અમેરિકામાં તબાહી મચાવનાર હિમ-તોફાન માટે જવાબદાર ‘આર્ક્ટિક બ્લાસ્ટ’ શું છે? સમજો અહીં

બરફના તોફાને ઉત્તર અમેરિકામાં તબાહી મચાવી છે. બરફવર્ષાને કારણે અમેરિકા અને કેનેડામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 38 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. અધિકારીઓનું કહેવું છે કે આ તોફાનના કારણે અમેરિકામાં 34 લોકોના મોત થયા છે. આ વાવાઝોડાની સૌથી વધુ અસર ન્યૂયોર્ક સ્ટેટના બફેલો શહેર પર જોવા મળી રહી છે. પરંતુ દરેકને સવાલ એમ થાય કે અમેરિકામાં આવી સ્થિતિ કેમ ઊભી થઈ છે ? અને આ ઠંડી પાછળ શું કારણ છે ? તો અમે તમને જણાવીશું કે શેને કારણે અમેરિકામાં જનજીવન ખોરવાયું છે. આ સમગ્ર પ્રક્રિયાને સમજીએ…
આ પણ વાંચો : અમેરિકામાં બરફના તોફાને મચાવી તબાહી, 38 લોકોના મોત
અમેરિકામાં આવેલા બરફના તોફાન માટે આર્કટિક બ્લાસ્ટ જવાબદાર છે. આ આર્કટિક બ્લાસ્ટના લીધે અમેરિકામાં Bomb Cyclone આવ્યો છે. જેને લીધે અમેરિકામાં તાપમાનનો પારો માઈનસ 57 ડિગ્રીએ પહોંચી ગયો છે તેથી આ સમયે હવામાને લીધે જનજીવન થંભી ગયું છે. અનેક વિસ્તારોમાં સાડા ત્રણ ફૂટ જાડો બરફ જામી ગયો છે.

આ કેમ થઈ રહ્યું છે, આર્ક્ટિક બ્લાસ્ટ શું છે?
અમેરિકામાં આ સિઝનની શરૂઆત આર્કટિક બ્લાસ્ટથી થઈ છે. એટલે કે આર્કટિક બ્લાસ્ટમાંથી આવતા ઠંડા પવનોને કારણે. આર્કટિકમાંથી આવતા ઠંડા જેટ પ્રવાહે અમેરિકાના ઉપરના વાતાવરણને ઠંડુ પાડ્યું હતું. જેના કારણે સમગ્ર અમેરિકાની હાલત કફોડી બની હતી.જ્યારે અમેરિકાની ઉપર ભેજવાળી ગરમ હવામાંથી એક ઠંડો જેટ સ્ટ્રીમ નીકળ્યો ત્યારે તે પણ ઠંડી વધુ પડવા લાગી હતી. જેના કારણે હવામાન બન્યું ખતરનાક હતું અને તેને લીધે બોમ્બ ચક્રવાતનો જન્મ થયો, જેના કારણે 24 કલાકમાં જ તાપમાનમાં ઝડપથી ઘટાડો થયો હતો.

શું આર્કટિક બ્લાસ્ટ એક સામાન્ય પ્રક્રિયા છે?
વાત સાચી છે કે આર્કટિક બ્લાસ્ટથી સર્જાયેલ બોમ્બ ચક્રવાત શક્તિશાળી છે. પરંતુ શિયાળામાં આવી કુદરતી ઘટનાઓ સામાન્ય છે. અમેરિકામાં આર્કટિક બ્લાસ્ટને કારણે શિયાળામાં આવા તોફાનો આવતા રહે છે. ઠંડા પવનોનો જેટ પ્રવાહ અમેરિકામાં આગળ વધવાનું શરૂ કરે છે. જેના કારણે સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ જાય છે. અગાઉ 1983માં ઠંડીનું પ્રમાણ વધ્યું હતું અને 2014માં પણ ધ્રુવીય વમળમાં તાપમાન આટલું જ નીચું ગયું હતું.
આર્કટિક બોમ્બ શું હોય છે?
આર્કટિક બ્લાસ્ટને જ આર્કટિક બોમ્બ કહેવામાં આવે છે. કેટલાક સમય માટે, આર્કટિક પ્રદેશમાંથી ઠંડી હવાનો ઝાપટો ગરમ પ્રદેશો તરફ ઝડપથી આગળ વધે છે. જેના કારણે 24 કલાકમાં તાપમાન બેવડી ગતીથી માઈનસ થઈ જાય છે, ભારે બરફવર્ષા થાય છે અને ચારે બાજુ બરફ જમા થાય છે. ઠંડા પવનો ફૂંકાય છે. આ સ્થિતિ ઠંડા પવનોના દિવસના અંત સુધી પણ ચાલુ રહે છે.
આર્કટિક વોર્ટેક્સ શું છે?
વોર્ટેક્સ એટલે પવનનું ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફેરવવું. જ્યારે ધ્રુવીય પ્રદેશોમાંથી ઠંડા પવનો આવે છે ત્યારે આર્કટિક વોર્ટેક્સ અથવા પોલર વોર્ટેક્સ કહેવાય છે. પરંતુ તેમના બહાર નીકળવાનું કારણ ધ્રુવો પરના વિશાળ વિસ્તાર પર સર્જાયેલ નીચા દબાણનું ક્ષેત્ર છે. તે હંમેશા ધ્રુવો નજીક રચાય છે. ઉનાળામાં તે નબળા પડી જાય છે અને શિયાળામાં તે વધુ મજબૂત બની જાય છે. જેના કારણે પૃથ્વીના ધ્રુવ અને તેની આસપાસના વિસ્તારોમાં ઠંડીમાં વધારો થાય છે.

