કલકત્તા, 26 ડિસેમ્બર : ગૃહમંત્રી અમિત શાહે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર વોટ બેંકની રાજનીતિ માટે ઘૂસણખોરોને સુરક્ષા આપીને રાષ્ટ્રીય સુરક્ષાને દાવ પર લગાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ બંગાળમાં 42માંથી 35થી વધુ બેઠકો જીતશે.
મમતા બેનર્જી ઉપર કર્યા પ્રહાર
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે બંગાળમાંથી એકત્ર કરાયેલા કટ મનીનો ઉપયોગ વિદેશમાં આલીશાન મકાનો ખરીદવા માટે થાય છે, પરંતુ અહીં એ જ લોકો ચપ્પલ પહેરીને ફરે છે. તેમણે કહ્યું, બંગાળની જનતા હવે છેતરાશે નહીં, જનતા જવાબદેહી માંગશે. તેઓ અહીં બંગાળ ભાજપના તમામ સોશિયલ મીડિયા અને આઈટી અધિકારીઓની બેઠકને સંબોધિત કરી રહ્યા હતા.
મોદી સરકારે 9 વર્ષમાં રૂ.7,17,000 કરોડ આપ્યા
તેમણે અપીલ કરી અને કહ્યું કે શ્યામા પ્રસાદ મુખર્જીની ભૂમિમાંથી મોદીજીને 35 સીટો આપો, હું ખાતરી આપું છું કે મોદી ‘સોનાર બાંગ્લા’ (સોનાનું બંગાળ) બનાવશે. તેમણે કહ્યું કે, યુપીએ સરકારે 10 વર્ષમાં બંગાળને 2,09,000 કરોડ રૂપિયા આપ્યા અને મોદી સરકારે 9 વર્ષમાં 7,17,000 કરોડ રૂપિયા આપ્યા. દીદીએ એક-એક રૂપિયાનો હિસાબ આપવો પડશે. શાહે કહ્યું કે ભાજપ પશ્ચિમ બંગાળમાં તેના સોશિયલ મીડિયાના બળ પર ચૂંટણી લડશે.