કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

ઢોર પકડ પાર્ટી પર હુમલો થાય ત્યારેે એક્સ આર્મીમેન શું કરે છે ? ઢોલ અને ઘંટારવ સાથે કમિશનરને રજુઆત

Text To Speech

રાજકોટ મહાનગર પાલિકા દ્વારા ચાલતી ઢોર પકડ ઝુંબેશ એક તરફ વેગ પકડી રહી છે ત્યારે બીજી તરફ અવારનવાર બનતાં હુમલાના બનાવના વિરોધમાં ચોથાવર્ગ કર્મચારીઓ દ્વારા ઢોલ અને ઘંટારવ સાથે કમિશનર અમીત અરોરાને રજુઆત કરવા આવ્યા હતા. ચોથાવર્ગ કર્મચારી એકતા મંડળ દ્વારા એવો આક્ષેપ કરાયો હતો કે, ઢોર પકડ પાર્ટીની સાથે બંદોબસ્તમાં રહેલા એક્સ આર્મીમેનની ટીમની નજર સામે હુમલાના બનાવો બને છે. આમછતાં સુરક્ષાને બદલે તેઓ મોબાઇલમાં ગેમ રમવામાં કે મોબાઇલ પર વાત કરવામાં જ મશગુલ રહે છે.

મહાનગરપાલિકા દ્વારા સુરક્ષાનો પુરતો બંદોબસ્ત કરવામાં આવે તેવી માગણી

ચોથા વર્ગ કર્મચારી એકતા મંડળ દ્વારા ઢોર પકડ પાર્ટી પર અવારનવાર થતાં હુમલા અને સુરક્ષા મામલે રજુઆત કરવા મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉમટી પડ્યા હતા. કર્મચારીઓએ ઢોલ અને ઘંટારવ કરીને અવાર નવાર થતાં હુમલાનો વિરોધ ર્ક્યો હતો. અને કુંભકર્ણનિદ્રામાં સુતેલા તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ ર્ક્યો હતો. કર્મચારીઓએ કમિશનર અમીત અરોરાને મળીને આવેદનપત્ર આપ્યું હતું અને એવી રજુઆત કરી હતી કે, મહાનગરપાલિકાના કર્મચારીઓ જીવના જોખમે તેમની ફરજ બજાવે છે ત્યારે તંત્ર દ્વારા તેઓની સુરક્ષામાં ઉણું ઉતરી રહ્યું છે. ઢોર પકડ પાર્ટી પર અવારનવાર હુમલા થતાં રહે છે. આવી કોઇપણ કામગીરી વખતે સુરક્ષા માટે એક્સ આર્મીમેનની ટીમ સાથે હોય છે. પણ, તેઓ હુમલાના બનાવો વખતે સુરક્ષા કરવાને બદલે વાહનમાં બેઠાં રહે છે. અને મોબાઇલ પર ગેમ રમતાં રહે છે કે વાતોમાં મશગુલ રહે છે. તેઓ હુમલાની ઘટનાને તમાશારૂપે જુએ છે. આવા સંજોગોમાં મહાનગરપાલિકા દ્વારા સુરક્ષાનો પુરતો બંદોબસ્ત કરવામાં આવે તેવી માગણી કરાઇ હતી. કર્મચારીઓને હેલ્મેટ, બખ્તર લાકડી સહિતના સુરક્ષાના સાધનો આપવામાં આવે તેવી માગણી કરી હતી.  મેલેરિયા, ડ્રેનેજ,આરોગ્ય અને સફાઇને લગતાં તમામ કામો ચોથાવર્ગના કર્મચારીઓ કરે છે. તેવા કર્મચારીઓની આરોગ્યની સુરક્ષા પ્રદાન કરવી જોઇએ. રોગ પ્રતિકારક દવાઓ અને રસીના ડોઝ આપ્યા બાદ જ આવી કોઇપણ કામગીરી સોંપવી જોઇએ.

વિવિધ માંગણીઓ અંગે પણ કરાઈ રજૂઆત

આવેદનપત્રમાં ચોથાવર્ગના કર્મચારીઓને નિયમાનુસાર પ્રમોશન આપવા, આઉટડોરનું કામ કરતા કર્મચારીઓનું સાયકલ એલાઉન્સ રૂ. 200 છે તેમાં વધારો કરવા, અલગ ડ્રેસકોડ આપવા, કર્મચારીઓનું સ્વમાન જળવાય અને તેઓને જ્યારે હડધૂત કરવામાં આવે ત્યારે મહાનગરપાલિકા પોતે ફરિયાદી બનીને તેઓની સાથે ઉભા રહે, જુદા જુદો વિભાગમાં કામ કરતાં ચોથાવર્ગના કર્મચારીઓને પણ સફાઇ કામદારોની જેમ વારસદારોને નોકરીનો લાભ આપવામાં આવે, કર્મચારીઓ માટે આવાસ યોજના બનાવવામાં આવે તેના સહિતની અનેક માગણીઓ કરવામાં આવી છે.

 

Back to top button