Electoral Bonds શું છે, જેને સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય જાહેર કર્યા? જાણો, દરેક પ્રશ્નનો જવાબ
15 ફેબ્રુઆરી, 2024: સુપ્રીમ કોર્ટે 2024ની સામાન્ય ચૂંટણીઓ પહેલા ચૂંટણી બોન્ડની માન્યતા અંગે પોતાનો નિર્ણાયક ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડને ગેરબંધારણીય ગણાવીને તેના પર પ્રતિબંધ મૂક્યો છે. ચૂંટણી બોન્ડને આરટીઆઈ એક્ટનું ઉલ્લંઘન ગણાવતાં સુપ્રીમકોર્ટે SBIને પણ આદેશ આપ્યો હતો કે તે આગામી ત્રણ અઠવાડિયામાં ચૂંટણી બોન્ડને લગતી તમમ જાણકારી જાહેર કર. તેના માટે 6 માર્ચ સુધીનો સમય આપવામાં આવ્યો છે. SBIને 2019થી અત્યાર સુધીની તમામ જાણકારી જાહેર કરવા કહેવામાં આવ્યું છે.
ચૂંટણી બોન્ડ શું છે? દેશમાં ચૂંટણી બોન્ડ ક્યારે અને શા માટે રજૂ કરવામાં આવ્યા? શું તેમાં નાણાંનું રોકાણ કરવાથી વળતર મળે છે? સામાન્ય લોકોમાં ઈલેક્ટોરલ બોન્ડને લગતા અનેક સવાલો છે, જાણીએ તેના જવાબ.
ચૂંટણી બોન્ડ શું છે?
ભારત સરકારે 2017માં ચૂંટણી બોન્ડ યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના 29 જાન્યુઆરી 2018 ના રોજ સરકાર દ્વારા કાયદેસર રીતે લાગુ કરવામાં આવી હતી. જો આપણે તેને સરળ ભાષામાં સમજીએ તો, ચૂંટણી બોન્ડ એ રાજકીય પક્ષોને દાન આપવાનું નાણાકીય માધ્યમ છે. તે એક પ્રોમિસરી નોટ જેવી છે જે ભારતનો કોઈપણ નાગરિક અથવા કંપની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની પસંદગીની શાખાઓમાંથી ખરીદી શકે છે અને તેમની પસંદગીના કોઈપણ રાજકીય પક્ષને અનામી રૂપે દાન કરી શકે છે.
જેની પાસે બેંક ખાતું હોય જેની KYC વિગતો ઉપલબ્ધ હોય તેવા કોઈપણ દાતા ચૂંટણી બોન્ડ ખરીદી શકાય છે. ચૂંટણી બોન્ડમાં ચુકવણી કરનારનું નામ હોતું નથી. આ યોજના હેઠળ, ભારતીય સ્ટેટ બેંકની ચોક્કસ શાખાઓમાંથી રૂ. 1,000, રૂ. 10,000, રૂ. 1 લાખ, રૂ. 10 લાખ અને રૂ. 1 કરોડના કોઈપણ મૂલ્યના ચૂંટણી બોન્ડ ખરીદી શકાય છે.
ઈલેક્ટોરલ બોન્ડની મુદત માત્ર 15 દિવસની હોય છે, જે દરમિયાન તેનો ઉપયોગ લોકોના પ્રતિનિધિત્વ કાયદા હેઠળ નોંધાયેલા રાજકીય પક્ષોને દાન આપવા માટે જ થઈ શકે છે. ચૂંટણી બોન્ડ દ્વારા માત્ર એવા રાજકીય પક્ષોને જ દાન આપી શકાય કે જેમણે લોકસભા અથવા વિધાનસભાની છેલ્લી સામાન્ય ચૂંટણીમાં ઓછામાં ઓછા એક ટકા મત મેળવ્યા હોય છે.
આ યોજના હેઠળ ઈલેક્ટોરલ બોન્ડ્સ જાન્યુઆરી, એપ્રિલ, જુલાઈ અને ઓક્ટોબર મહિનામાં 10 દિવસના સમયગાળા માટે ખરીદી માટે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. લોકસભા ચૂંટણીના વર્ષમાં કેન્દ્ર સરકાર દ્વારા સૂચિત 30 દિવસના વધારાના સમયગાળા દરમિયાન પણ આ જાહેર કરવામાં આવી શકે છે.
