ટ્રેન્ડિંગસ્પોર્ટસ

BCCIનો માસ્ટરપ્લાન શું છે ? કેમ ‘બુમરાહ’ને શ્રીલંકા સામેની ODI શ્રેણીમાંથી બહાર કરાયો ?

ભારતીય ક્રિકેટ ટીમે હાલમાં જ શ્રીલંકા સામે T20 શ્રેણી જીતી છે, હવે ટીમ વનડે શ્રેણી માટે તૈયાર છે, ત્યારે વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં ‘સ્પેશિયલ’ એન્ટ્રી મળી હતી તે ભારતીય સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ ફરી આ શ્રેણીમાંથી પણ બહાર થઈ ગયો છે. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, બીસીસીઆઈએ બુમરાહને આટલી જલદી એક્શનમાં નહીં લાવવાનો અને ફિટનેસના આધારે તેને શ્રેણીમાંથી આરામ આપવાનો નિર્ણય લીધો છે. તે જ સમયે, છ દિવસ પહેલા એટલે કે 3 જાન્યુઆરીએ, બીસીસીઆઈએ બુમરાહને ટીમમાં સામેલ કરવાની માહિતી આપી હતી. હવે, બીસીસીઆઈએ પણ આ મામલે સત્તાવાર પુષ્ટિ કરી છે.

આ પણ વાંચો : ભારતીય ટીમ માટે આ બોલર બની શકે છે ‘બુમરાહ’નો બેકઅપ : શું ODI વર્લ્ડ કપમાં મળશે જગ્યા ?

બુમરાહ ફરી થયો ટીમની બહાર 

પીઠની ઈજાને કારણે સપ્ટેમ્બર 2022થી ટીમ ઈન્ડિયાની બહાર થયેલ બુમરાહ એશિયા કપ અને T20 વર્લ્ડ કપમાં પણ ટીમ ઈન્ડિયાનો ભાગ બની શક્યો નહોતો. ઈજામાંથી સાજા થયા બાદ તે લાંબા સમયથી નેશનલ ક્રિકેટ એકેડમીમાં તાલીમ લઈ રહ્યો છે. તાજેતરમાં, NCA દ્વારા બુમરાહને સંપૂર્ણ રીતે ફિટ જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 3 જાન્યુઆરીએ તેને શ્રીલંકા સામેની ODI શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં સામેલ પણ કરવામાં આવ્યો હતો. જો કે, હવે ફરીથી બુમરાહ ટીમની બહાર થતા ચાહકોને આંચકો લાગ્યો છે.

બુમરાહને બહાર રાખવાનું આ છે મુખ્ય કારણ 

એવું માનવામાં આવે છે કે ટીમ મેનેજમેન્ટે NCAની સલાહ પર આ નિર્ણય લીધો છે. વનડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને બીસીસીઆઈ કોઈ જોખમ લેવા માંગતી નથી. આ જ કારણ છે કે જસપ્રીત બુમરાહને છેલ્લી ક્ષણે શ્રેણીમાંથી બહાર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી કરીને તેને પુનરાગમન કરવા માટે પૂરો સમય મળી શકે.

ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં વાપસી કરશે બુમરાહ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર બુમરાહને ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝ માટે ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો વચ્ચે ત્રણ-ત્રણ મેચોની વનડે અને ટી-20 શ્રેણી રમાશે. તે 18 જાન્યુઆરીથી શરૂ થશે. બુમરાહ ઉપરાંત, ભારતીય ટીમના અન્ય સભ્યો, જેમાં કેપ્ટન રોહિત શર્મા, વાઇસ-કેપ્ટન કેએલ રાહુલ, વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરનો સમાવેશ થાય છે, જેઓ T20I શ્રેણી માટે ટીમનો ભાગ ન હતા, તેઓ હાલ ગુવાહાટીમાં ટીમ સાથે જોડાયા છે. ગુવાહાટીમાં જ ભારતીય ટીમ શ્રીલંકા સામે પ્રથમ વનડે રમશે. જો કે બુમરાહ ગુવાહાટી પહોંચ્યો નથી. 29 વર્ષીય જસપ્રીત બુમરાહે 25 સપ્ટેમ્બરે ભારત માટે છેલ્લી મેચ રમી હતી.

શ્રીલંકા સામેની વનડે શ્રેણી માટે ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ. મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ (રમશે નહીં).

ભારત અને શ્રીલંકા વચ્ચેની વનડે શ્રેણીનું શિડ્યૂલ

1લી ODI, 10 જાન્યુઆરી, ગુવાહાટી
બીજી વનડે, 12 જાન્યુઆરી, કોલકાતા
ત્રીજી ODI, 15 જાન્યુઆરી, તિરુવનંતપુરમ

Back to top button