સનાતન ગ્રંથોથી માંડી અંગ્રેજી ઈતિહાસકારો શું કહે છે જ્ઞાનવાપી વિશે? જાણો
- 31 જાન્યુઆરીએ અદાલતે હિન્દુ પક્ષને જ્ઞાનવાપી સંકુલમાં પૂજા કરવાનો આપ્યો હતો અધિકાર
વારાણસી, 3 ફેબ્રુઆરી: 31 જાન્યુઆરીએ વારાણસીની અદાલતે એક મોટો ચુકાદો આપતા હિન્દુ પક્ષને જ્ઞાનવાપીના વ્યાસ ભોંયરામાં પૂજા કરવાનો અધિકાર આપ્યો હતો. જિલ્લા ન્યાયાધીશ અજય કૃષ્ણ વિશ્વેશના આદેશના માત્ર 8 કલાકમાં જ મસ્જિદના ભોંયરામાં પૂજા શરૂ થઈ ગઈ હતી. કોર્ટના આદેશ બાદ દેશભરમાં ફરી એકવાર જ્ઞાનવાપીને લઈને ચર્ચા શરૂ થઈ છે. હકીકતમાં, જ્ઞાનવાપી એ સનાતની લોકોના હ્રદય પર અંકિત થયેલો શબ્દ છે, જેનો મહિમા માત્ર સનાતન ગ્રંથોમાં જ નહીં, પરંતુ ઘણા ખ્યાતનામ અંગ્રેજ ઇતિહાસકારો અને તેમનાં પુસ્તકો દ્વારા કાશી પર કરવામાં આવેલા સંશોધન કાર્યમાં જ્ઞાનવાપી મંદિરની ભવ્યતા વર્ણવવામાં આવી છે.
દૈવી આશીર્વાદ અને આધ્યાત્મિક શોધની વાર્તાઓથી ભરેલા સનાતન ગ્રંથોમાં જ્ઞાનવાપીને ઘણીવાર એક મહત્ત્વપૂર્ણ તીર્થસ્થાન તરીકે ટાંકવામાં આવ્યું છે. એ જ રીતે વારાણસીનો અભ્યાસ કરનારા અંગ્રેજ ઈતિહાસકારો પણ આ ગ્રંથો સાથે સહમત છે.
સનાતન ગ્રંથોમાં જ્ઞાનવાપી સહિત 6 વાપીઓનો ઉલ્લેખ!
સનાતન ગ્રંથોમાં પણ જ્ઞાનવાપીનો ઉલ્લેખ છે. સ્કંદ પુરાણના કાશી વિભાગમાં એવું કહેવાય છે કે જ્ઞાનવાપીનું નિર્માણ સ્વયં ભગવાન શિવે કર્યું હતું. લિંગ પુરાણમાં 6 મુખ્ય વાપી એટલે કે કુવાઓનો ઉલ્લેખ છે. પ્રથમ વાપી જ્યેષ્ઠા વાપી છે. બીજી વાપી જ્ઞાન વાપી છે; તેને જ્ઞાનવાપી નામ આપવામાં આવ્યું કારણ કે તે ભગવાન શિવના આશીર્વાદથી બનાવવામાં આવ્યું હતું અને તેનું પાણી પીવાથી ભક્તો જ્ઞાની બને છે અને તમામ પ્રકારના જ્ઞાનની પ્રાપ્તિ કરે છે. ત્રીજી વાપીનું નામ કર્કોટક વાપી છે, જે નાગકુઆંના નામથી પ્રખ્યાત છે. ચોથા વાપીનું નામ ભદ્રવાપી છે. પાંચમી વાપી શંખચુડ વાપી અને છઠ્ઠી વાપી સિદ્ધ વાપી તરીકે ઓળખાય છે.
અંગ્રેજી લેખકોની કલમમાંથી
ઇ.બી. હેવેલે તેમના પુસ્તક “બનારસ-ધ સેક્રેડ સિટી”માં જ્ઞાનવાપીની ઉત્પત્તિ અંગે બે સિદ્ધાંતોનો ઉલ્લેખ કર્યો છે. તેમના મતે આ કૂવા સાથે જોડાયેલી દંતકથા એવી છે કે એક સમય હતો જ્યારે બનારસ દુષ્કાળથી પીડિત હતો. 12 વર્ષથી વરસાદ પડ્યો ન હતો જેના કારણે શહેરની હાલત કફોડી બની હતી. આખરે એક ઋષિ, જે મહાન હિંદુ સંતોમાંના એક હતા, તેમણે શિવના ત્રિશૂલને પકડીને તેની આ જ જગ્યાએ પૃથ્વીમાં સમાધિ કરાવી. જ્યાં તરત જ પાણીનો ફુવારો બહાર નીકળ્યો, જે આખા શહેરની મુશ્કેલીઓ દૂર કરવા માટે પૂરતો હતો. ચમત્કાર વિશે સાંભળીને શિવે કૂવામાં વાસ લીધો અને આજે પણ ત્યાં છે.
