ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

શું છે “મહાગુજરાત આંદોલન” અને “ખાંભી સત્યાગ્રહ”, જાણો કેવી રીતે બન્યું ગુજરાત એક સ્વતંત્ર રાજ્ય 

Text To Speech

ગુજરાતને સ્વતંત્ર રાજ્યનો દરજ્જો મળ્યો તેને 62 વર્ષ વીતી અને આજે એટલે કે 1 મે 2022નાં દિવસે ગુજરાત સ્વાયતતાને 63માં વર્ષમાં પ્રવેશી રહ્યું છે, ત્યારે શું આજનો ગુજરાતી અને આજની પેઢી એટલે કે આપણી યુવા પેઢી ગુજરાતને સ્વતંત્ર રાજ્યની ગરીમા મળવાની ગાથા કે હકીકત કે ઇતિહાસ જાણે છે ? આમ તો ભારત વિશ્વમાં સૌથી યુવા દેશ કહેવામાં આવે છે કારણ કે દૂનિયાનાં બાકી દેશો કરતા આજનાં સમયે ભારતની વસ્તીમાં સૌથી વધુ યુવાનો છે. ગુજરાતનો યુવા પોતાના ગુજરાતી પણાનાં કારણે વેપાર ધંધામાં અને અભ્યાસમાં અવ્વલ ગણવામાં આવે છે અને આવું છે પણ, પરંતુ જ્યારે ઇતિહાસ અને ગૌરવ ગાથાની વાત કરવામાં આવે તો આપણે ગૌરવવંતા ગુજરાતીઓ ક્યાંક ને ક્યાંક ફિક્કા પડતા દેખાઇએ છીએ તે પણ એક વિડંબણાનો વિષય છે અને આવું ન થાય માટે જ તમામ લોકોએ પોતાનાં મૂળ સાથે અને પોતાનાં ઇતિહાસ સાથે જોડાયેલુ રહેવું અત્યંત જરૂરી છે. તો ચાલો જાણીએ ગુજરાતની ગુજરાત રાજ્ય તરીખેની સ્વતંત્રતાની ગાથા અને તેની સાથે જોડાયેલા આંદોલન વિશે.

1 મે નાં દિવસે ગુજરાત “ગુજરાત ગૌરવ દિવસ” ની ઉજવણી કરે છે અને તેવું એટલા માટે કરે છે કે 1 મે,  1960નાં દિવસે બૃહદ મુંબઇ રાજ્યનું વિભાજન કરી ગુજરાતને સ્વતંત્ર રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો. સ્વાયત ગુજરાત રાજ્યની સ્થાપનામાં મહાગુજરાત આંદોલનની મહત્તવની ભૂમિકા રહી છે. જોકે, 1956માં શરૂ થયેલા મહાગુજરાત આંદોલનને વેગ આપવાનું કામ ખાંભી સત્યાગ્રહે કર્યું હતું. કેન્દ્ર સરકારે દ્વિભાષી રાજ્યનો કાયદો ઘડીને મહારાષ્ટ્ર-ગુજરાતને એક રાજ્ય જાહેર કરી દીધું હતું. બીજી તરફ ગુજરાતી પ્રજા ગુજરાતને અલગ રાજ્ય તરીકે જોવા માંગતી હતી. 1956માં નાના પાયે આંદોલનની શરૂઆત થઈ હતી. આ આંદોલનનાં સંધ નાયકો અને સ્વતંત્ર ગુજરાતનાં શિલ્પી કહી શકાય તેવા ઈન્દુલાલ યાજ્ઞિક, ભાઈકાકા વગેરેએ આગેવાની લેવાની શરૂઆત કરી પછી આંદોલને મોટું સ્વરૂપ ધારણ કર્યું અને ‘મહાગુજરાત આંદોલન’ તરીકે પ્રસિદ્ધિ પામ્યું.

1956ની 7મી ઓગસ્ટે એ વખતના કોંગ્રેસ હાઉસ ખાતે ગુજરાત કોલેજના વિદ્યાર્થીઓ કોંગ્રેસી નેતાઓને રજૂઆત કરવા ગયા હતા. વિદ્યાર્થીઓના હાથમાં પુસ્તકો હતા, પણ સામે 303 રાઈફલ હતી. રજૂઆત કરવા ગયેલા વિદ્યાર્થીઓ પર ગોળીબાર થયો. આ ગોળીબારમાં સુરેશ જયશંકર ભટ્ટ, પુનમચંદ વીરચંદ અદાણી, કૌશિક ઈન્દુલાલ વ્યાસ અને અબ્દુલભાઈ પીરભાઈ વસા એમ ચાર વિદ્યાર્થી શહીદ થયા હતા. ગોળીબારને કારણે લોકોમાં સરકાર સામે રોષ ફેલાયો. એ પછી કોંગ્રેસના સર્વોચ્ચ નેતા મોરારજી દેસાઈ અમદાવાદ આવ્યા, તો લોકોએ સ્વયંભૂ કર્ફ્યુ પાળીને મોરારજીભાઇની નેતાગીરીને તમાચો માર્યો. ઈન્દુલાલ યાજ્ઞિાક સહિત સૌ કોઈ ચાર વિદ્યાર્થીઓની શહાદતથી વ્યથિત હતા. લોકોને શહાદત અને કોંગ્રેસની નેતાગીરીની નિષ્ફળતા યાદ રહે એટલા માટે ઈન્દુલાલે કોંગ્રેસ ભવનના ઓટલા ઉપર જ શહીદ સ્મારક બનાવાની જાહેરાત કરી. ખંતિલા યુવાનોને સ્મારકની કામગીરી સોંપાઈ. કડિયાનાકામાંથી ધાંગધ્રાની ઘંટીના પથ્થર મેળવી તેના પર પ્લાસ્ટર ઓફ પેરિસની મશાલ ગોઠવી સ્મારક તૈયાર કરવામાં આવ્યું. નક્કી થયા પ્રમાણે 1958ની 7 ઓગસ્ટની રાતે યુવાનોએ અમદાવાદના ભદ્ર વિસ્તારમાં આવેલા જૂના કોંગ્રેસ ભવન બહાર આવેલો ઓટલો તોડી નાખી જગ્યા સાફ કરી નાખી. બીજા દિવસે 8 ઓગસ્ટે હજારો માણસોની હાજરીમાં ઈન્દુલાલ યાજ્ઞિકે ત્યાં ખાંભી ગોઠવી. યુવાનો દ્વારા ચણતર કરી દેવાયું અને ફરી આંદોલન શરૂ કરાયું. આ સત્યાગ્રહને ‘ખાંભી સત્યાગ્રહ’ નામ આપવામાં આવ્યું. 226 દિવસ સુધી ખાંભી સત્યાગ્રહ ચાલ્યો અને મહાગુજરાત આંદોલનને મજબૂતી આપી.

છેવટે સરકારને આંદોલનકારીઓ સામે ઝૂકવું પડયું. બે વર્ષ સુધીના સંઘર્ષ પછી 1960માં કેન્દ્ર સરકારે ‘રાજ્ય પુનર્રચના કાયદો-1956’ના આધારે બૃહદ મુંબઈ રાજ્યનું વિભાજન કરીને બે અલગ રાજ્યની સ્થાપના કરી. ગુજરાતી ભાષા બોલતા લોકો માટે ગુજરાત રાજ્ય અને મરાઠી ભાષા બોલતા લોકો માટે મહારાષ્ટ્રની રચના કરવામાં આવી અને આવી રીતે ગુજરાતને સ્વતંત્ર રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયો.

Back to top button