કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

જૂનાગઢ જિલ્લામાં લમ્પી વાયરસને ડામવા તંત્રની શું છે તૈયારીઓ ?

Text To Speech
જૂનાગઢ જિલ્લામાં લમ્પી વાયરસના પગ પેસારાને ડામવા માટે તંત્ર તનતોડ મહેનત કરી રહ્યું છે. આ માટે પશુઓનું રસીકરણ, સારવાર નિયંત્રણ-અટકાવના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. આમ, હાલ સુધીમાં જૂનાગઢ જિલ્લામાં લમ્પી વાયરસના લીધે એક પણ પશુનું મોત થયું નથી. આ સંદર્ભે જાણકારી આપતા નાયબ પશુપાલન નિયામક ડો. દિલીપ પાનેરા જણાવે છે કે, જિલ્લાના સરકારી પશુ દવાખાનાની ૧૧ અને GVK EMRIની ૧૭ ટીમો સહિત કુલ – ૨૮ ટુકડીઓ  અવિરતપણે કામગીરી કરી રહી છે.
૧૨ ગામોના ૧૩૦ જેટલા પશુઓમાં રોગચાળો જોવા મળ્યો
જિલ્લાના તમામ તાલુકાઓના ગામડે- ગામડે ફરીને આ ટુકડીઓ પશુઓના આરોગ્યની તપાસની સાથે રસીકરણ, સારવાર સહિત તમામ અટકાયતી પગલાં લઈ રહી છે. ડો.દિલીપ પાનેરા વધુમાં કહે છે કે, અત્યાર સુધીમાં જિલ્લાના કુલ-૩૮૩ ગામોમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં કુલ ૧૨ ગામોના ૧૩૦ જેટલા પશુઓમાં રોગચાળો જોવા મળ્યો છે. આ તમામ પશુઓની સરકારી પશુ ચિકિત્સકો દ્વારા સારવાર પણ કરવામાં આવી રહી છે. ઉપરાંત ૧૪,૬૮૭ જેટલા પશુઓને LSD રસી આપી રક્ષિત કરવામાં આવ્યા છે. પશુઓના રસીકરણ માટે રાજ્ય સરકારે ૧૫,૦૦૦ જેટલા રસીના ડોઝ પણ ફાળવી આપ્યા છે. આમ, પશુઓના આરોગ્યને સુરક્ષિત રાખવા માટે તમામ અટકાયતી પગલા ભરવામાં આવી રહ્યા છે.
ઉચ્ચ કક્ષાએથી સતત મોનીટરીંગ, લક્ષણ દેખાઈ તો તંત્રને જાણ કરવા અપીલ
હાલમાં સમગ્ર જિલ્લામાં લમ્પી વાયરસના અટકાવ માટે રાજ્યના પશુપાલન ખાતા તથા જિલ્લા કલેક્ટર  રચિત રાજના માર્ગદર્શન અને જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખની દેખરેખ હેઠળ કામગીરી કરવામાં આવી રહી છે. ઉપરાંત ઉચ્ચે સ્તરે સતત મોનીટરીંગ પણ કરવામાં આવી રહ્યું છે. આ સાથે ડો. દિલીપ પનારાએ પશુપાલકો-ખેડૂતોને પોતાના પશુઓમાં લમ્પી વાયરસના ચિન્હો જોવા મળે તો ત્વરિત શંકાસ્પદ પશુને અન્ય પશુઓથી અલગ કરવું અને સ્થાનિક પશુ ચિકિત્સકનો સંપર્ક કરવા અનુરોધ કર્યો છે.
સાવજ ડેરી તરફથી ૨૦,૦૦૦ રસીના ડોઝ મળ્યા
લમ્પી વાયરસને ડામવા માટે સાવજ જૂનાગઢ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી તરફથી ૨૦,૦૦૦ રસીના ડોઝનું યોગદાન મળ્યું છે. આ સાથે સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારીયાએ પશુઓના આરોગ્ય માટે શક્ય તમામ મદદની ખાતરી આપી છે. ઉપરાંત તેમણે લમ્પી રોગચાળામાંથી પશુઓને ઉગારવા માટે અન્ય દાતાઓને આગળ આવવા માટે અનુરોધ કર્યો છે. આ ઉપરાંત જિલ્લામાં વધુ રસીના ડોઝ મળે તે માટે જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા પણ ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવી છે.
Back to top button