
અમદાવાદ, 21 ફેબ્રુઆરી 2025: અમદાવાદ શહેરમાં વધુ એક બિલ્ડર ગ્રુપનું મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં સ્પ્રિંગ રિયાલિટી એલએલપી અને ઓઝોન ગ્રુપના બિલ્ડર ડિરેક્ટરો વિરુદ્ધ વાડજની 200 કરોડ રૂપિયાની જમીનમાં ખોટા અરજદાર બની લીઝ પેન્ડન્સી રદ કરાવી ખોટા ટાઈટલ ક્લિયર સર્ટિફિકેટ મેળવી 500 કરોડ રૂપિયાનું બાંધકામ કરી નાખ્યું છે. 2006થી કોર્ટમાં સિવિલ દાવો કરવામાં આવ્યો છે જે અંગે હાલ ગાંધીનગર ખાતે CID ક્રાઇમમાં ગુનો નોંધાયો છે. ત્યારે ઉપરોક્ત બિલ્ડરોએ આચરેલા કાળા કરતૂતનો પર્દાફાશ થશે.
જાણીતા બિલ્ડર ગ્રુપ છેતરપિંડીની પોલીસ ફરિયાદ
ગાંધીનગર CID ક્રાઈમ PI જેવી રાઠોડ તેમજ PI પૃથ્વીરાજસિંહ રાણાએ HD ન્યુઝ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ફરિયાદી મનોજભાઈ તેજુમલ ખન્ના અમદાવાદના બિલ્ડર ગ્રુપ સ્પ્રિંગ રિયાલિટી એલએલપી અને ઓઝોન ગ્રુપના ડિરેક્ટરો વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. CID ક્રાઇમમાં નોંધાવેલી ફરિયાદ મુજબ મુખ્ય ચાર આરોપીઓના નામ નોંધવામાં આવ્યા છે. 1) રાજનભાઈ વિમલભાઈ શાહ 2) સુકેતુ સુમતિલાલ શાહ 3) રિશિલ સૂકેતુ શાહ 4) યોગેશભાઈ ગુણવંતભાઈ ભટ્ટ છે. જેઓ અમદાવાદના શીલજ અને નવરંગપુરા વિસ્તારમાં રહે છે. જેમણે ખોટા પુરાવા રજૂ કરી મંજૂરીઓ મેળવી બાંધકામ શરૂ કર્યું હતું.
આ સંદર્ભે વધુ માહિતી આપતા તેમને જણાવ્યું હતું કે પામ સ્પ્રિંગ રિયાલિટી એલએલપી અને ઓઝોન ગ્રુપના ડિરેક્ટરો વિરુદ્ધ વાળતની સીમમાં સર્વે નંબર 451 અંગે સિવિલ કોર્ટમાં દાવા નંબર 13/19 2006થી દાવો કરવામાં આવ્યો હતો અને અરજદારનાઓએ લિસ્ટ પેન્ડસીની નોંધ સરકારી રેકોર્ડમાં દસ્તાવેજ નંબર 73/57થી પડાવી હતી. જે નોંધને સ્પ્રિંગ રિયાલિટી એલએલપીના ડિરેક્ટર બિલ્ડર રાજન વિમલભાઈ શાહએ ખોટા પુરાવા ઊભા કર્યા અને ખોટી માહિતી આપી દાવા નંબર 13/19 2006નાં વાદી એટલે કે હાલની અરજીના અરજદાર મનોજભાઈ ખન્ના વતી રાજન વિમલભાઈ શાહે અરજદાર બની લીઝ પેડેન્સી રદ કરાવી સામે પક્ષે ડી. વી. દેસાઈ એન્ડ કંપની મારફતે ટાઈટલ ક્લિયર સર્ટીફીકેટ મેળવી વિશ્વાસઘાત કરી છેતરપિંડી કર્યા હોવાની વિગત સામે આવી છે. જેથી કોટના આદેશ મુજબ CID ક્રાઇમમાં ગુનો નોંધી આ તમામ આરોપીઓ વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરવામાં આવે છે.
કડક તપાસ થશે તો સત્ય બહાર આવશે
ફરિયાદી મનોજભાઈ ખન્નાએ HD ન્યુઝ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે અમદાવાદનાં જાણીતા સ્પ્રિંગ રિયાલિટી એલએલપી અને ઓઝોન ગ્રુપના બિલ્ડરોએ અમારી સાથે જાણી જોઈને અમારી જમીનમાં સરકારી ચોપડે ખોટા અલગ અલગ માલિક ઊભા કરી, મંજૂરીઓ મેળવી, સાતબારમાં નામો ઉમેરી, તથા ટાઈટલ ક્લિયર મેળવી, અમારી જમીન પચાવી પાડી મોટાપાયે બાંધકામ ઊભું કરી છેતરપિંડી હાથ ધરી છે. જે અંગે અમે અમદાવાદ સિવિલ કોર્ટમાં દાવો કર્યો છે. હાલ કોર્ટના આદેશ બાદ CID ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ફરિયાદ લેવામાં આવી છે.