સૈન્ય સહાયકની નોકરી માટે ગયા હતા રશિયા, યુક્રેન સામે યુદ્ધ લડવા મોકલી દીધા: ભારત સરકાર પાસે માંગી મદદ
નવી દિલ્હી, 21 ફેબ્રુઆરી: રશિયા અને યુક્રેન વચ્ચેછેલ્લા બે વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. બંને બાજુએ હજારો સૈનિકોએ જીવ ગુમાવ્યા છે. હજુ પણ આ યુદ્ધ ક્યાં સુધી ચાલશે કહી શકાય તેમ નથી. દરમિયાન ભારતીય નાગિકોને રશિયામાં નોકરીનું(job in russia) કહી યુદ્ધમાં મોકલવાનો કિસ્સો સામે આવ્યો છે. રશિયન કંપનીઓ દ્વારા મદદગાર તરીકે કામ કરવા માટે રાખવામાં આવેલા ભારતીયોને રશિયામાં યુક્રેન સામે યુદ્ધ લડવાની ફરજ પાડવામાં આવી રહી છે. આમાંના મોટાભાગના લોકો ઉત્તર પ્રદેશ, ગુજરાત, પંજાબ અને જમ્મુ-કાશ્મીરના રહેવાસી છે. રશિયામાં ફસાયેલા આ તમામ લોકોએ ભારત સરકાર પાસે મદદ માંગી છે.
અંગ્રેજી ન્યૂઝ વેબસાઈટ ધ હિંદુના રિપોર્ટ અનુસાર, રશિયા-યુક્રેન બોર્ડર(russia-ukraine border) પર ભારતીયોને રશિયન સૈનિકો (Russian soldiers) સાથે લડવાની ફરજ પડી હતી. પીડિતોનું કહેવું છે કે એક એજન્ટે તેમને રશિયન લશ્કરના સુરક્ષા સહાયક તરીકે કામ કરવાનું કહી છેતરપિંડી કરી હતી. રિપોર્ટ અનુસાર, એક એજન્ટે એ પણ જણાવ્યું છે કે નવેમ્બર 2023થી લગભગ 18 ભારતીય નાગરિકો રશિયા-યુક્રેન બોર્ડર પર ફસાયેલા છે. આ લોકો માર્યુપોલ, ખાર્કિવ, ડનિટ્સ્ક, રોસ્ટોવ-ઓન-ડોનમાં ફસાયેલા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે યુદ્ધ દરમિયાન એક ભારતીય નાગરિકનું પણ મોત થયું છે.
રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા બે વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. 2022 માં, કેટલાક ભારતીય સ્વયંસેવકોએ રશિયન સેના સામે લડવા માટે રચાયેલી આંતરરાષ્ટ્રીય લીગમાં જોડાવા માટે સ્વૈચ્છિક સેવા આપી હતી. પરંતુ રશિયન સેનામાં ભારતીય નાગરિકોની હાજરીની માહિતી પહેલીવાર સામે આવી છે. રશિયામાં ફસાયેલો ભારતીય નાગરિક હૈદરાબાદનો રહેવાસી છે. હૈદરાબાદના AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ(Asaduddin Owaisi) વિદેશ મંત્રી એસ જયશંકર અને મોસ્કોમાં ભારતીય દૂતાવાસને(Indian Embassy) પત્ર લખીને તેમની પરત ફરવા માટે સરકારના હસ્તક્ષેપની માંગ કરી છે.
