‘ખિચડી ચોર ઉમેદવારો માટે કામ નહીં કરીએ’: પોતાની જ પાર્ટી પર ગુસ્સે ભરાય કોંગ્રેસ નેતા સંજય નિરુપમ
મુંબઈ, 27 માર્ચ : મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીમાં સીટ વહેંચણીને લઈને ભારે હોબાળો થયો છે. એક તરફ, શિવસેના (UBT) એ તેના 17 ઉમેદવારો જાહેર કર્યા છે, જ્યારે પ્રકાશ આંબેડકરની પાર્ટીએ 9 બેઠકો પર તેના ઉમેદવારો નક્કી કર્યા છે. આવી સ્થિતિમાં કોંગ્રેસની અંદર હવે બળવાના એંધાણ વર્તાઇ રહ્યાં છે. મુંબઈ પ્રદેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સંજય નિરુપમે શિવસેનાની ટિકિટ વહેંચણીને લઈને આકરા પ્રહારો કર્યા છે અને પોતાની પાર્ટી પર પણ નિશાન સાધ્યું છે.
સંજય નિરુપમે કહ્યું, ‘આજે સવારે શિવસેના (UBT)એ મુંબઈની 4 સીટો પર ઘોષણા કરી છે અને આવતીકાલ સુધીમાં 5મી સીટ પર ઘોષણા કરશે. બેલઆઉટ તરીકે કોંગ્રેસને 1 સીટ આપી. હું તેનો વિરોધ કરું છું. હું શિવસેના અને કોંગ્રેસ વચ્ચેની વાતચીતમાં સામેલ હતો. ઉત્તર-પશ્ચિમના ઉમેદવાર પર ભ્રષ્ટાચારનો આરોપ છે.ઉદ્ધવ ઠાકરેએ એવા ખીચડી ચોરને ઉમેદવાર બનાવ્યો છે જેણે કોવિડના સમયે ખીચડી કૌભાંડ કર્યું હતું. હું જાહેર કરું છું કે હું આવા ખીચડી ચોરને પ્રોત્સાહન આપીશ નહીં.
પોતાની જ પાર્ટીને નિશાન બનાવી
પોતાની જ પાર્ટી પર નિશાન સાધતા નિરુપમે કહ્યું, ‘કોંગ્રેસ નેતૃત્વએ મારી સાથે ઘણા દિવસો સુધી વાત પણ કરી ન હતી. મને પૂછવામાં પણ આવ્યું ન હતું.કોંગ્રેસ દેશમાં ન્યાયની વાત કરે છે પરંતુ પોતાના લોકો પર ધ્યાન આપતી નથી.હું ઘણા વર્ષોથી મારા ક્ષેત્રમાં કામ કરું છું. પરંતુ ટોચના નેતૃત્વએ સંજ્ઞાન ન લીધું અને શિવસેના સામે ઝૂકી ગયા. હું મારા નેતૃત્વને 1 અઠવાડિયાનો સમય આપું છું, જો નિર્ણય નહીં લેવાય તો એક અઠવાડિયામાં હું મારો સ્વતંત્ર નિર્ણય લઈશ અને લડાઈ હવે એન્ડ ટુ એન્ડ સુધીની રહેશે. જે રીતે કોંગ્રેસની બેઠકો છીનવાઈ છે અને કોંગ્રેસના લોકો અલગ થયા છે, શિવસેના (UBT)નો છુપાયેલ હેતુ કોંગ્રેસને નષ્ટ કરવાનો હોઈ શકે છે.
ઉદ્ધવે ઉત્તર પશ્ચિમ મુંબઈથી અમોલ કીર્તિકરને ટિકિટ આપી.
ઉત્તર પશ્ચિમ મુંબઈ બેઠક છે, જ્યાં શિવસેનાએ અમોલ કીર્તિકરનું નામ જાહેર કર્યું છે જ્યારે કોંગ્રેસ સંજય નિરુપમ માટે આ બેઠક પર દાવો કરી રહ્યા છે. કોવિડ ખીચડી કૌભાંડના સંબંધમાં EDએ શિવસેના (UBT) નેતા અમોલ કીર્તિકરને સમન્સ જારી કર્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કીર્તિકરને આજે EDના અધિકારીઓએ સમન્સ પાઠવ્યા હતા. ખિચડી કૌભાંડ કેસમાં મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગ દ્વારા પણ કીર્તિકરની અગાઉ તપાસ કરવામાં આવી હતી.