ઇદ્દત શું છે, જેના કારણે ઇમરાન ખાનના લગ્નને બિન-ઇસ્લામિક જાહેર કરવામાં આવ્યા?
ઇસ્લામાબાદ, 3 ફેબ્રુઆરી : પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન(Imran Khan) અને બુશરા બીબીના(Bushara Bibi) લગ્નને શનિવારે અદાલતે બિન-ઇસ્લામિક(Non-Islamic) જાહેર કર્યા હતા. આ નિર્ણય બુશરા બીબીના પૂર્વ પતિ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ પર આપવામાં આવ્યો છે. દાવો કરવામાં આવ્યો હતો કે બંનેના લગ્ન ઇદ્દત(iddat) દરમિયાન થયા હતા. આ કેસમાં ઈમરાન અને બુશરા બીબીને પણ 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. તો આવો જાણીએ આ ઇદ્દત શું છે? જેને લઈ ચૂંટણી પહેલા જ ઈમરાન ખાનની મુશ્કેલીઓ વધી રહી છે.
જાણો ઇદ્દત શું છે
ઇસ્લામમાં, લગ્ન શરિયા કાયદા અનુસાર થાય છે. શરિયત અનુસાર, જો કોઈ મહિલાના પતિનું મૃત્યુ થાય છે, તો તેણે ફરીથી લગ્ન કરતા પહેલા થોડો સમય રાહ જોવી પડે છે. આ સમયગાળાને ઇદ્દત(Iddat) કહેવામાં આવે છે. આ સમય 4 મહિના અને 10 દિવસનો છે. છૂટાછેડા પછી થોડા સમય માટે લગ્ન પર પ્રતિબંધ છે, જેને પણ ઇદ્દતનો સમયગાળો કહેવામાં આવે છે. જો કે, આ માટે સાચો શબ્દ કુરુ છે. ઈમરાન ખાન અને બુશરા બીબીના લગ્ન દરમ્યાન હાજર કાઝી મૌસવી મુફ્તી સઈદે પણ કહ્યું હતું કે બંનેના લગ્ન શરિયાના કાયદા અનુસાર નથી.
કુરુ શું છે?
જો પતિ-પત્ની વચ્ચે છૂટાછેડા થયા હોય તો સ્ત્રી નિશ્ચિત સમયગાળા માટે ફરીથી લગ્ન કરી શકતી નથી. આ નિશ્ચિત સમય સ્ત્રીના ત્રણ પિરિયડ સાયકલ માટે છે. તેનો અર્થ એ છે કે માસિક સ્રાવના ત્રણ ચક્ર પછી જ સ્ત્રી ફરીથી લગ્ન કરી શકે છે. આ સામાન્ય રીતે 3 મહિનાનો સમયગાળો છે.
આ સિસ્ટમ શા માટે દાખલ કરવામાં આવી?
મહિલા ગર્ભવતી તો નથી ને? આ અંગેની શંકા દૂર કરવા માટે ઇદ્દતનો સમય નક્કી કરવામાં આવ્યો છે. કારણ કે જો ઇદ્દતના સમયગાળા દરમિયાન લગ્ન થાય અને પ્રેગ્નન્સી જોવા મળે તો તે બાળક અંગે સવાલો ઊભા થઈ શકે છે. ઇદ્દતનો સમય પણ નક્કી કરવામાં આવ્યો છે જેથી બાળક અંગે સવાલો ઊભા ન થાય. જો કોઈ સ્ત્રી ગર્ભવતી હોય, તો બાળકનો જન્મ ન થાય ત્યાં સુધી તે ફરીથી લગ્ન કરી શકતી નથી.
ગર્ભાવસ્થા વિશે શંકાના કિસ્સામાં, ઇદ્દતનો સમય સ્ત્રી માટે ભાવનાત્મક રીતે સ્થિર રહેવા માટે પણ મહત્ત્વપૂર્ણ છે. જ્યારે પતિનું મૃત્યુ થાય છે, ત્યારે તે સ્ત્રી માટે ભાવનાત્મક રીતે મુશ્કેલ સમય હોય છે અને આવી સ્થિતિમાં કોઈપણ સ્ત્રી માટે બીજા પતિ સાથે સંબંધ સ્થાપિત કરવો મુશ્કેલ બની શકે છે.
ઇદ્દત દરમિયાન મહિલાઓ માટે અન્ય પુરૂષોથી પોતાને દૂર રાખવી અને પડદો કરવો જરૂરી છે. આ સમયગાળા દરમિયાન, સ્ત્રીને નવા કપડાં પહેરવા અથવા મેક-અપ કે શૃંગાર કરવા પર પ્રતિબંધ હોય છે. જો કે આ સમયગાળા દરમિયાન જો મહિલાને કોઈ આધાર ન હોય તો તે ઘરની બહાર જઈ શકે છે.
પતિના મૃત્યુ સમયે અથવા ‘ઇદ્દત’ દરમિયાન ગર્ભાવસ્થાની જાણ થાય તો
જો સ્ત્રી તેના પતિના મૃત્યુ સમયે ગર્ભવતી હોય, તો ઇદ્દતનો સમયગાળો જ્યાં સુધી સ્ત્રી બાળકને જન્મ ન આપે ત્યાં સુધી ચાલુ રહેશે. મતલબ કે સ્ત્રીના બીજા લગ્ન બાળકના જન્મ પછી જ શક્ય છે.
પતિના મૃત્યુ પછી સ્ત્રીનો મિલકત પર અધિકાર
પતિના મૃત્યુ પછી, તેની મિલકત પર સ્ત્રીનો અધિકાર છે. જો ઇદ્દત પછી સ્ત્રી બીજા લગ્ન કરે તો પણ સ્ત્રીને તેના પહેલા પતિના હિસ્સાનો અધિકાર રહેશે. તે જ સમયે, જો પત્ની તેના પતિના મૃત્યુ દરમિયાન ગર્ભવતી હોય અને ઇદ્દતના સમયગાળા દરમિયાન બાળકને જન્મ આપે, તો તેની સાથે ઇદ્દત પૂર્ણ થશે.
આ પણ વાંચોઃ ઈમરાન ખાનને એક અઠવાડિયામાં ત્રીજો મોટો ઝટકો, હવે આ કેસમાં થઈ 7 વર્ષની જેલની સજા