યુદ્ધ લડવાની ફરજ પાડી
રશિયામાં ફસાયેલા યુપીના એક યુવકે કહ્યું, “12 નવેમ્બરે, અમને બે ભારતીય એજન્ટોએ રિસીવ કર્યું હતું. 13 નવેમ્બરે અમને એક કેમ્પમાં દાખલ કરવામાં આવ્યા હતા અને પછી મોસ્કોથી અઢી કલાક દૂર સ્થિત એક એકાંત સ્થળે લઈ જવામાં આવ્યા હતા. અમે ભારતીય એજન્ટનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓએ અમને ખાતરી આપી કે અમને માત્ર મદદગાર તરીકે રાખવામાં આવશે.પરંતુ અમને તંબુમાં રાખવામાં આવ્યા અને શસ્ત્રોની તાલીમ આપવામાં આવી.પછી 4 જાન્યુઆરીએ અમને રશિયાના ડોનેસ્કમાં યુદ્ધના મેદાનમાં લડવા માટે મોકલવામાં આવ્યા. “
યુવકે વધુમાં કહ્યું કે, “મને યુદ્ધ લડવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો. પરંતુ તક મળતાં જ મેં મારા હથિયારો નીચે ફેંકી દીધા હતા. પરંતુ હું પકડાઈ ગયો હતો અને મને બંદૂકની અણી પર ધમકાવવામાં આવ્યો હતો. તેમણે મને એક ઇમારતથી બીજી ઇમારત સુધી કેટલોક સમાન પહોંચાડવા માટે કહ્યું. કમાન્ડરે અમને એકબીજાથી પાંચ મીટરના અંતરે રહેવાનું કહ્યું જેથી અમે દુશ્મનની ગોળીઓનો આસાન શિકાર ન બનીએ. ટૂંકા અંતરને આવરી લેતા અમારે લગભગ 7-8 ગોળીઓનો સામનો કરવો પડ્યો. “અમારી સાથે આવેલા એક સ્થાનિકની પણ હત્યા કરવામાં આવી હતી. અંતે, 22 જાન્યુઆરીએ હું ભાગવામાં સફળ રહ્યો અને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થી ગયો હતો.
પીડિતએ કહ્યું, “હું ઘણા દિવસો સુધી ફોન વગર રહ્યો હતો. યુદ્ધના ક્ષેત્રમાંથી ભાગી ગયા પછી, મેં મારા પરિવારનો સંપર્ક કરવાનો ઘણી વખત પ્રયાસ કર્યો. મેં રશિયામાં ભારતીય દૂતાવાસને ઘણી વખત અપીલ કરી પરંતુ મને કોઈ મદદ મળી ન હતી. પૂરતા દસ્તાવેજો કે પૈસા નથી. સરકાર પણ અમને મદદ કરી રહી નથી.”
એક એજન્ટે ‘ધ હિંદુ’ને જણાવ્યું કે આ લોકો ભારતના અલગ-અલગ રાજ્યોના છે અને જો સરકાર જલ્દીથી કોઈ પગલાં નહીં ભરે તો તેમના જીવને ગંભીર ખતરો છે.
એજન્ટે કહ્યું, “તેમને રશિયામાં આર્મી હેલ્પર તરીકે નોકરીની ઓફર કરવામાં આવી હતી. તેમને કહેવામાં આવ્યું હતું કે તેમને ત્રણ મહિનાની તાલીમ આપવામાં આવશે અને કેટલાક સામાન્ય પરીક્ષણો કરવામાં આવશે. તેઓને કિચન હેલ્પર અથવા તેના જેવું કંઈક કામ સોંપવામાં આવશે.પરંતુ ” એક મહિના પછી, તેમના પાસપોર્ટ છીનવી લેવામાં આવ્યા હતા અને તેમને રશિયા વતી યુક્રેન સામે લડવાની ફરજ પાડવામાં આવી હતી. અન્ય ઘણા દેશોના લોકો પણ અહીં ફસાયેલા છે.”
અસદુદ્દીન ઓવૈસીએ વિદેશ મંત્રીને પત્ર લખ્યો હતો
સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર અને મોસ્કોમાં ભારતીય દૂતાવાસને પત્ર લખીને રશિયામાં ફસાયેલા ત્રણ ભારતીય નાગરિકોને પરત લાવવામાં મદદની અપીલ કરી છે. ઓવૈસીએ પોતાના પત્રમાં લખ્યું છે કે છેલ્લા 25 દિવસથી ત્રણેય ભારતીય નાગરિકોનો સંપર્ક થઈ શક્યો નથી, જેના કારણે તેમના પરિવારના સભ્યો ચિંતિત છે.
યુક્રેન સાથે યુદ્ધ છતાં રશિયાની અર્થવ્યવસ્થા કેવી રીતેઆગળ વધી રહી છે?