WFIના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહે કુસ્તીબાજો વિરુદ્ધ HCમાં કરી ફરિયાદ
રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહે તેમના પર આરોપ લગાવનારા કુસ્તીબાજો વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે. બ્રિજ ભૂષણ સિંહે પોતાની અરજીમાં વિનેશ ફોગટ અને સાક્ષી મલિક સહિત અનેક કુસ્તીબાજોના નામ આરોપી બનાવ્યા છે. તેણે પોતાના પર લાગેલા યૌન શોષણના આરોપો સામે અરજી દાખલ કરી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે કુસ્તીબાજોએ જાતીય સતામણી કાયદાનો દુરુપયોગ કર્યો અને ન્યાયિક પ્રણાલીની મજાક ઉડાવી છે. જો કોઈ કુસ્તીબાજનું યૌન શોષણ થયું હોય તો તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીને કોર્ટ અને કાયદાકીય પ્રક્રિયા દ્વારા ન્યાયની માંગણી કરવી જોઈતી હતી.
ફરિયાદમાં શું આરોપ મુકવામાં આવ્યો છે
અરજીમાં વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા સહિત અનેક ખેલાડીઓ સામે એફઆઈઆર નોંધવાની વાત કહેવામાં આવી છે. કુસ્તીબાજો પર કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ કરવાનો અને કુસ્તી સંઘના પ્રમુખને રાજીનામું આપવા દબાણ કરવાનો આરોપ છે. અરજી દાખલ કર્યા પછી એડવોકેટ શરીકાંત પ્રસાદે કહ્યું કે આ કેસમાં અરજદાર વિકી છે, જે સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહના સત્તાવાર નિવાસસ્થાન 21, અશોકા રોડ ખાતે રહે છે અને તેમના રસોઈયા તરીકે કામ કરે છે. અરજીમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે વિરોધ કરી રહેલા ખેલાડીઓએ જાહેરમાં મહિલા કુસ્તીબાજોની જાતીય સતામણીનો ગંભીર આરોપ લગાવીને બ્રિજ ભૂષણની પ્રતિષ્ઠા અને સન્માનને કલંકિત કર્યા છે.
કોણે, શું આરોપો લગાવ્યા ?
મહત્વનું છે કે, તાજેતરમાં સાક્ષી મલિક, વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા સહિતના ઘણા મોટા કુસ્તીબાજોએ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ સામે દિલ્હીના જંતર-મંતર પર જાતીય સતામણીનો આરોપ લગાવતા વિરોધ કર્યો હતો. શુક્રવારે મોડી રાત્રે, સરકારે કુસ્તીબાજોને ખાતરી આપી કે તેમની ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવશે. આ પછી કુસ્તીબાજોએ પોતાનો વિરોધ બંધ કરી દીધો અને રમત મંત્રાલયે બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ તપાસના આદેશ આપ્યા. આ સિવાય બ્રિજ ભૂષણને રેસલિંગ એસોસિએશનથી ચાર અઠવાડિયા સુધી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે. આ દરમિયાન એક મોનિટરિંગ કમિટી બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ જાતીય સતામણી અને નાણાકીય અનિયમિતતાના આરોપોની તપાસ કરશે.