ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે છેલ્લાં બે દિવસથી લોકોને રાહત મળી છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, રાજ્યમાં આગામી 3 દિવસ ગરમીથી આંશિક રાહત મળશે. રાજ્યમાં 3 દિવસથી વાદળછાયું વાતાવરણ રહેશે. 4 દિવસ 20થી 25 કિમીની ઝડપે પવન ફુંકાશે. હવામાન નિષ્ણાંતે અનુમાન લગાવતા જણાવ્યું કે, રાજ્યમાં ત્રણ દિવસ વરસાદી માહોલ રહેશે. આ વર્ષે ચોમાસું ગુજરાતમાં જૂનના બીજા સપ્તાહમાં બેસી જશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે.
દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ 10 જૂનથી થાય તેવી સંભાવના
અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થતાં આજે વહેલી સવારથી જ હવામાનમાં પલટો આવ્યો છે. જેને લઈને ગરમીનો પારો થોડો નીચે ઉતર્યો છે. બીજી બાજુ હવામાન વિભાગે જણાવ્યાં અનુસાર, હાલ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. જેના લીધે દક્ષિણ ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. તેમજ આગામી 25મી મેએ દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, તાપી અને ડાંગમાં વરસાદ વરસવાની વકી છે.
25 મેથી દક્ષિણ ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટિનો પ્રારંભ
રાજ્યના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે. અમદાવાદ, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 25 મેથી દક્ષિણ ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટિનો પ્રારંભ થશે. 25 મેના રોજ નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં હળવો વરસાદ પડે તેવી સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ 10 જૂનથી થાય તેવી સંભાવના છે. 15 થી 20 જૂનની વચ્ચે રાજ્યના મોટાભાગના હિસ્સામાં ચોમાસું પ્રવેશ કરી લેશે.