વધુ ઐતિહાસિક આધાર સાથે અન્ય એક દંતકથા કહે છે કે જ્યારે વિશ્વેશ્વરનું જૂનું મંદિર ઔરંગઝેબ દ્વારા નષ્ટ કરવામાં આવ્યું ત્યારે એક પૂજારીએ મૂર્તિ લઈને કૂવામાં ફેંકી દીધી હતી. બંને અંગ્રેજ લેખકોએ બ્રાહ્મણનું સરસ વર્ણન કર્યું છે જે કૂવા પાસે બેસીને યાત્રાળુઓને પાણી પીવડાવતો હતો. બંને લેખકોએ અન્ય નાના મંદિરો અને ગણેશની મોટી આકૃતિઓ વિશે પણ લખ્યું છે.
આ રીતે ઇ.બી. હેવેલે જ્ઞાનવાપીનો ઉલ્લેખ કર્યો
ઇ.બી. હેવેલ તેમનાં પુસ્તક “બનારસ-ધ સેક્રેડ સિટી” માં લખ્યું છે, ‘જ્ઞાન-કૂપ, એટલે કે જ્ઞાનનો કૂવોએ સુવર્ણ મંદિર અને ઔરંગઝેબની મસ્જિદ વચ્ચેના વિશાળ ચતુષ્કોણમાં આવેલું છે, જે જૂના વિશ્વેશ્વર મંદિરની જગ્યા પર બનેલું છે. તે ગ્વાલિયરના દૌલત રાવ સિંધિયાનાં વિધવા દ્વારા 1828માં બાંધવામાં આવેલા સુંદર સારાસેનિક સ્તંભથી ઢંકાયેલું છે. નજીકમાં પથ્થરનો બનેલો વિશાળ નંદી છે. યાત્રાળુઓની ભીડને હંમેશા જોવા અને અભ્યાસ કરવા માટે ઘણું બધું મળે છે. એક બ્રાહ્મણ દરેક યાત્રાળુને પાણી પીવડાવવા માટે કૂવા પાસે કળછી(ડોયો) લઈને બેસતો હતો. કોલોનેડ એ એક મનપસંદ આરામ સ્થળ છે, જ્યાં ઘણીવાર યાત્રાળુઓ જોવા મળે છે, જેઓ તેમની સાથે તેમના દેવી-દેવતાના ચિત્ર અને પ્રતીકો લઈ જાય છે અને ફ્લોર પર એક નાનું મંદિર બનાવે છે અને ધાર્મિક વિધિઓ અનુસાર પૂજા કરે છે.
એડવિન ગ્રેવ્સે આ રીતે જ્ઞાનવાપીનું કર્યું વર્ણન
એડવિન ગ્રેવ્સ તેમનાં પુસ્તક ‘કાશી ધ સિટી ઇલસ્ટ્રિયસ‘માં લખે છે કે, ‘જ્ઞાન બાપી- એક ઢોળાવ વાળા રસ્તોની ગલીમાંથી ઉતરતા જે પ્રથમ ઈમારત નજરે પડે છે તે ઔરંગઝેબની મસ્જિદ છે, જે મુસ્લિમો દ્વારા ધ્વસ્ત કરવામાં આવેલા વિશ્વનાથના જૂના મંદિરની જગ્યા પર બનેલી છે. તે એક સરસ ઈમારત છે, જો કે તેનો વધુ ઉપયોગ થતો નથી, અને તે જગ્યા હિન્દુઓ માટે કેન્દ્ર સ્થાન પર છે જેને તેઓ ખાસ કરીને પવિત્ર ભૂમિ માને છે. 1809માં આ જ જગ્યાએ લડાઈ થઈ હતી જે વિનાશક સાબિત થઈ હતી. મસ્જિદની પાછળ અને આગળ જૂના વિશ્વનાથ મંદિરના કદાચ કેટલાક તૂટેલા અવશેષો છે.
આ પુસ્તકમાં તેઓ આગળ લખે છે કે, ‘મસ્જિદની પૂર્વમાં એક સાદો પણ સુવ્યવસ્થિત સ્તંભ આવેલો છે, જે જ્ઞાનના કૂવા એવા જ્ઞાન વાપીને આવરી લે છે. આ કૂવો પથ્થરોની દિવાલથી ઘેરાયેલો છે, જેના પર એક બ્રાહ્મણ બેસે છે. ઉપાસકો કૂવા પર આવે છે, ફૂલ ચઢાવે છે, અને બ્રાહ્મણના હાથમાંથી કૂવામાંથી એક નાની ચમચી પાણી લે છે અને તેને કપાળ અને આંખોમાં લગાવે છે, તેમાંથી કેટલાક થોડું પી લે છે, અને પછી ખુશ થઈ જાય છે. સ્તંભની ઉત્તર બાજુએ એક બળદની વિશાળ આકૃતિ છે, જે મહાદેવના નંદી મહારાજ છે. આ નંદી મહારાજની સાથે ખૂબ જ આદરપૂર્વક વ્યવહાર કરવામાં આવે છે, આ નંદી મહારાજની નજીક ગૌરી શંકર એટલે કે પાર્વતી અને મહાદેવની મૂર્તિઓ ધરાવતું મંદિર છે, એ જ ખુલ્લી જગ્યામાં અન્ય એક-બે નાના મંદિરો અને ગણેશજીની મોટી આકૃતિ છે, જે જ્ઞાનના કૂવા પાસે યોગ્ય રીતે મૂકવામાં આવી છે કારણ કે ગણેશ બુદ્ધિના દેવ છે.
આ પણ જુઓ: તાજમહેલમાં શાહજહાંના ઉર્સને રોકવાની અરજી, હિન્દુ મહાસભા કોર્ટમાં પહોંચી