ખાણ અને ખનીજ વિભાગે બે વર્ષમાં શું કાર્યવાહી કરી? મંત્રી બળવંતસિંહ રાજપૂતે આપી માહિતી


- ગેરકાયદેસર ખનન, સંગ્રહ અને વહન અન્વયે ૧૭,૬૯૫ કેસ કર્યા
- ખનીજ ચોરીના કેસ થકી રૂ.309.25 કરોડની વસુલાત કરાઈ
ગાંધીનગર, 17 માર્ચ : વિધાનસભા ગૃહ ખાતે મહિસાગર અને પંચમહાલ જિલ્લામાં છેલ્લાં એક વર્ષમાં ખનીજ ચોરીના કેસો અંગે પૂછાયેલા પ્રશ્નનો ખાણ અને ખનીજ વિભાગ વતી જવાબ આપતા મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોઇપણ વિસ્તારમાં ગેર કાયદેસર રીતે ખનીજનું ખનન થતું હશે તેના વિરુદ્ધ કડક પગલાં ભરવામાં આવે છે.
ગેરકાયદે રીતે ખનીજના ખનન, વહન અને સંગ્રહના નિવારણ બાબતે રજુઆત અંગે તપાસ હાથ ધરી નિયમ અનુસાર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં ગેરકાયદેસર ખનન, સંગ્રહ અને વહન અન્વયે ૧૭,૬૯૫ કેસ કરી રૂ. ૩૦૯.૨૫ કરોડની વસુલાત કરવામાં આવી છે.
મંત્રી બળવંતસિંહ રાજપૂતે ઉમેર્યું હતું કે, છેલ્લાં એક વર્ષમાં મહિસાગર અને પંચમહાલ જિલ્લામાં કુલ ૭૭૯ કેસમાં રૂ. ૮૧૬.૭૩ લાખની નોટીસ ઇસ્યુ કરવામાં આવી છે. જેમાં મહિસાગર જિલ્લામાં ૧૫૪ કેસ કરી રૂ. ૨૨૯.૯૩ લાખની નોટીસ ઇસ્યુ કરાઈ છે તથા પંચમહાલ જિલ્લામાં કુલ ૬૨૫ કેસ કરી ૫૭૫.૫૯ લાખની નોટીસ ઇસ્યુ કરવામાં આવી છે.
આ પણ વાંચો :- કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની કરાશે સમીક્ષા, ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ બોલાવી મહત્વની બેઠક