અમે તમને દર મહિને 30,000 રૂપિયાનો ફાયદો કરાવીશુંઃ પંજાબના CM ભગવંત માને રૂ. 25,000 વિજળીના ઝીરો બીલ બતાવીને કહ્યું
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે યોજાવાનું છે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાવાનુ છે ત્યારે આજે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને એક મહત્વપૂર્ણ મુદ્દા પર મીડિયાને સંબોધન કર્યુ હતુ. પંજાબના CM ભગવંત માને કહ્યું કે, જ્યારે આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં જાહેરાત કરી હતી કે વીજળી ફ્રી થઈ જશે, ત્યારે અન્ય પક્ષોના લોકો પૂછતા હતા કે વીજળી કેવી રીતે મફત થશે? પરંતુ અમે દિલ્હીમાં વીજળી ફ્રી કરી અને હવે દિલ્હી સરળતાથી ચાલે છે. જ્યારે પંજાબમાં ચૂંટણી થઈ રહી હતી ત્યારે અરવિંદ કેજરીવાલે ગેરંટી આપી હતી કે પંજાબમાં પણ વીજળી મફત મળશે, ત્યારે પણ વિપક્ષવાળા કહેતા હતા કે પૈસા ક્યાંથી આવશે? અમારી સરકારે ગુજરાતમાં પણ ગેરંટી આપી છે કે તે વીજળી ફ્રી કરશે. અત્યારે પણ બીજા પક્ષના લોકો કહી રહ્યા છે કે આ લોકો મફતની રેવડી વહેંચી રહ્યા છે. એટલા માટે આજે હું તમારા બધાની સામે 25,000 વીજળીનું બિલ લઈને આવ્યો છું. પંજાબમાં લગભગ 75 લાખ મીટર છે, જેમાંથી આજદિન સુધી 61 લાખ ઘરોનું વીજળી બિલ શૂન્ય થઈ ગયું છે. અત્યારે ડિસેમ્બરમાં શિયાળો હશે, તેથી ડિસેમ્બરમાં 67 લાખ ઘરોના વીજળીના બિલ ઝીરો આવશે અને જાન્યુઆરીમાં 75 લાખ ઘરોમાંથી 71 લાખ ઘરોના વીજ બિલ ઝીરો આવશે. અમે જે કહીએ છીએ તે કરીએ છીએ અને અમે એ જ કહીંએ છીએ જે કરી શકીએ છીએ.
અમે તમને દર મહિને રૂ. 30,000 સુધીનો ફાયદો કરાવીશું
જનતાએ દર વખતે ભાજપને મત આપવો પડતો હતો કારણ કે તેમની પાસે અન્ય કોઈ વિકલ્પ હતો નહીં. પંજાબ પોતે જ વીજળીનું ઉત્પાદન કરે છે, તેથી અમે દર મહિને દરેક ઘરમાં 300 યુનિટ વીજળી મફત આપી. આ રીતે તેમના બે થી ત્રણ હજાર રૂપિયા બચવા લાગ્યા. એ જ રીતે હવે તેમના શિક્ષણના, સારવારના બધે જ પૈસાની બચત થવા લાગશે. તેથી જ અમે એમ નથી કહેતો કે, અમે તમારા ખાતામાં રૂ. 15,00,000 નાખીશું, પરંતુ હું ચોક્કસ કહીશ કે અમે તમને દર મહિને રૂ. 30,000 સુધીનો ફાયદો કરાવીશું. અમે કોન્ટ્રાક્ટરોને નહીં, લોકોને સીધો લાભ આપીએ છીએ. એમના મેનિફેસ્ટોનું નામ પણ એક નથી હોતું, ક્યારેક એ સંકલ્પ પત્ર હોય છે, ક્યારેક ઘોષણા પત્ર હોય છે, તો ક્યારેક મેનિફેસ્ટો હોય છે. કારણ કે તેમને જીત્યા પછી કહેવું પડે છે કે, આ બધા જુમલા હતા.
પંજાબમાં અમે 15 ઓગસ્ટ સુધીમાં 100 મોહલ્લા ક્લિનિક બનાવી દીધા
તેમને વધુમાં જણાવ્યું હતું કે, પંજાબમાં અમે ગેરંટી આપી હતી કે મોહલ્લા ક્લિનિક બનાવીશું. 15 ઓગસ્ટ સુધીમાં અમે 100 મોહલ્લા ક્લિનિક બનાવી દીધા છે. હવે અમારો 26મી જાન્યુઆરી સુધીમાં 500થી વધુ મોહલ્લા ક્લિનિક બનાવવાનો ટાર્ગેટ છે. અમે શાનદાર મોહલ્લા ક્લિનિક બનાવ્યા છે. કેન્દ્રની એક કમિટી છે, તેઓએ પણ તપાસ કરી છે અને કહ્યું છે કે ખૂબ સારું કામ ચાલી રહ્યું છે. અમે ગેરંટી આપી હતી કે અમે જૂની પેન્શન યોજના લાગુ કરીશું. તેના માટે અમે નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે.
મેં રસ્તા પર ખાડા જોયા હતા પણ ખાડામાં રસ્તા પહેલીવાર જોયા
જ્યારે અમે ગુજરાતમાં આવ્યા ત્યારે અમે વિચાર્યું કે અમને ગુજરાતમાંથી પણ ઘણું શીખવા મળશે. હાઈવે સુધી તો ઠીક હતું, પણ હાઈવેથી અંદર આવ્યા ત્યારે ત્યાંથી ગુજરાત મોડલ શરૂ થયું. મેં રસ્તા પર ખાડા જોયા હતા પણ ખાડામાં રસ્તા પહેલીવાર જોયા. હું ખેડબ્રહ્મા, લીમડી, બાલાસિનોર જેવા ગુજરાતના ઘણા શહેરોમાં ગયો, આદિવાસી ગામડાઓમાં ગયો, ત્યાં મેં લોકોને પૂછ્યું કે અહીં તમારા ધારાસભ્ય કોણ છે? તેમણે કહ્યું કે તેઓ ભાજપમાંથી છે. મેં પૂછ્યું કે તે ચૂંટણી જીત્યા પછી કેટલી વાર અહીં આવ્યા છે? ત્યારે તે લોકોએ કહ્યું કે તેઓ અહીં વોટ માંગવા પણ આવતા નથી. મને એ જાણીને ખુબ દુઃખ થયું કે આ લોકોએ જનતાને આટલી બિનવારસી ત્યજી દીધી છે.