શું છે ડાર્ક ટુરિઝમ? કેરળ પોલીસે જાહેર જનતાને આપી ચેતવણી!
કેરળ- 8 ઓગસ્ટ : કેરળના વાયનાડમાં ભૂસ્ખલન થયું. જેમાં 300થી વધુ લોકોના મૃત્યુ થયા હતા. જ્યારે કાટમાળ વચ્ચે ઘણા લોકો જીવિત હોવાનું જાણવા મળી રહ્યું છે. આ દરમિયાન કેરળ પોલીસે સોશિયલ મીડિયા પર ચેતવણી જાહેર કરી છે. પોલીસનું કહેવું છે કે ડાર્ક ટુરિઝમ માટે આવતા લોકોએ અહીં ફરવા ન આવવું. જેના કારણે રાહત કાર્યમાં અડચણ આવી રહી છે. હવે સવાલ એ થાય છે કે આખરે આ ડાર્ક ટુરિઝમ છે? જેના કારણે કેરળ પોલીસે ચેતવણી જાહેર કરવી પડી હતી. આજે આપણે ડાર્ક ટુરીઝમ અને તેની સાથે જોડાયેલા કેટલાક તથ્યો વિશે વાત કરીશું….
ડાર્ક ટુરિઝમ… જેને બ્લેક ટુરિઝમ, થનાટોરિઝમ, મોર્બિડ ટૂરિઝમ અને ગ્રીફ ટુરિઝમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તે સ્થળોએ થાય છે જ્યાં કોઈ પ્રકારની દુર્ઘટના થઈ હોય. ડાર્ક ટુરિઝમ તમારા માટે નવું લાગી શકે છે. પરંતુ દેશ અને દુનિયામાં તેનું કલ્ચર વધી રહ્યું છે.
આ માટે લોકો પૈસા પણ ખર્ચે છે
અહેવાલો અનુસાર, જ્યારે લોકો સમુદ્ર, પર્વતો અથવા હરિયાળીને બદલે તે વિસ્તારો અથવા ઇમારતોની મુલાકાત લેવાનું શરૂ કરે છે, જ્યાં કોઈ દુર્ઘટના, કુદરતી આફત અથવા કોઈ માનવસર્જિત અકસ્માત થયો હોય અથવા જ્યાં હત્યાકાંડ અથવા તો મોટી સંખ્યામાં મૃત્યુ થયા હોય, તેને ડાર્ક ટુરિઝમ કહેવાય છે. ડાર્ક ટુરિઝમ પર જતા લોકો માને છે કે તે સ્થળોએ જઈને તેઓ તે અકસ્માતોમાં પોતાને સામેલ કરી શકે છે. આ માટે તેઓ ઘણા પૈસા પણ ખર્ચે છે, જેથી તેઓ અકસ્માતની જગ્યાનો અહેસાસ કરી શકે.
ડાર્ક ટુરિઝમ માટેનું માર્કેટ પણ વધી રહ્યું છે.
માર્કેટ મોનિટરિંગ સાઇટ ફ્યુચર માર્કેટિંગ અનુસાર, ડાર્ક ટુરિઝમનું માર્કેટ વિશાળ છે. અને તેમાં સતત ઝડપથી વધારો થઈ રહ્યો છે. એવો અંદાજ છે કે આગામી 10 વર્ષમાં ડાર્ક ટુરિઝમનું માર્કેટ વધીને 41 અબજ ડોલર એટલે કે રૂ. 3 લાખ 4 હજાર કરોડ થઈ જશે.
વર્ષ 2021માં ઈન્ટરનેશનલ હોસ્પિટાલિટી રિવ્યુમાં પ્રકાશિત થયેલા એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે લોકો આ સ્થળો પર કનેક્શન શોધવા અથવા પીડા અનુભવવા માટે જાય છે, પરંતુ મોટાભાગના પ્રવાસીઓ માટે તે માત્ર રોમાંચ છે… જાણે તેઓ કોઈ ખતરનાક કામ કરવા આવ્યા હોય.
ડાર્ક ટુરિઝમ શબ્દ ક્યાંથી આવ્યો?
