ઉત્તર ગુજરાતગુજરાત

ડીસા માર્કેટ યાર્ડને વિકાસની દિશામાં આગળ લઈ જઇશું : ગોવાભાઈ દેસાઈ

Text To Speech

પાલનપુર : ઉત્તર ગુજરાતની અગ્રણી સહકારી સંસ્થા ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (એપીએમસી) ડીસાના ચેરમેન અને વાઇસ ચેરમેને આજે પોતાનો ચાર્જ સંભાળ્યો હતો.ચેરમેન પદે 10 વર્ષ બાદ વિવિધ સહકારી આગેવાન ગોવાભાઇ દેસાઈએ બે ધારાસભ્યોની ઉપસ્થિતિમાં ખુરશી સંભાળી હતી.

ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ડીસાની વ્યવસ્થાપક મંડળની ચૂંટણી યોજાયા બાદ ચેરમેન તરીકે તાજેતરમાં જ ભાજપમાં પ્રવેશેલા ગોવાભાઇ હમીરાભાઈ દેસાઈને ભાજપ દ્વારા નિયુક્ત કરવામાં આવ્યા હતા. ચૂંટણીમાં કુલ 16 ડિરેક્ટરોમાંથી 15 ભાજપના ડિરેક્ટર ચૂંટાયા હતા જ્યારે એકમાત્ર ગોવાભાઇ કોંગ્રેસમાંથી ચૂંટાયા હતા.જોકે તેઓ ભાજપમાં જોડાયા બાદ પીઢ અને અનુભવી સહકારી આગેવાન હોઇ ભાજપ દ્વારા તેઓને ચેરમેન પદે બેસાડવામાં આવ્યા હતા. જ્યારે વાઇસ ચેરમેન તરીકે ડીસા વેપારી એસોસિએશનના પ્રમુખ અરજણભાઈ ધર્માભાઈ પટેલની નિયુક્તિ કરાઈ હતી.જેમાં આજે ચેરમેન અને વાઇસ ચેરમેને ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી અને ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ ની ઉપસ્થિતિમાં પોતાનો ચાર્જ સંભાળ્યો હતો.

ધારાસભ્ય પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે, ગોવાભાઇ સહકારી ક્ષેત્રમાં પીઢ અને અનુભવી હોઇ માર્કેટ યાર્ડ નો સર્વાંગી વિકાસ થશે અને તેમના બહોળા અનુભવનો લાભ સર્વેને મળશે.
આ પ્રસંગે ચેરમેન પદ સંભાળતા ગોવાભાઇ દેસાઈએ જણાવ્યું હતું કે, ભાજપના સૌ આગેવાનોના સાથ સહકારથી પાર્ટીએ તેઓને આ જવાબદારી સોંપી છે. તેઓએ ખેડૂતો ઉપરાંત માર્કેટ યાર્ડના વેપારીઓ, તોલાટ, હમાલ, મહેતા કર્મચારીઓ વગેરેના કોઈ પ્રશ્નો હશે તો હલ કરવાની તેમ જ માર્કેટ યાર્ડને સતત વિકાસની દિશામાં આગળ લઈ જવા પ્રયત્નશીલ રહેશે તેમ જણાવ્યું હતું.

આ પણ વાંચો : ગુજરાત સરકારે વાઇલ્ડલાઇફ બોર્ડની કરી પુનઃરચના; સભ્યોમાં RILના ધનરાજ નથવાણીનો સમાવેશ

Back to top button