તેલ અવીવ (ઇઝરાયેલ), 16 એપ્રિલ: ઈરાનના ઇઝરાયેલ પર ડ્રોન અને મિસાઈલ હુમલાને ત્રણ દિવસ વીતી ગયા છે પરંતુ હજુ સુધી ઇઝરાયેલ જવાબી કાર્યવાહી કરી શક્યું નથી. ત્યાંની યુદ્ધ કેબિનેટ સતત બેઠક કરી રહી છે અને હુમલાની રણનીતિનું આયોજન કરી રહી છે. આ વાતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સોમવારે 24 કલાકની અંદર બે વખત યુદ્ધ કેબિનેટની બેઠક યોજી હતી. આ દરમિયાન ઇઝરાયેલના આર્મી ચીફે કહ્યું છે કે તેમનો દેશ આ સપ્તાહના અંત સુધીમાં ઈરાનના હુમલાનો જવાબ આપશે. તેમણે કહ્યું કે ઘણા પશ્ચિમી દેશોએ ઇઝરાયલને મધ્ય પૂર્વમાં વધતા સંઘર્ષને રોકવા માટે વિનંતી કરી છે.
ઇઝરાયેલ અને ઈરાને હુમલા માટે કરી તૈયારીઓ
ઇઝરાયલી દળોએ આજે સેન્ટ્રલ અને અપર ગેલિલી વિસ્તારોમાં મોક વૉર ડ્રીલ હાથ ધરી હતી અને તેના વિનાશક વિમાનોએ આકાશમાં ઉડાન ભરી હતી. આ ઉપરાંત ટેન્ક અને બખ્તરબંધ વાહનો પણ રસ્તા પર ઉતરી આવ્યા હતા. બીજી તરફ ઈરાને ઇઝરાયેલને ધમકી આપતો વીડિયો જાહેર કર્યો છે અને કહ્યું છે કે તે કોઈપણ હુમલાનો જવાબ આપવા માટે તૈયાર છે. ઈરાને પોતાના વીડિયો સંદેશમાં કહ્યું છે કે જો ઇઝરાયેલ હુમલો કરશે તો તે સેકન્ડોમાં જ જવાબ આપશે અને આ વખતે તે 12 દિવસ સુધી રાહ જોશે નહીં. ઈરાનના નાયબ વિદેશ મંત્રી અલી બઘેરી કાનીએ ચેતવણી આપી છે કે આ વખતે તેમનો દેશ ઇઝરાયેલ પર બમણી તાકાતથી હુમલો કરશે અને એક સાથે લગભગ 400 મિસાઈલ છોડશે.
ઈરાનના સંરક્ષણ-વિદેશી બાબતોની સમિતિના પ્રવક્તા, અબ્દુલ ફઝલે ધમકી આપી છે કે ઈરાન પાસે ઘણા ઘાતક હથિયારો છે, જેની વિશ્વને જાણ નથી. ફઝલે કહ્યું છે કે ઈરાન નવા પ્રકારના હથિયારોથી ઇઝરાયેલ પર હુમલો કરશે. આવી સ્થિતિમાં શંકા પેદા થઈ છે કે, શું ઈરાન પરમાણુ બોમ્બ ઉપયોગ કરશે?
શું છે ઈરાનની તૈયારીઓ?
ઈરાને જવાબી હુમલાની તૈયારીમાં હાયપરસોનિક અને બેલેસ્ટિક મિસાઈલો પણ તૈયાર સ્થિતિમાં તૈનાત કરી છે. હાઈપરસોનિક મિસાઈલની રેન્જ 1400 કિલોમીટર છે. આ સિવાય ઈરાને ફતહ મિસાઈલ પણ તૈનાત કરી છે. તેની હિટિંગ સ્પીડ 16050 કિલોમીટર પ્રતિ કલાક છે. આ બેલેસ્ટિક મિસાઈલની સૌથી મોટી વિશેષતા એ છે કે તેને અમેરિકા, બ્રિટન અને ઈઝરાયલની કોઈપણ સંરક્ષણ પ્રણાલી દ્વારા અટકાવી શકાતી નથી, જેમ કે શનિવાર અને રવિવારની રાત્રે ઈરાની હુમલા દરમિયાન 300થી વધુ મિસાઈલ અને ડ્રોન હુમલાઓ થયા હતા. અમેરિકા, બ્રિટન અને ઈઝરાયેલની ત્રિપુટીએ છ પડોશી દેશોની મિસાઈલ વિરોધી સંરક્ષણ પ્રણાલીની મદદથી ઈરાનની 90% મિસાઈલોને અટકાવી દીધી હતી.
અમેરિકા શા માટે ચિંતિત છે?
ઈરાનની આ તૈયારીથી ઇઝરાયેલના PM બેન્જામિનની મુશ્કેલી વધી છે. બીજી તરફ અમેરિકાને એ વાતની પણ ચિંતા છે કે જો ઈરાન ઘાતક હથિયારોનો ઉપયોગ કરશે તો ઈઝરાયેલ પણ જવાબી કાર્યવાહીમાં વિનાશક હથિયારોનો ઉપયોગ કરી શકે છે. પ્રાદેશિક અશાંતિ ઉપરાંત, આનાથી ઘાતક પરિણામો સાથે સમગ્ર વિશ્વમાં ભયંકર યુદ્ધ પણ થઈ શકે છે. તેની અસર અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી પર પણ પડી શકે છે.