30 મે, ભાવનગર: યાદ છે IPLની પેલી મેચ જે ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી અને જેમાં ધોનીને મળવા મેદાનમાં ભાવનગરનો તેનો ફેન ઘુસી આવ્યો હતો? આ મેચ બાદ શું થયું તેના વિશે હાલમાં એ ફેને ખુલાસો કર્યો છે.
કડક સુરક્ષાની પરવા ન કરતાં ચાલુ મેચે ધોનીને મળવા ગયેલા આ ફેનનું નામ છે જયકુમાર જાની. જયકુમાર જાની ભાવનગર પાસે આવેલા રબારીકા ગામનો વતની છે. જેમ અગાઉ જણાવવામાં આવ્યું છે તેમ જયકુમાર જાનીએ પોતાના ગમતીલા ક્રિકેટર ધોનીને મળવા માટે તક ઝડપી લીધી અને તે GT અને CSK વચ્ચે અમદાવાદમાં રમાઈ રહેલી મેચ જોવા ભાવનગરથી અમદાવાદ આવી પહોંચ્યો હતો.
મેચ દરમ્યાન જ્યારે ધોની બેટિંગ કરી રહ્યો હતો ત્યારે જયકુમારે યોગ્ય તક જોઇને સિક્યોરીટી ગાર્ડ્સની પરવા ન કરતાં મેદાનમાં ઘુસી જવાનું પસંદ કર્યું હતું અને સીધો જ નોન-સ્ટ્રાઈકર એન્ડ પર ઉભા રહેલા પોતાના ભગવાન સરીખા મહેન્દ્ર સિંઘ ધોની પાસે પહોંચી ગયો હતો અને તેના પ્રત્યે પોતાનો પ્રેમ દર્શાવ્યો હતો.
સિક્યોરીટી ગાર્ડ્સ આવે અને જાનીને પકડી જાય તે પહેલાં જયકુમાર જાની અને મહેન્દ્ર સિંઘ ધોની વચ્ચે જે સંવાદ થયો હતો તેનો સમગ્ર ચિતાર આ ભાવનગર જીલ્લાના નિવાસીએ જણાવ્યો છે. તેણે કહ્યું હતું કે એક સામાન્ય ચર્ચાથી આ સંવાદ ચાલુ થયો હતો પરંતુ જ્યારે તેણે પોતાની ખરાબ તબિયત વિશે જણાવ્યું હતું ત્યારે ધોનીનું દર્દ છલકાઈ ઉઠ્યું હતું.
તે સમયે જ્યારે જયકુમાર જાનીએ મેદાન પર દોટ લગાવી હતી ત્યારે મેચ અત્યંત નાજુક પરિસ્થિતિમાં હતી અને મહેન્દ્ર સિંઘ ધોની પર તેને જીતાડવાની સમગ્ર જવાબદારી આવી પડી હતી. તેમ છતાં જાનીના કહેવા અનુસાર ધોનીએ તેના આરોગ્ય વિશે સાંભળ્યું હતું અને તેને કહ્યું હતું કે તેણે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી.
જયકુમાર જાનીના કહેવા અનુસાર મહેન્દ્ર સિંઘ ધોનીએ તેને ખાતરી આપી છે કે તેના આરોગ્યના સુધાર માટે જે કોઇપણ ખર્ચ થશે તે આપવા માટે તે તૈયાર છે.
આ રીતે કોઈ ક્રિકેટર કે સેલિબ્રિટી જે આમ તો પોતાના ફેન્સથી દૂર ભાગતા જોવા મળતા હોય છે, તેમાંથી ધોની કેવી રીતે અલગ પડી જાય છે તે આ કિસ્સા પરથી જાણવા મળે છે.