ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે બંગાળની ખાડી પર નીચા દબાણનો વિસ્તાર બનવાની સંભાવના છે અને તે સપ્તાહના અંત સુધીમાં ચક્રવાતમાં ફેરવાઈ શકે છે. IMD તરફથી મળેલી માહિતી અનુસાર, આગામી 48 કલાકની અંદર બંગાળની ખાડીના દક્ષિણ-પશ્ચિમ અને તેની નજીકના પૂર્વ-મધ્ય ભાગમાં લો પ્રેશર વિસ્તાર બનવાની સંભાવના છે. તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે. 22 ઓક્ટોબરની સવાર સુધીમાં તે બંગાળની ખાડીની મધ્યમાં દબાણ ક્ષેત્ર બની શકે છે. IMD અનુસાર, તે પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી પર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાય તેવી શક્યતા છે.
IMDના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે નીચા દબાણનો વિસ્તાર વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના છે, પરંતુ તેની તીવ્રતા અને માર્ગ વિશે કોઈ આગાહી જારી કરવામાં આવી નથી. ઓડિશાના દરિયાકાંઠાના જિલ્લાઓમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
IMDના ડાયરેક્ટર જનરલનું કહેવું છે કે અમે ઓછા દબાણવાળા વિસ્તારની રચના પછી જ ચક્રવાત વિશે વધુ વિગતો આપી શકીશું. અહીં, ઓડિશા સરકારે આ આગાહીને ધ્યાનમાં રાખીને 23 થી 25 ઓક્ટોબરની વચ્ચે સરકારી કર્મચારીઓની રજાઓ રદ કરી દીધી છે. રાજ્યએ દરિયાકાંઠાના જિલ્લાઓને એલર્ટ પર રાખ્યા છે.
આ રાજ્યોમાં વરસાદની આગાહી
જો બંગાળની ખાડી પર બનેલું લો પ્રેશર ચક્રવાતમાં ફેરવાય છે તો પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ થઈ શકે છે.