવરાએ વધુમાં જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે ભારતમાં “લગભગ 1 કરોડ ગીગ કામદારો છે અને ગીગ અર્થતંત્ર 2030 સુધીમાં લગભગ 2.4 કરોડ લોકોને રોજગાર આપશે.”

5 વર્ષમાં 8 કરોડ રોજગાર સર્જન, આટલી રોજગારી ક્યાંથી આવી?

ભારતમાં 1 કરોડ ગીગ કામદારો છે અને ગીગ અર્થતંત્ર વર્ષ 2030 સુધીમાં લગભગ 2.4 કરોડ લોકોને રોજગાર પ્રદાન કરે તેવી અપેક્ષા છે. ગીગ વર્કર્સ એટલે એવા કર્મચારીઓ જેઓ કાયમી કર્મચારીઓ નથી. આ લોકો ફ્રીલાન્સર તરીકે અથવા ટૂંકા ગાળાના કરાર પર કામ કરે છે. જેમ કે Zomato અથવા Swiggy જેવા ઑનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મના ડિલિવરી બૉય અને Ola-Uber સાથે સંકળાયેલા ડ્રાઈવરો.

ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (GCC) અને સ્ટાર્ટઅપ્સ ભારતમાં નોકરીઓનું સર્જન કરવામાં મુખ્ય ખેલાડીઓ તરીકે ઉભરી આવ્યા છે. આ બંનેએ મળીને છેલ્લા પાંચ વર્ષમાં લગભગ આઠ કરોડ નવી નોકરીઓ ઊભી કરી છે. વૈશ્વિક ક્ષમતા કેન્દ્રો સામાન્ય રીતે વિશ્વભરની સંસ્થાઓ દ્વારા બનાવવામાં આવે છે. તેનો ઉદ્દેશ્ય વૈશ્વિક પ્રતિભા, સંસાધનો અને કુશળતાનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનો છે. તેઓ સામાન્ય રીતે મોટા કોર્પોરેશનોનો ભાગ હોય છે અને R&D, IT સેવાઓ, બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ, એન્જિનિયરિંગ સેવાઓ જેવી ઘણી સેવાઓ પ્રદાન કરે છે.

Gig કામદારો અર્થતંત્રના સેવા ક્ષેત્રનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ ક્ષેત્ર સતત ઝડપથી વિકાસ કરી રહ્યું છે. ડાવરાએ કહ્યું કે સરકારે નોકરીઓ પર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની અસરનો અભ્યાસ કરવા માટે એક ટાસ્ક ફોર્સની સ્થાપના કરી છે. તેમણે કહ્યું કે AI પર કોઈપણ નિષ્કર્ષ પર પહોંચતા પહેલા આપણે વધુ અભ્યાસ કરવાની જરૂર છે.

MSMEમાં કામ કરતા લોકોની સંખ્યા 20.2 કરોડથી વધુઃ

દરમિયાન લઘુ અને મધ્ય ઉદ્યોગોના ક્ષેત્ર માટે પણ ઘણા સારા સમાચાર મળી રહ્યા છે. MSME મંત્રાલયના એન્ટરપ્રાઇઝ રજિસ્ટ્રેશન પોર્ટલ અનુસાર ગયા વર્ષના આ સમયગાળા દરમિયાન આવા ઉદ્યોગોમાં કામ કરતા લોકોની સંખ્યા 12.1 કરોડ હતી. નાણા મંત્રાલયે આ વર્ષની શરૂઆતમાં એક માસિક આર્થિક અહેવાલમાં ખુલાસો કર્યો હતો કે જુલાઈ 2020 માં સરકાર દ્વારા ઉદ્યોગમ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું ત્યારથી MSME ક્ષેત્રમાં કાર્યરત કામદારોની સંખ્યામાં 5.3 ગણો વધારો થયો છે. દેશના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) માં કામ કરતા લોકોની સંખ્યા વધીને 20.2 કરોડથી વધુ થઈ ગઈ છે. MSME મંત્રાલયના એન્ટરપ્રાઇઝ રજિસ્ટ્રેશન પોર્ટલ અનુસાર ગયા વર્ષના સમાન સમયગાળામાં આવા ઉદ્યોગોમાં કામ કરતા લોકોની સંખ્યા 12.1 કરોડ હતી.

આ સાહસોમાં કાર્યરત કુલ કામદારોમાંથી 4.54 કરોડ મહિલા કર્મચારીઓ છે. હાલમાં પોર્ટલ હેઠળ 4.68 કરોડ MSME નોંધાયેલા છે, જેમાંથી 4.6 કરોડ સૂક્ષ્મ સાહસો છે. તેઓ રોજગારનો મોટો હિસ્સો પૂરો પાડે છે.

આ પણ વાંચોઃ શું મંદિર અને ટેમ્પલ બંને એક જ નહીં…!?

Back to top button