વિજય રૂપાણી સરકાર અંગે ભવિષ્યવાણી કરનાર જ્યોતિષે જિજ્ઞેશ,અલ્પેશ અને ગોપાલ અંગે શું કહ્યું ?
ગુજરાત વિધાનસભાની ચુંટણીઓનું મતદાન પુરુ થયા બાદ રિઝલ્ટ સુધી એક્ઝિટ પોલ્સની રમઝટ બોલે છે. જ્યોતિષાચાર્યો પણ આગાહીઓ કરતા હોય છે. એક્ઝિટ પોલ જોયા બાદ જ્યોતિષો શું કહે છે તે જાણવાની પણ એક અલગ મજા છે. જ્યોતિષાચાર્યો ખાસ કરીને યુવા નેતાઓના ભાવિ અંગેના અનુમાનો લગાવે છે. અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ, ગોપાલ ઇટાલિયા અને જિજ્ઞેશ મેવાણીના ભવિષ્ય અંગે જ્યોતિષાચાર્ય હેમિલ લાઠીયાએ આગાહી કરી છે. આ એજ વ્યક્તિ છે જેમણે આગાહી કરી હતી કે ગુજરાતમાં વિજય રુપાણી પાંચ વર્ષ પુર્ણ નહીં કરે. વળી પાકિસ્તાનમાં ઇમરાનખાનની સરકાર જશે તેવી પણ તેમણે ભવિષ્યવાણી કરી હતી. તો આવી સચોટ ભવિષ્યવાણી કરનારા જ્યોતિષ ઇલેક્શન રિઝલ્ટ અંગે શું કહે છે તે જાણવા જેવુ છે.
હાર્દિક અંગે શું છે આગાહી
જ્યોતિષાચાર્ય હેમિલ લાઠીયાએ હાર્દિક પટેલ અંગે એવી આગાહી કરી છે કે આ ડિસેમ્બર મહિના બાદ તેની મહાદશા બદલાય છે. 2023ના વર્ષમાં તેમના કામકાજમાં સુધારો થશે. હાલ તેમની મહાદશા ચાલી રહી છે. જોકે 2023 પછી તેમની મહાદશા પુરી થશે અને તેમને રાજકારણમાં મજબૂતાઇ મળશે. જોકે હાલ પુરતુ તેમણે અસંતોષનો ભોગ બનવુ પડશે.
જિજ્ઞેશ, અલ્પેશ અને ગોપાલ ઇટાલિયાનું શું છે ભવિષ્ય?
જ્યોતિષાચાર્યના મત મુજબ જિજ્ઞેશ મેવાણીને રાજકારણમાં નાના મોટા ચઢાવ ઉતાર જોવા મળશે, પરંતુ ત્યારબાદ સ્થિરતા રહેશે. અલ્પેશ ઠાકોરની રાજકીય કારકિર્દીમાં ચઢાવ ઉતાર રહેશે. નવા સમીકરણો રચાશે અને ટર્નિંગ પોઇન્ટ પણ આવી શકે છે. જોકે રાજકારણમાં તેમનું અસ્તિત્વ સ્થિર રહેશે. ગોપાલ ઇટાલિયા, અલ્પેશ કથિરિયા અને મનોજ સોરઠિયાનુ રાજકીય ભાવિ સારુ છે. ચઢાવ ઉતાર આવશે, પરંતુ ભવિષ્ય સારુ દેખાઇ રહ્યુ છે. ગોપાલ ઇટાલિયાની ગાડી ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધશે.