ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

ફ્રન્ટ-રનિંગ સ્કેમ શું છે? કેતન પારેખનું નામ ફરી આવ્યું… 65.77 કરોડ રૂપિયા જપ્ત, જાણો સમગ્ર મામલો

  • ભૂતપૂર્વ સ્ટોક બ્રોકર કેતન પારેખ અને સિંગાપોરના ટ્રેડર રોહિત સલગાંવકરએ વર્ષ 2000માં થયેલા એક કૌભાંડમાં જેલમાં પણ જઈ ચૂક્યા છે

નવી દિલ્હી, 03 જાન્યુઆરી: માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)એ એક ફ્રન્ટ-રનિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે જેમાં ભૂતપૂર્વ સ્ટોક બ્રોકર કેતન પારેખ, સિંગાપોર સ્થિત બિઝનેસમેન રોહિત સલગાંવકર અને અન્ય લોકો સામેલ હતા. કેતન પારેખ અને સિંગાપોરના ટ્રેડર રોહિત સલગાંવકરએ વર્ષ 2000માં થયેલા એક કૌભાંડમાં જેલમાં પણ જઈ ચૂક્યા છે અને બંનેને 14 વર્ષ માટે સિક્યોરિટી માર્કેટમાં એન્ટ્રી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. વર્ષ 2000માં કેતન પારેખે રોકાણકારો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હતી, જે બાદ પારેખ અને અન્યો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. હવે ફરી એકવાર મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે.

SEBIએ 22 સંસ્થાઓ સામે આ આદેશ જારી કર્યો

2 જાન્યુઆરીએ SEBI દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ, કેતન પારેખ અને રોહિત સલગાંવકરે ફ્રન્ટ-રનિંગની યોજના બનાવી હતી. આવી સ્થિતિમાં લગભગ 65.77 કરોડ રૂપિયાની ગેરકાયદે કમાણી જપ્ત કરવામાં આવી છે. SEBIએ 22 સંસ્થાઓ સામે આ આદેશ જારી કર્યો છે. SEBIના હોલ ટાઈમ મેમ્બર કમલેશ વાષ્ર્ણેય દ્વારા જારી કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, નોટિસ રિસીવર નંબર 1 રોહિત સલગાંવકર અને નોટીસ રિસીવર નંબર 2 કેતન પારેખે ફ્રન્ટ રનિંગ એક્ટિવિટીઝની મદદથી એક મોટા ક્લાયન્ટ (ફંડ હાઉસ)ના NPIનો દુરુપયોગ કર્યો હતો .

નોટિસ રિસીવર નંબર 10 (અશોક કુમાર પોદ્દાર)એ ફ્રન્ટ રનિંગ એક્ટિવિટીમાં ભૂમિકા ભજવવાનું સ્વીકાર્યું છે. આ સિવાય નોટિસ રિસીવર નંબર 2 અને 10 અનુક્રમે કેતન પારેખ અને અશોક કુમાર પોદ્દારને સિક્યોરિટી માર્કેટમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ બંનેને અગાઉ સિક્યોરિટી માર્કેટમાં પ્રવેશવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જેને ધ્યાનમાં રાખીને, નોટિસ રિસીવર નંબર 1, 2 અને 10 પર તાત્કાલિક અસરથી સિક્યોરિટીઝ અથવા SEBIમાં નોંધાયેલ કોઈપણ મધ્યસ્થીઓમાં ખરીદી, વેચાણ અથવા અન્ય પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આખી રમત કેવી રીતે ચાલી રહી હતી?

SEBIએ તેના આદેશમાં જણાવ્યું કે જ્યાં સલગાંવકર નજીકના સંબંધો ધરાવે છે, તે ફંડ હાઉસ કોઈપણ ટ્રેડર્સ ડીલને અમલમાં મૂકતા પહેલા રોહિત સલગાંવકર સાથે વાતચીત કરી રહ્યું હતું અને પ્રાથમિક માહિતી મુજબ, સલગાંવકર આ માહિતીને કેતન સાથે શેર કરીને ફાયદો ઉઠાવતા હતા. રોહિત સલગાંવકર આ સૂચના કેતન પારેખને આપીને ગેરકાયદેસર નફો કમાઈ રહ્યો હતો. જ્યારે આ માહિતી કેતન પારેખ સુધી પહોંચતી ત્યારે તે તેનો ફાયદો ઉઠાવીને અલગ-અલગ ખાતાઓમાં લેવડ-દેવડ કરતો હતો.

