દેશના નામાંકિત ઉદ્યોગપતિઓએ વાયબ્રન્ટ ગુજરાત અંગે શું કહ્યું?
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફળતાને 20 વર્ષ પૂર્ણ થયા છે. આજે સાયન્સ સિટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 20 વર્ષની ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યાં હતા. સાયન્સ સિટીના રોબોટ એક્ઝિબિશન સહિત વિવિધ પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું હતું. વાયબ્રન્ટ સમિટને 20 વર્ષ પૂર્ણ થવા પર દેશના અનેક નામાકિત ઉદ્યોગપતિઓએ હાજરી આપી હતી.
સમિટ ઓફ સક્સેસ વિશે જાણો કોણે શું કહ્યું?
લક્ષ્મી મિત્તલ, એક્ઝિક્યુટિવ ચેરમેન, આર્સેલર મિત્તલ
ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલે સમિટ ઓફ સક્સેસ વિશે કહ્યું કે, “આજે આ ૨૦ વર્ષોની વાઈબ્રન્ટ ગુજરાતની ઉજવણીમાં સામેલ થઈને ગર્વ અને ખુશી અનુભવું છું. આજે દેશના લગભગ દરેક રાજ્યમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ મીટ થવા લાગી છે. તમામ દેશોના રોકાણકારો ગુજરાતમાં FDI માટે ઉત્સુક છે, જે વડાપ્રધાનની દૂરંદેશિતાનું પ્રતીક છે. આજે જી-20ના સફળ આયોજનને કારણે ભારતનું કદ વિશ્વમાં ઉંચું થયું છે. ગુજરાત એક અગ્રણી ઔદ્યોગિક રાજ્ય છે. કારણકે અહીં વિવિધ ક્ષેત્રના ઉદ્યોગો જેવાં કે ટેક્સ્ટાઇલ, ફાર્મા, ઓટોમોબાઈલ વગેરે કાર્યરત છે. જેના લીધે ગુજરાત વૈશ્વિક સ્પર્ધાત્મકતા દર્શાવે છે”.
વધુમાં તેમણે કહ્યું કે “મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં તમામ સ્તરે રોકાણોને ત્વરિત મંજૂરીઓ આપવામાં આવે છે. અમારો હજીરા સ્ટીલ પ્લાન્ટ, જેનું ભૂમિપૂજન વડાપ્રધાને કર્યું હતું, તે આજે એક્સપાન્ડ કરી રહ્યો છે અને અમને વિશ્વાસ છે કે 2026 સુધીમાં આ પ્લાન્ટ કાર્યરત થઈ જશે”. છેલ્લે તેમણે કાર્યક્રમમાં આમંત્રિત કરવા માટે આભાર માન્યો હતો.
ટકાશી સુઝુકી, ચીફ ડાયરેક્ટર, JETRO, સાઉથ એશિયા
ઉદ્યોગપતિ ટકાશી સુઝુકી સમિટ ઓફ સક્સેસ વિશે કહ્યું કે, “આ પ્રસંગે JETRO ની અમારી સફર વિશેની વાત કરવાની તક આપવા બદલ હું ગુજરાત સરકારનો આભાર માનું છું. 2009 માં JETRO વાયબ્રન્ટ ગુજરાતનું પ્રથમ પાર્ટનર કન્ટ્રી હતું. મોદી સાહેબના સૂચનથી અમે અમદાવાદમાં પ્રોજેક્ટ ઓફિસ શરુ કરી. આજે ગુજરાતમાં જાપાનીઝ કંપનીઓની 300થી વધુ ઓફિસો છે. જાપાનમાંથી રોકાણને આકર્ષિત કરવા માટે અમે ગુજરાતમાં રહેલી તમામ નવી તકો વિશે અમારા રોકાણકારોને પ્રોત્સાહિત કરીશું”. આમ છેલ્લે તમામ સહયોગ આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યકત કર્યો હતો.
બી. કે. ગોયંકા, ચેરમેન, વેલસ્પન
ઉદ્યોગપતિ બી. કે. ગોયંકા સમિટ ઓફ સક્સેસ વિશે કહ્યું કે, “એક સાચા નેતાનો સૌથી નિર્ણાયક ગુણ છે પ્રેરણા આપવાનો, જે અસંભવને સંભવમાં બદલી નાખે છે. આજે જ્યારે આપણે 20 વર્ષ પાછળ વળીને જોઈએ ત્યારે સમજાય છે કે એ સમયે કોઈએ પણ નહોતું વિચાર્યું કે વાઇબ્રન્ટ ગુજરાત એક વૈશ્વિક ઇવેન્ટ બની જશે. વડાપ્રધાનનું વિઝન અન્ય લોકો કરતા અલગ હતું. વાઈબ્રન્ટ ગુજરાત સમિટ તેના પહેલા સંસ્કરણ પછી ફક્ત 10 વર્ષની અંદર જ દેશના અન્ય રાજ્યો માટે રોલ મોડલ બની ગઈ હતી. આ ઇવેન્ટે ગુજરાતના સામાજિક-આર્થિક પરિદ્રશ્યમાં જે પરિવર્તન આણ્યું છે, તેનો હું સાક્ષી છું”. જ્યારે આ સમિટ શરૂ થઈ ત્યારે મોદીજીએ મને કહ્યું હતું કે, “ગોયંકાજી કચ્છ જાઓ અને ત્યાં એક્સ્પાન્શન કરો. તેમણે કહ્યું કે તમે કચ્છમાં 1 રુપિયો આપશો તો સામે 1 ડોલર મળશે”.
કચ્છમાં પ્લાન્ટ સ્થાપવાના 9 મહિનામાં અમે ત્યાં પ્રોડક્શન શરૂ કર્યું. આજે કચ્છ રોકાણકારો માટે સ્વર્ગ બન્યું છે: બી. કે. ગોયંકા
વધુમાં તેમણે કહ્યું કે, “આજે વૈશ્વિક સંસ્થાઓના સીઇઓ વાઈબ્રન્ટ ગુજરાત ઇવેન્ટમાં ભાગ લેવા આતુર રહે છે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટની યુનિક વાત એ છે કે આ ફક્ત MoU સાઇન કરવાનું પ્લેટફોર્મ માત્ર નથી, પણ તે સપનાઓને હકીકતમાં પલટાવે છે. આજે આ સમિટની સફળતાના કારણે ફક્ત રાજ્યનો જ નહીં પણ વેલસ્પનનો પણ વિકાસ થયો છે”. ત્યાર બાદ તેમણે ટીમ ગુજરાત તરફથી મળેલા તમામ સહકાર માટે આભાર વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો: વાઇબ્રન્ટ ગુજરાતની સફળતાના મુખ્ય તત્વો વિચાર, કલ્પના અને અમલીકરણઃ PM મોદી