ગુજરાતમાં વાતાવરણમાં પલટો! રાજ્યના આ જિલ્લાઓમાં માવઠાની આગાહી

HD ન્યૂઝ ડેસ્ક : ગુજરાતમાં ઠંડીનો માહોલ છે તો બીજી તરફ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. સોમવારે દાહોદના કેટલાક વિસ્તારોમાં માવઠું થયું હતું. જ્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું. આ દરમિયાન હવામાન વિભાગે ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, 26મી તારીખે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે. આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જોકે, આ ઉપરાંતના અન્ય કોઈ જિલ્લામાં કોઈ જ પ્રકારનું એલર્ટ આપવામાં આવ્યું નથી.
હવામાન વિભાગે આપેલી કેટલીક માહિતી અનુસાર, સોમવારે અમદાવાદમાં 17.8, અમરેલીમાં 14.2, વડોદરામાં 19.8, ભાવનગરમાં 18.8, ભુજમાં 11.2, દાહોદમાં 15.2, ડાંગમાં 19.6, ડીસામાં 16.3, ગાંધીનગરમાં 17.1, જામનગરમાં 13.1, નલિયામાં 7.9, રાજકોટમાં 12.8, સુરતમાં 20.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.
હવામાન વિભાગે 27 ડિસેમ્બરે પણ કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદની ચેતવણી આપી છે. 27 ડિસેમ્બરે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે. આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન ખાતાના પૂર્વાનુમાન અનુસાર તા.૨૭/૧૨/૨૦૨૪ થી તા. ૨૮/૧૨/૨૦૨૪ દરમિયાન અરવલ્લી જિલ્લામાં હળવા વરસાદની આગાહી થયેલ છે.
ઉલ્લેખનીય છે કે વરસાદને અનુલક્ષીને ખેડૂતોએ પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેતાજ હોય છે, તેમ છતાં નીચે મુજબના તકેદારીનાં પગલા લેવા રાજ્યના ખેડુતોને સંદેશ આપવામાં આવે છે.
કમોસમી વરસાદથી થતા પાક નુકસાનીથી બચવા માટે ખેડુતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું.
જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો.
ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા.
એ.પી.એમ.સી.મા વેપારી અને ખેડુત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચતીના પગલા લેવા અનુરોધ કરવામાં આવે છે. એ.પી.એમ.સી.મા અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.મા વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવા.
આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક/વિસ્તરણઅધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/મદદનીશ નેતી નિયામક(તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક(તાલીમ), KVK અથવા કિસાન કોલ સેન્ટર ટોલ નંબર- ૧૮૦૦ ૧૮૦ ૧૫૫૧ નો સંપર્ક કરવો.
આ પણ વાંચો : Ola એ પણ શરૂ કરી હોમ ડિલિવરી સર્વિસ, Swiggy અને Zepto સાથે કરશે સ્પર્ધા