સુરતમાં દરિયા કિનારે વ્હેલ માછલીનું બચ્ચું તણાઈ આવ્યું, 20 ફૂટ મોટું બચ્ચું કાદવમાં ફસાયું, લોકોએ રેસ્ક્યું કર્યું
- સુરતમાં દરિયા કિનારે વ્હેલ માછલી તણાઈ આવી
- ઓલપાડના મોર-ભગવા ગામે વ્હેલ માછલી તણાઈ આવી
- 20 ફૂટ લંબાઈ ધરાવતી વ્હેલ દરિયા કાંઠે તણાય આવી
દરિયામાં મોટા મોજા ઉછળતા માછલીઓ કિનારે આવી જતી હોય છે. ત્યારે સામાન્ય રીતે ભાગ્યે જ દરિયામાં જોવા મળતી વહેલ માછલી હવે ઓલપાડ તાલુકાના અરબી સમુદ્રના કાંઠે આવતી થઈ હોવાનું જોવા મળ્યું છે.જેમાં મોર ગામે દરિયામાં આવેલ ભરતીમાં તણાઇ આવેલું વ્હેલ માછલીનું 20 ફૂટ મોટું બચ્ચું કિનારા પર કાદવમાં ફસાયેલું જોવા મળ્યું હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર,ઓલપાડ તાલુકાના છેવાડાના મોર ગામે અરબી સમુદ્રમાં રોજની માફક રવિવારે પણ બપોરના બે વાગ્યા બાદ દરિયાની ભરતીના પાણી કિનારા સુધી પહોચી ગયા હતા. ત્યારે ભરતીના પાણીમાં વ્હેલ માછલીનું અંદાજે 20 ફૂટ જેટલું મોટું જીવતું બચ્ચું તણાઇ આવ્યું હતું.મોર ગામના દરિયામાં માછીમારી કરવા જતા યુવાનોએ સાંજે ઘરે પરત આવતી વખતે દરિયા કિનારા પર કાડુમાં વહેલ માછલીનું જીવતું બચ્ચું જોતાં આ બાબતે ગામના આગેવાનો અને યુવાનોને જાણ કરતાં ગ્રામજનોમાં કુતૂહલ સર્જાવા સાથે વહેલ માછલીના બચ્ચાને જોવા ગ્રામજનોની ભીડ જામી હતી.
માછલીને દરિયાના પાણીમાં ખસેડવાની કામગીરી ચાલુ
જ્યારે દરિયાની ભરતીના પાણી ઓસરી જવાથી કિનારે ફસાયેલા માછલીનું જીવતું મોટું બચ્ચું પાણીના અભાવે જીવ બચાવવા વલખાં મારતું હોવાનું ગામના યુવાનોએ જોતાં તેની નજીક દરિયાના પાણી ભરીને જીવ બચાવી લેવાની પ્રાથમિક કામગીરી કરવામાં આવી હતી. જે બાદ સાંજે ઓલપાડ તાલુકા જંગલ વિભાગ ફોરેસ્ટ દિપક પટેલના કહેવા મુજબ સ્ટાફ મોર દરિયા કિનારે પહોંચી વહેલ માછલીના બચ્ચાનું રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરી હતી.આ કામગીરી મોડીરાત્રી સુધી ચાલી હતી. હજુ સુધી આ વ્હેલ માછલીને દરિયાના પાણીમાં ખસેડવાની કામગીરી ચાલુ છે.
માછલીનું વજન અંદાજિત 2 ટન જેટલું
વન વિભાગના અધિકારી સચિન ગુપ્તાએ જણાવ્યું હતું કે, ગત રોજ રવિવારના મોડી સાંજે અમને આ બાબતે જાણ કરવામાં આવી હતી. જેને લઇને અમારી ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. આ વ્હેલ માછલીના બચ્ચાને ફરી દરિયાના પાણીમાં ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. માછલીનું વજન અંદાજિત 2 ટન જેટલું છે, તેમજ લંબાઈ 20થી 25 ફૂટ છે.
આ પણ વાંચો : કચ્છના દરિયાકાંઠેથી ચરસના 10 પેકેટ સાથે વિસ્ફોટક સેલ મળતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