ચૂંટણી બોન્ડ કેવી રીતે કામ કરે છે?
ચૂંટણી બોન્ડનો ઉપયોગ કરવો એકદમ સરળ છે. આ બોન્ડ્સ રૂ. 1,000ના ગુણાંકમાં ઓફર કરવામાં આવે છે જેમ કે રૂ. 1,000, ₹10,000, ₹100,000 અને તે ₹1 કરોડની રેન્જમાં હોઈ શકે છે. તમને આ SBIની કેટલીક શાખાઓમાં મળે છે. KYC-સુસંગત ખાતું ધરાવનાર કોઈપણ દાતા આવા બોન્ડ ખરીદી શકે છે, અને પછીથી તેને કોઈપણ રાજકીય પક્ષને દાન કરી શકે છે. આ પછી રીસીવર તેને રોકડમાં કન્વર્ટ કરી શકે છે. પાર્ટીના વેરિફાઈડ એકાઉન્ટનો ઉપયોગ તેને અનકેશ કરવા માટે કરવામાં આવે છે. ઈલેક્ટોરલ બોન્ડ પણ માત્ર 15 દિવસ માટે જ માન્ય રહે છે.
ચૂંટણી બોન્ડ કોને મળે છે?
દેશના તમામ રજિસ્ટર્ડ રાજકીય પક્ષોને આ બોન્ડ મળે છે, પરંતુ તેના માટે શરત એ છે કે તે પક્ષને છેલ્લી સામાન્ય ચૂંટણીમાં ઓછામાં ઓછા એક ટકા કે તેથી વધુ મત મળ્યા હોવા જોઈએ. આવી રજિસ્ટર્ડ પાર્ટી ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા દાન મેળવવા માટે હકદાર હશે. સરકારના જણાવ્યા અનુસાર, ‘ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા કાળા નાણા પર અંકુશ લગાવવામાં આવશે અને ચૂંટણીમાં દાન તરીકે આપવામાં આવેલી રકમના હિસાબને જાળવી શકાશે. તેનાથી ચૂંટણી ભંડોળમાં સુધારો થશે. કેન્દ્ર સરકારે તેના કાઉન્ટર એફિડેવિટમાં કહ્યું છે કે, ચૂંટણી બોન્ડ યોજના પારદર્શક છે.
તેની શરૂઆત ક્યારે અને શા માટે થઈ હતી?
2017 માં, કેન્દ્ર સરકારે ફાઇનાન્સ બિલ દ્વારા સંસદમાં ચૂંટણી બોન્ડ યોજના રજૂ કરી હતી. સંસદ દ્વારા પસાર થયા પછી, 29 જાન્યુઆરી 2018 ના રોજ ચૂંટણી બોન્ડ યોજનાની સૂચના જાહેર કરવામાં આવી હતી. રાજકીય પક્ષો આ દ્વારા દાન મેળવે છે.
ઈલેક્ટોરલ બોન્ડ પર શા માટે છે વિવાદ?
કોંગ્રેસના નેતા જયા ઠાકુર, માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી અને એનજીઓ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) સહિત ચાર લોકોએ ઈલેક્ટોરલ બોન્ડ પર અરજી કરી છે. અરજદારોનું કહેવું છે કે, ચૂંટણી બોન્ડ દ્વારા ગુપ્ત ભંડોળ પારદર્શિતાને અસર કરે છે. તે માહિતીના અધિકારનું પણ ઉલ્લંઘન કરે છે. તેમનું કહેવું છે કે, આમાં શેલ કંપનીઓ વતી દાન આપવાની પણ પરવાનગી આપવામાં આવી છે. ગત વર્ષે 31 ઓક્ટોબરે ઈલેક્ટોરલ બોન્ડ પર સુનાવણી શરૂ થઈ હતી. સુનાવણી માટે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની બેંચમાં જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રા સામેલ છે.