ગુજરાતદક્ષિણ ગુજરાત

મોરબી બ્રિજ કેસમાં જેલમાં બંધ જયસુખ પટેલ વિશે ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલે શું કહ્યું?

Text To Speech

રાજકોટ, 14 ડિસેમ્બર 2023, ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે રાજકોટમાં જયસુખ પટેલના જામીન મુદ્દે જણાવ્યું હતું કે, સારા નિર્દોષ લોકો અંદર ન રહે અને છૂટી જાય એવી મા ખોડલને પ્રાર્થના કરીએ છીએ. ડુંગળીના ભાવને લઈને મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતોની સમસ્યા સરકારે દૂર કરવી જોઈએ. નરેશ પટેલે આડકતરી રીતે સમર્થન આપ્યું હોય તેવું તેમના નિવેદન પરથી લાગી રહ્યું છે.

અમે આ કેસોની અંદર બહુ ઊંડા ઉતરતા નથી
મોરબી ઝૂલતા પુલનું સંચાલન કરતી ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલ હાલમાં જેલમાં બંધ છે. રાજ્ય સરકારે કરેલા સોગંદનામામાં જણાવ્યું છે કે,જયસુખ પટેલને જેલ મુક્ત કરવામાં આવે તો રાજય સરકારને કોઈ વાંધો નથી. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે આ મુદ્દે કહ્યું હતું કે, અમે આ કેસોની અંદર બહુ ઊંડા ઉતરતા નથી. સારા નિર્દોષ લોકો અંદર ન રહે અને છૂટી જાય એવી મા ખોડલને પ્રાર્થના કરીએ છીએ. તેમણે ડુંગળીના ભાવ અંગે કહ્યું હતું કે, ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. સરકારે જલ્દીમાં જલ્દી આનો નિવેડો લાવવો જોઈએ.નરેશ પટેલને મોરબીના વાંકાનેરમાં બોગસ ટોલનાકા મુદ્દે જેરામ પટેલના પુત્ર સામે ફરિયાદ થઈ હોવા બાબતે જણાવ્યું હતું કે, આજે આપણે ઉમદા હેતુ માટે એકત્રિત થયા છીએ તો બીજા મુદ્દા પર ન જઈએ તો સારૂ.

જામીન અરજી પર હાઇકોર્ટે ચુકાદો અનામત રાખ્યો
મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં મુખ્ય આરોપી જયસુખ પટેલની જામીન અરજી પર ગુજરાત હાઇકોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે. એમાં સરકાર તરફથી એડિશનલ એડવોકેટ જનરલ મિતેષ અમીને રજૂઆત કરી હતી કે આરોપીની જામીન અરજી પર કોર્ટે વિવેક શક્તિ મુજબ નિર્ણય લેવો જોઈએ. અરજદાર એક બિઝનેસ પર્સંન છે. તે ભાગી જાય એમ નથી. શરતોને આધીન કોર્ટ નિર્ણય આપી શકે છે. પીડિત પક્ષે રજૂઆત કરી હતી કે સામાન્ય સિદ્ધાંતોની જગ્યાએ કોર્ટે મેરિટને આધારે નિર્ણય લેવો જોઈએ.

આ પણ વાંચોઃખોડલધામનો વધુ એક પ્રકલ્પઃ 21 જાન્યુઆરીએ કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન

Back to top button