ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રાહુલ ગાંધીને અમે વડાપ્રધાન બનાવીને જ જંપીશુંઃ ગોવિંદસિંહ દોતાસરા

  • અમારું એક જ લક્ષ્ય રાહુલ ગાંધી પ્રધાનમંત્રી બને: રાજસ્થાન પીસીસી પ્રમુખ

જયપુર, 14 ફેબ્રુઆરી: રાજસ્થાનમાં પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આજે રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવી હતી. રાજસ્થાનમાં રાજ્યસભાની ત્રણ બેઠકો ખાલી છે. જેમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ એક બેઠક પરથી કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ હતા. મનમોહન સિંહનો કાર્યકાળ પૂરો થયા બાદ ખાલી થયેલી રાજ્યસભા બેઠક પરથી સોનિયા ગાંધી રાજ્યસભામાં પહોંચશે. બુધવારે સોનિયા ગાંધીએ રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી. તેમના નામાંકન દરમિયાન રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગેહલોત, રાજસ્થાન કોંગ્રેસના અધ્યક્ષ ગોવિંદ સિંહ દોતાસરા સહિત રાજ્યના ઘણા કોંગ્રેસના ધારાસભ્યો અને નેતાઓ પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન રાજસ્થાન કોંગ્રેસ અધ્યક્ષ ગોવિંદ સિંહ દોતાસરાએ એક મોટું નિવેદન આપ્યું છે, જેને લઈને સોશિયલ મીડિયામાં ચર્ચાઓ ચાલી રહી છે.

અમારું એક જ લક્ષ્ય છે કે રાહુલ ગાંધી પીએમ બને: દોતાસરા

રાજસ્થાન પીસીસીના પ્રમુખ ગોવિંદ સિંહ દોતાસરાએ કહ્યું, ‘આ બહુ મોટી વાત છે કે સોનિયા ગાંધીની સાથે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ આવ્યાં છે. અમારા માટે ખૂબ જ આનંદની વાત છે, અમે ખુશ છીએ. રાજસ્થાનમાં આપના નેતૃત્વમાં અમે લોકસભાની ચૂંટણીમાં ખૂબ સારું પ્રદર્શન કરીશું.’ વધુમાં તેમણે કહ્યું કે, ‘હું પાર્ટીના તમામ કાર્યકર્તાઓ વતી વિનંતી કરવા માંગુ છું, અમે દમ લગાવીને મહેનત કરી શું અને કોંગ્રેસને જીતાડીશું, કોંગ્રેસને આગળ લઈ જઈશું. અમારું એક જ લક્ષ્ય છે કે રાહુલ ગાંધી દેશના વડાપ્રધાન બને.’

વીડિયો:

શું ઈન્ડી ગઠબંધન તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર રાહુલ ગાંધી?

લોકસભા ચૂંટણી માટે વિપક્ષી પાર્ટીઓને એક કરવાના પ્રયાસો વચ્ચે દોતાસરાના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે રાહુલ ગાંધી વિપક્ષ (ઈન્ડી ગઠબંધન) તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર હોઈ શકે છે. જો કે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનું ઈન્ડી ગઠબંધન કેવું પ્રદર્શન કરશે તે અંગે અટકળો ચાલી રહી છે. ચૂંટણી પહેલા બહાર આવેલા ઘણા સર્વેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદીના નેતૃત્વમાં ભાજપ સતત ત્રીજી વખત કેન્દ્રમાં સત્તામાં આવશે.

પ્રિયંકા ગાંધી રાયબરેલીથી લોકસભા ચૂંટણી લડી શકે!

હાલમાં સોનિયા ગાંધી લોકસભા બેઠક રાયબરેલીથી સાંસદ છે, પરંતુ તેમના રાજ્યસભામાં ચૂંટાયા બાદ રાયબરેલી બેઠક ખાલી થઈ જશે. એવું માનવામાં આવે છે કે લોકસભા ચૂંટણી 2024માં પાર્ટી કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને સોનિયા ગાંધીની લોકસભા બેઠક પરથી ચૂંટણી લડાવી શકે છે. હવે જોવાનું એ રહે છે કે કોંગ્રેસ રાયબરેલી બેઠક પરથી કોને લોકસભાની ટિકિટ આપે છે.

આ પણ વાંચો: સોનિયા ગાંધીએ રાજ્યસભા માટે ઉમેદવારીપત્ર ભર્યું, જૂઓ વીડિયો

Back to top button