શાહબાઝે એવું શું કહ્યું કે અફઘાનિસ્તાનને પાક.સાથે થયો અણબનાવ ?
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ દ્વારા યુએનજીએમાં આપેલા ભાષણ સાથે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે અણબનાવ વધી રહ્યો છે. પોતાના ભાષણમાં શાહબાઝે અફઘાનિસ્તાન પર કેટલાક એવા આરોપ લગાવ્યા કે સમગ્ર તાલિબાન સરકાર ગુસ્સે થઈ ગઈ. હવે બંને દેશોના નેતાઓ વચ્ચે શાબ્દિક આરોપોનો દોર વધી ગયો છે. બંને એકબીજા પર અલગ-અલગ રીતે આરોપ લગાવી રહ્યા છે.
શું છે સમગ્ર મામલો ? જાણો આખી વાત
મળતી માહિતી મુજબ, ગત 23 સપ્ટેમ્બરના રોજ, પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા એટલે કે UNGAમાં ભાષણ આપ્યું હતું. આ દરમિયાન તેમણે કાશ્મીરનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. આ પછી તેણે આતંકવાદ અંગે સ્પષ્ટતા કરી હતી. બાદમાં શાહબાઝે આતંકવાદ માટે અફઘાનિસ્તાનને જવાબદાર ઠેરવ્યું હતું. તેમણે કહ્યું કે પાકિસ્તાને અફઘાનિસ્તાનથી કાર્યરત આતંકવાદી જૂથો અંગે વિશ્વ સમક્ષ ચિંતા વ્યક્ત કરી છે. ISL-K, તેહરીક તાલિબાની પાકિસ્તાન, અલ-કાયદા, ETIM અને IMU જેવા આતંકવાદી સંગઠનોને તાત્કાલિક ખતમ કરવાની જરૂર છે. તેણે અફઘાનિસ્તાનમાં લિંગ સમાનતા માટે તાલિબાન સરકાર પર પણ કટાક્ષ કર્યો. હવે અફઘાનિસ્તાનના ઘણા નેતાઓએ શાહબાઝ શરીફ પર પલટવાર કર્યો છે.
પાક. ના આરોપોનો વળતો જવાબ આપતા અફઘાન નેતાઓએ શું કહ્યું?
હવે તાલિબાન અને અન્ય અફઘાન નેતાઓએ શાહબાઝ શરીફના ભાષણનો બદલો લીધો છે. તાલિબાને કહ્યું છે કે શાહબાઝના આરોપો ખોટા છે. અફઘાનિસ્તાનમાં કોઈ સશસ્ત્ર જૂથની હાજરી નથી. તાલિબાને કહ્યું કે વિશ્વએ પાયાવિહોણી ચિંતાઓ અને આક્ષેપો કરવાને બદલે તેના મંતવ્યો અને ચિંતાઓ શેર કરવા ઇસ્લામિક અમીરાત સાથે સકારાત્મક રીતે જોડાવવું જોઈએ. વધુમાં તાલિબાને કહ્યું કે પાકિસ્તાન અને અમેરિકા સહિતના કેટલાક દેશોએ ચિંતા વ્યક્ત કરી છે કે અફઘાનિસ્તાનમાં આતંકવાદનો ખતરો હજુ પણ છે. આ ચિંતાઓ ખોટી માહિતી અને સ્ત્રોતોના આધારે ઉઠાવવામાં આવી રહી છે કારણ કે અફઘાનિસ્તાનને હજુ સુધી સંયુક્ત રાષ્ટ્રમાં તેની કાયદેસર અને કાનૂની બેઠક અફઘાન સરકારને સોંપવામાં આવી નથી. જો અફઘાન સરકાર યુએનમાં પ્રતિનિધિત્વ કરે છે, તો તે સમગ્ર પ્રદેશ માટે તક પૂરી પાડશે. તેમણે કહ્યું કે ઇસ્લામિક અમીરાત તે દાવાઓને સંપૂર્ણપણે નકારી કાઢે છે અને તેની સ્થિતિને પુનરાવર્તિત કરે છે કે અફઘાન જમીનનો ઉપયોગ અન્ય કોઈ દેશ વિરુદ્ધ કરવામાં આવશે નહીં. આ દરમ્યાન અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝાઈનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન તેના પડોશી દેશ અફઘાનિસ્તાનના લોકો, સંસ્કૃતિ અને વિરાસત વિરુદ્ધ આતંકવાદને પોષી રહ્યું છે અને તેનો ઉપયોગ કરી રહ્યું છે.
આ અણબનાવની ભારત પર કેવી અસર થશે ?
આ અણબનાવ અંગે સૂત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે ઘણી બાબતોને લઈને વિવાદ વધી ગયો છે. અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારના આગમન પછી વિશ્વના ઘણા દેશોએ અંતર બનાવવાનું શરૂ કર્યું. આવી સ્થિતિમાં અફઘાનિસ્તાનમાં ઘણું સંકટ હતું. ત્યારબાદ ભારતે અફઘાનિસ્તાનના લોકોને ખાદ્યપદાર્થો અને અન્ય સહાય મોકલીને મદદ કરી. આ પછી, અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે કાશ્મીર મુદ્દાને ભારત-પાકિસ્તાનનો દ્વિપક્ષીય મુદ્દો ગણાવ્યો. અગાઉ આ મુદ્દે પાકિસ્તાનને હંમેશા તાલિબાનનું સમર્થન મળતું હતું. વધુમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં આ અંતરની અસર એ છે કે અફઘાનિસ્તાનનો ભારત પર વિશ્વાસ વધી ગયો છે. અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે ઘણી બાબતોમાં ભારત પાસે મદદ માંગી છે. જ્યાં પાકિસ્તાન ઇસ્લામિક દેશોને ભારત વિરુદ્ધ ભડકાતું હતું, ત્યાં અફઘાનિસ્તાન જેવા દેશો પણ ભારત સાથે આવી રહ્યા છે, તે સારી વાત છે. લાંબા ગાળે તેની સકારાત્મક અસર જોવા મળશે. આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનના દુષ્પ્રચાર સામે અફઘાનિસ્તાન પણ ભારતનું સમર્થન કરશે.