આ હવામાન કેટલો સમય ચાલશે?
વાતાવરણીય પર્યાવરણ સંશોધનના વિન્ટર સ્ટોર્મ એક્સપર્ટ જુડાહ કોહેને જણાવ્યું હતું કે આ સિઝન ઘણી વખત પોતાનો રંગ બદલશે. લગભગ એક સપ્તાહ સુધી સ્થિતિ એવી જ રહેવાની ધારણા છે. આ પછી બધું સામાન્ય થઈ જશે. ક્રિસમસ પૂરી થઈ ગઈ છે… હવે આગામી થોડા દિવસોમાં પારો સામાન્ય થઈ જશે. કારણ કે બોમ્બ સાયક્લોન પશ્ચિમથી પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે. તેથી ધીરે ધીરે તેનો અંત આવશે.
અત્યારે અમેરિકામાં શું ચાલી રહ્યું છે?
ઉત્તર ધ્રુવ એટલે કે આર્કટિકમાંથી ઠંડા પવનો અમેરિકા તરફ આવી રહ્યા છે. જેને લીધે તાપમાન ઝડપથી ઘટી રહ્યું છે. મોટાભાગના યુ.એસ.માં તાપમાન સરેરાશ કરતાં ઘણું ઓછું છે. દિવસ દરમિયાન કેટલીક જગ્યાએ તાપમાનનો પારો 11 ડિગ્રી સેલ્સિયસ પર યથાવત રહ્યો છે. જ્યારે કેટલીક જગ્યાએ રાત્રે તાપમાનનો પારો માઈનસ 57 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો છે. આર્કટિક બ્લાસ્ટના કારણે અમેરિકામાં અત્યાર સુધીમાં 38 લોકોના મોત થયા છે. ઘણી જગ્યાએ વીજ પુરવઠો બંધ થઈ ગયો છે. નળમાં પાણી જામી ગયું છે. દેશભરમાં 2000થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. આ હવામાન પાછળનું મુખ્ય કારણ આર્કટિકમાંથી આવતો પવન છે. તેથી અપર મિડવેસ્ટ અને ગ્રેટ લેક્સ જેવા મેદાનો માટે હિમવર્ષાની ચેતવણી જારી કરવામાં આવી છે.

કોને સૌથી વધુ અસર થશે?
રોકી પર્વતોની પૂર્વ તરફ એટલે કે દેશના બે તૃતીયાંશ ભાગમાં રહેતા લોકો ભયંકર શિયાળાનો સામનો કરી રહ્યા છે. પશ્ચિમ કિનારો પણ બરફવર્ષા સાથે ઝઝૂમી રહ્યો છે. આર્કટિક ફ્રન્ટ ફ્લોરિડામાંથી એટલે કે પૂર્વથી દક્ષિણ તરફ પસાર થઈ રહ્યો છે. એટલે કે ભારે હિમવર્ષાની ચેતવણી જારી કરવામાં આવી છે. હવાઈ સેવા બંધ કરી દેવામાં આવી છે. રસ્તાઓ પર નીકળતા લોકોને મુસાફરી ન કરવાની સલાહ પણ આપવામાં આવી છે.