સેબીએ કહ્યું કે, સમગ્ર કામગીરી અને તપાસમાં જાણવા મળ્યું છે કે પારેખે કેવી રીતે ટ્રેડની ફ્રન્ટ રનિંગ માટે કોલકાતાની એન્ટિટીના પોતાના જૂના નેટવર્કનો ઉપયોગ કર્યો અને મુખ્ય ખેલાડીઓ કેવી રીતે રેગ્યુલેટરી દાયરાની બહાર રહીને કામ કરી રહ્યા હતા.

ફ્રન્ટ રનિંગ શું છે?

ફ્રન્ટ રનિંગ એ એક ગેરકાયદેસર પ્રથા છે, જેમાં બ્રોકર અથવા ટ્રેડર, પોતાના લાભ માટે કોઈ ક્લાયન્ટના ઓર્ડર વિશેની ગોપનીય માહિતીનો લાભ લે છે. ફ્રન્ટ રનિંગને માર્કેટ મેનીપ્યુલેશન અને ઇનસાઇડર ટ્રેડિંગનું એક સ્વરૂપ માનવામાં આવે છે.

એક ઉદાહરણથી સમજી શકાય છે, ધારો કે X, એક રિટેલ ઇન્વેસ્ટર, XYZ કંપનીના 1,000 શેર ખરીદવાનો ઓર્ડર આપવા માટે તેની બ્રોકરેજ ફર્મનો સંપર્ક કરે છે. બ્રોકરેજ ફર્મ એક ટ્રેડર Yને આ માહિતી આપે છે. Xના ઓર્ડર પ્રાપ્ત કર્યા પછી, Yને લાગ્યું કે આ એક મહત્ત્વપૂર્ણ ઓર્ડર હતો જે XYZ કંપનીના શેરના ભાવમાં સંભવિત રીતે વધારો કરી શકે છે. Xના ઓર્ડરનો તાત્કાલિક એક્ઝિક્યુટ કરવાને બદલે Y, Xના ઓર્ડર પહેલા XYZ કંપનીનો સ્ટોક ખરીદવાનો ઓર્ડર આપે છે.

Yનો ઓર્ડર ભરાઈ જાય છે અને વધતી માંગને કારણે XYZ કંપનીના શેરની કિંમત વધે છે. એકવાર શેરના ભાવ ચોક્કસ સ્તરે પહોંચ્યા પછી, Y અગાઉ ખરીદેલા શેર વેચે છે અને નફો કરે છે. Yએ પોતાનો ક્લેમ વેચ્યા બાદ જ Xના ઓર્ડરને એક્ઝિક્યુટ કરવામાં આવ્યો. આ સમગ્ર પ્રક્રિયાને ફ્રન્ટ રનિંગ કહેવામાં આવે છે.

કોણ છે કેતન પારેખ?

કેતન પારેખ વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતો અને બ્રોકરેજ પરિવારમાંથી પણ આવતો હતો. શરૂઆતમાં તેણે હર્ષદ મહેતા સાથે શેરબજારમાં કામ કર્યું. 1999-2000 દરમિયાન શેરબજારમાં તેનું નામ હતું. જે પણ શેરને સ્પર્શે તે રોકેટ બની જતો અને જે પણ શેરને વેચે તે ઝડપથી ઘટી જતો. રોકાણકારો તેની દરેક ગતિવિધિ પર નજર રાખતા હતા. તેણે કોલકાતા સ્ટોક એક્સચેન્જમાં મોટું નેટવર્ક બનાવ્યું હતું, બાદમાં તેના ઘણા કૌભાંડો બહાર આવ્યા હતા.

Back to top button