‘ડાર્ક વેબ’ શું છે, જેના પર લીક થયું NEET પરીક્ષાનું પેપર? શિક્ષણ મંત્રીએ કર્યો ઉલ્લેખ
- NEET અને UGC NETના પેપર ડાર્ક વેબ પર થયા લીક: ધર્મેન્દ્ર પ્રધાન
- શું તમે જાણો છો કે ડાર્ક વેબ શું છે અને અહીં પેપર લીક કરનારા ગુનેગારો આસાનીથી કેમ પકડાતા નથી? ચાલો જાણીએ શું છે ડાર્ક વેબ
દિલ્હી, 21 જૂન: ભારતમાં દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ કોઈને કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે, જેથી તેઓ તેમાં સફળતા મેળવી શકે અને તેમનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે. ઘણી પરીક્ષાઓ એટલી મુશ્કેલ હોય છે કે વિદ્યાર્થીઓને બે થી ત્રણ વર્ષ તૈયારી કરવી પડે છે. પરંતુ સમાજમાં કેટલાક લોકો એવા છે જે આ પરીક્ષાઓના પેપર થોડા કલાકોમાં લીક કરી દે છે અને વિદ્યાર્થીઓની વર્ષોની મહેનત પર પાણી ફેરવી નાખે છે.
હકીકતમાં, છેલ્લા કેટલાક સમયથી દેશની ઘણી મોટી પરીક્ષાઓના પેપર લીક થઈ રહ્યા છે. તાજેતરમાં, નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) પેપર લીક થયું હતું, જેના કારણે દેશભરના વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો. તે જ સમયે, NEETનો મુદ્દો હજી સમાપ્ત થયો ન હતો ત્યારે UGC NETનું પેપર પણ લીક થયું હતું, જેના કારણે લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમાં ગયું છે.
પેપર ડાર્ક વેબ પર લીક થયા: ધર્મેન્દ્ર પ્રધાન
આ પરીક્ષાઓના પેપર લીક મુદ્દે દેશના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે આ પેપર ડાર્ક વેબ પર લીક થયા છે. હવે સવાલ એ થાય છે કે આ ડાર્ટ વેબ શું છે, જેના આધારે પેપર લીક થયા પછી ગુનેગારો પકડાતા નથી? તે જ સમયે, તેનો ફાયદો ઉઠાવીને કૌભાંડીઓ દેશની ઘણી મોટી પરીક્ષાઓના પેપર સતત લીક કરી રહ્યા છે.
આ પણ વાંચો: જાણો શું છે ‘I4C આંખ’, જેણે UGC-NET પરીક્ષામાં ગેરરીતિઓ ઝડપી પાડી
ડાર્ક નેટ શું છે?
વાસ્તવમાં, ડાર્ક નેટ એ ઈન્ટરનેટનો તે ભાગ છે જ્યાં કાયદેસર કે ગેરકાયદે તમામ પ્રકારના કામ કરવામાં આવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે આપણે જે ઈન્ટરનેટનો ઉપયોગ કરીએ છીએ તેનો માત્ર 4% ભાગ છે, જેને સરફેસ વેબ કહેવામાં આવે છે. જ્યારે, 96% ઈન્ટરનેટ ડાર્ક વેબ અથવા ડીપ વેબ હેઠળ આવે છે. અહીં હાજર કોઈપણ સામગ્રીને ઍક્સેસ કરવા માટે પાસવર્ડ જરૂરી છે.
ડાર્ક વેબમાં ચાલે છે ગેરકાયદેસર પ્રવૃતિઓ
સાયબર નિષ્ણાતો ડાર્ક વેબ ખોલવા માટે ટોર બ્રાઉઝરનો ઉપયોગ કરે છે. ડાર્ક વેબનો ઉપયોગ ખાસ કરીને ગેરકાયદે પ્રવૃત્તિઓ માટે થાય છે. અહીં માત્ર કાગળો જ લીક થતા નથી, પરંતુ ડ્રગ્સ, હથિયારોની દાણચોરી, કોઈને કોન્ટ્રાક્ટ આપવો, ગોપનીય પાસવર્ડ અને દસ્તાવેજો શેર કરવા, ચાઈલ્ડ પોર્ન શેર કરવા જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ અહીં કરવામાં આવે છે. ડાર્ક વેબ પર હાજર સ્કેમર્સ તે વસ્તુઓ ખૂબ જ સસ્તા દરે વેચે છે, જે ખુલ્લા બજારમાં પ્રતિબંધિત છે.
એવી તો કઈ ટેક્નોલોજી છે કે તેના કારણે સ્કેમર્સ બચી જાય છે?
અહીં ગેરકાયદે કામ કરતા લોકો કેમ પકડાતા નથી, તો તેની પાછળનું સૌથી મોટું કારણ છે તે ટેક્નોલોજી જેના પર સમગ્ર ડાર્ક વેબ કામ કરે છે. ડાર્ક વેબ ઓનિયન રૂટીંગ ટેક્નોલોજી પર કામ કરે છે. આ ટેક્નોલોજી યુઝર્સને ટ્રેકિંગ અને સર્વેલન્સથી બચાવે છે. આ સિવાય આ ટેક્નોલોજી યુઝરની પ્રાઈવસી જાળવવા માટે રૂટ અને રી-રુટ પણ કરે છે. જો સરળ ભાષામાં સમજાવવામાં આવે તો, ડાર્ક વેબ ઘણા IP એડ્રેસથી કનેક્ટ અને ડિસ્કનેક્ટ થાય છે, જેના કારણે યુઝરને ટ્રેક કરવાનું ખૂબ મુશ્કેલ બની જાય છે. આ સિવાય અહીં થતા વ્યવહારો માટે બિટકોઈન જેવી વર્ચ્યુઅલ કરન્સીનો ઉપયોગ કરવામાં આવે છે જેના કારણે તેમને પકડવા મુશ્કેલ છે.
આ પણ વાંચો: ભારતમાં 5G ડાઉનલોડ સ્પીડમાં થયો મોટો ઘટાડો, શું છે તેની પાછળનું મુખ્ય કારણ?