CWG 2022: પાનના ગલ્લાથી કોમન વેલ્થમાં સિલ્વર સુધી, જાણો- સંકેતની સફર
બર્મિંઘમમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે ખાતું ખુલ્યું છે. CWG 2022માં વેઈટલિફ્ટિંગમાં ભારતને પહેલો મેડલ મળ્યો છે. સંકેત મહાદેવ સરગરે ભારતને આ પ્રથમ સફળતા અપાવી છે. તેણે 55 કિગ્રા કેટેગરીમાં સ્નેચમાં 113 કિગ્રા અને ક્લીન એન્ડ જર્કમાં 135 કિગ્રા એટલે કે કુલ 248 કિગ્રા વજન ઉઠાવીને સિલ્વર જીત્યો હતો. તે મલેશિયાના ગોલ્ડ મેડલ વિજેતા વેઈટલિફ્ટર મોહમ્મદ અનિકથી માત્ર 1 કિલો પાછળ હતો. અનિકે 249 કિલોગ્રામ વજન ઉઠાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.
સંકેતના પિતા ચલાવે છે પાનની દુકાન
જોકે, કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર એ સંકેત માટે મોટી ઉપલબ્ધિ છે. ખાસ કરીને તે જે બેકગ્રાઉન્ડમાંથી આવે છે અને જે પરિસ્થિતિઓમાં તેણે અહીં આવવા માટે પોતાની જાતને તૈયાર કરી છે તે કોઈ પડકારથી ઓછી નથી. ખરેખર, સંકેતના પિતા પાનની દુકાન ચલાવે છે. સંકેત પોતે પણ તેના પિતાને આ દુકાન ચલાવવામાં મદદ કરે છે. આ પાનની દુકાન તેમની આજીવિકાનું સાધન છે.
સંકેત સાંગલીનો રહેવાસી
21 વર્ષીય સંકેત મહારાષ્ટ્રના સાંગલીનો રહેવાસી છે. તે કોલ્હાપુરની શિવાજી યુનિવર્સિટીમાં ઈતિહાસનો વિદ્યાર્થી છે. તે તેની વેઇટ કેટેગરીમાં ત્રણ વખત નેશનલ ચેમ્પિયન રહી ચૂક્યો છે. તેણે ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2020 અને ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2020માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ વર્ષે ફેબ્રુઆરીમાં તેણે સિંગાપોર વેઈટલિફ્ટિંગ ઈન્ટરનેશનલ ખાતે 256 કિગ્રા (સ્નેચમાં 113 કિગ્રા અને ક્લીન એન્ડ જર્કમાં 143 કિગ્રા) વજન ઉપાડીને કોમનવેલ્થ અને નેશનલ રેકોર્ડ તોડ્યો હતો.
સંકેત કોમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલનો પ્રબળ દાવેદાર હતો. ભારતીય વેઇટલિફ્ટર ટીમ અને તેની સાથે હાજર કોચ પણ તેના ગોલ્ડ જીતવાની ખાતરી ધરાવતા હતા. પરંતુ તેને ક્લીન એન્ડ જર્કના બીજા રાઉન્ડમાં ઈજા થઈ હતી અને તેને સિલ્વરથી સંતોષ માનવો પડ્યો હતો.