હવે પ્રશ્ન એ છે કે ડાર્ક ટુરીઝમ શબ્દ અસ્તિત્વમાં કેવી રીતે આવ્યો? તેની શોધ કોણે કરી? વાચ જાણે એમ છે કે ડાર્ક ટુરિઝમ શબ્દ વર્ષ 1996માં સ્કોટલેન્ડની કેલેડોનિયન યુનિવર્સિટીના જે જૉન લેનન અને મૈલ્કમ ફોલેએ શોધ્યો હતો.તેમાં ક્રૂર મૃત્યુના સ્થળો ઉપરાંત, ભયંકર કુદરતી આફત પછી વિનાશના સ્થળોની મુલાકાત લેવાનો પણ સમાવેશ થાય છે.
વિશ્વના કેટલાક ખાસ સ્થળો
રિપોર્ટ્સનું માનીએ તો દુનિયાભરમાં કેટલીક જગ્યાઓ ડાર્ક ટુરિઝમ માટે ખાસ છે. આમાંથી એક પોલેન્ડમાં આવેલ ઓશવિટ્ઝ કોન્સન્ટ્રેશન કેમ્પ છે. નાઝી શાસન દરમિયાન આ સૌથી મોટી નજરકેદ શિબિર હતી, જ્યાં યહૂદીઓને કેદ કરવામાં આવ્યા હતા અને તેમની હત્યા કરવામાં આવી હતી. ઘણા લોકોને ગેસ ચેમ્બરમાં મુકીને મારી નાખવામાં આવ્યા તો ઘણા લોકોએ ભૂખ અને ઠંડીના કારણે જીવ ગુમાવ્યા.
ઓશવિટ્ઝમાં હિટલરની ક્રૂરતાઘણા વર્ષો સુધી ચાલુ રહી. આજે પણ દર વર્ષે 2.5 લાખથી વધુ પ્રવાસીઓ આ સ્થળની મુલાકાત લે છે. આ સિવાય જાપાનનું હિરોશિમા ડાર્ક ટુરિઝમના ખાસ સ્થળોમાં સામેલ છે. 1945માં હિરોશિમામાં પરમાણુ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. જેમાં 80 હજારથી વધુ લોકોના મૃત્યુ થયા હતા.
જોકે આ પછી પણ વિનાશ અટક્યો નથી. થોડા વર્ષો પછી અહીં પીસ મેમોરિયલ પાર્ક બનાવવામાં આવ્યો, જેને જોવા માટે દુનિયાભરના લોકો આવે છે. ડાર્ક ટુરિઝમના ખાસ સ્થળોમાં અમેરિકાનું વર્લ્ડ ટ્રેડ સેન્ટર, યુક્રેનનું ચેર્નોબિલ ન્યુક્લિયર પ્લાન્ટ, રવાંડાનું નરસંહાર સ્થળ મુરામ્બી જેનોસાઈડ મેમોરિયલ અને ઈટાલીના પોમ્પેઈ શહેરનો સમાવેશ થાય છે.
ભારતમાં પણ તેનો ટ્રેન્ડ છે
રસપ્રદ વાત એ છે કે આ ટ્રેન્ડ માત્ર વિશ્વમાં જ નહીં પરંતુ ભારતમાં પણ છે. ભારતમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં લોકો ડાર્ક ટુરિઝમ માટે આવે છે. જેમ કે – જલિયાવાલા બાગ, આંદામાનની સેલ્યુલર જેલ, ઉત્તરાખંડનું રૂપકુંડ તળાવ અને જેસલમેરનું કુલધારા ગામ,
જો કે છેલ્લા કેટલાક સમયથી પ્રવાસનની આ પદ્ધતિનો વિરોધ થઈ રહ્યો છે. લોકોનું માનવું છે કે આ પ્રકારે પ્રવાસીઓના આવવાથી સ્થાનિક લોકોને નુકસાન થાય છે. આ સિવાય કુદરતી આફતોનો ભોગ બનેલા વિસ્તારો ખૂબ જ સંવેદનશીલ હોય છે. એવું માનવામાં આવે છે કે અચાનક ભીડ વધી જવાને કારણે ફરીથી હોનારત થવાની ભીતિ છે.
આ પણ વાંચો : Amazonએ કર્યો ધમાકો: Apple MacBook Air M1 પર બમ્પર ઑફર