ગુજરાતમાં ઉત્તરાયણ સમયે હવામાનમાં ફેરફારની આગાહી, માવઠાની શક્યતા
- 20 દિવસ તાપમાન 13 ડિગ્રીથી નીચું જ રહે તેવી સંભાવના
- અમદાવાદમાં 15.4 ડિગ્રી સાથે સરેરાશ લધુત્તમ તાપમાન રહ્યું
- ઉત્તરાયણ વખતે હળવા વરસાદની પણ સંભાવના
ગુજરાતમાં ઉત્તરાયણ સમયે હવામાનમાં ફેરફારની આગાહી સામે આવી છે તેમાં માવઠાની શક્યતા છે. તેથી પતંગ રસિયાઓ માટે નિરાશાજનક સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદમાં જાન્યુઆરીમાં હાડ થીજાવતી ઠંડી પડશે અને 31માંથી 20 દિવસ તાપમાન 13 ડિગ્રીથી નીચું જ રહે તેવી સંભાવના છે.
ઉત્તરાયણ વખતે હળવા વરસાદની પણ સંભાવના
આ ઉપરાંત ઉત્તરાયણ-વાસી ઉત્તરાયણ વખતે હળવા વરસાદની પણ સંભાવના છે. હવામાન નિષ્ણાતોને મતે અમદાવાદમાં જાન્યુઆરીના પ્રથમ પાંચ દિવસ ઠંડીનું પ્રમાણ સાધારણ રહેશે અને તાપમાન 15 ડિગ્રીની આસપાસ જ રહે તેવી સંભાવના છે. 6 જાન્યુઆરી બાદ ઠંડીનું જોર વધવા લાગશે અને તાપમાન 10 ડિગ્રીથી નીચે પણ ગગડી શકે છે.
અમદાવાદમાં 15.4 ડિગ્રી સાથે સરેરાશ લધુત્તમ તાપમાન રહ્યું
બીજા સપ્તાહમાં મોટાભાગના દિવસોમાં તાપમાન 13 ડિગ્રીની આસપાસ જ રહેશે. બીજી તરફ હવામાન વિભાગના મતે અમદાવાદમાં જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ દરમ્યાન તાપમાન 14થી 16 ડિગ્રી વચ્ચે રહી શકે છે. 6.4 ડિગ્રી સાથે નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં 15.4 ડિગ્રી સાથે સરેરાશ લધુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 2.3 ડિગ્રીનો વધારો રહ્યો હતો. જ્યારે વડોદરામાં 16 ડિગ્રી, રાજકોટમાં 11.5 ડિગ્રી અને સુરતમાં 17.8 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.