ગુજરાતમાં ધીમી ગતિએ શિયાળાનો પ્રારંભ થઈ ગયો છે પરંતુ હજુ ઠંડીએ જોર પકડ્યું નથી. છેલ્લા કેટલાક દિવસોથી લઘુત્તમ તાપમાનમાં એકાદ-બે ડિગ્રીની વધઘટ ચાલુ છે ત્યારે એકંદરે તાપમાન હાલ સ્થિર જેવું લાગી રહ્યું છે. દરમ્યાન આજે પણ ગાંધીનગર 13 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠુંડુ શહેર બન્યું છે. ગઇકાલે ગાંધીનગરમાં 13.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગુજરાતમાં લોકોને હવે ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે પરંતુ હવામાન વિભાગના મતે હજુ ડિસેમ્બરમાં ધુ્રજાવી દેતી કડકડતી ઠંડી પડવાની શક્યતા છે. હાલ સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરના તાપમાનમાં એકાદ-બે ડિગ્રીની વધઘટ સાથે વાતાવરણ સ્થિર જેવું લાગી રહ્યું છે.
આજે ક્યાં કેટલું તાપમાન નોંધાયું ?
આજે નલિયા, અમદાવાદ, વડોદરા, અમરેલી અને જૂનાગઢમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી નોંધાયું છે. ગઇકાલે અમરેલી અને જૂનાગઢમાં 14.4 ડિગ્રી જ્યારે વડોદરામાં 15 ડિગ્રી, નલિયા અને અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ સિવાય આજે ડીસામાં 15.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે ગઇકાલે અહીં ડિસામાં 16.1 ડિગ્રી નોંધાયું હતું. ઉપરાંત પોરબંદરના તાપમાનમાં 1.4 ડિગ્રી જેટલો ઘટાડો થયો છે. અહીં આજે 16.2 ડિગ્રી નોંધાયું છે જે ગઇકાલે 17.6 ડિગ્રી હતું. ઉપરાંત ભાવનગરમાં આજે 16.6 ડિગ્રી નોંધાયું છે જે ગઇકાલે 16.2 ડિગ્રી નોંધાયું હતું. આ સિવાય રાજકોટના તાપમાનમાં 0.5 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. રાજકોટમાં આજે 17 ડિગ્રી તાપમાન નોંધાયું છે જે ગઇકાલે 17.5 ડિગ્રી હતું. આ ઉપરાંત આજે ભૂજમાં 17.7 ડિગ્રી અને કંડલામાં 18 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આમ છેલ્લા કેટલાક દિવસોથી એકંદરે સરેરાશ તાપમાનમાં એકથી બે ડિગ્રીની વધઘટ થઇ રહી છે ત્યારે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં સામાન્ય ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે.