- નીતિ આયોગની બેઠકમાં ગુજરાતની વિકાસગાથાની પ્રભાવક પ્રસ્તુતિ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
ગાંધીનગર, 27 જુલાઈ 2024, વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં આયોજિત નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સીલની નવમી બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ભારત@2047ના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાતની સંપૂર્ણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં કહ્યું કે, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના ધ્યેય મંત્ર સાથે રાજ્ય સરકારે ગુજરાત@2047 ડાયનેમિક ડોક્યુમેન્ટ-રોડમેપ તૈયાર કર્યો છે.‘અર્નિંગ વેલ’ અને ‘લિવિંગ વેલ’ એમ બે મુખ્ય પિલ્લર પર આધારિત આ રોડમેપ દ્વારા રાજ્યના લોકોનું જીવન સ્તરને બહેતર અને સર્વોત્તમ બનાવવાનાં અને તેમની સમૃદ્ધિને અર્થવ્યવસ્થામાં સહભાગી બનાવવાનાં લક્ષ્યો સાથે રાજ્ય સરકાર આગળ વધવા માંગે છે.
ભવિષ્યના વિઝન માટે લેવાઈ રહેલા નક્કર પગલાંઓની ભૂમિકા આપી
મુખ્યમંત્રીએ આ લક્ષ્યો સિદ્ધ કરવા માટેની થિંક ટેંક તરીકે ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશનની સ્થાપના કરવાની નેમ વ્યક્ત કરી હતી.‘ગ્યાન’ એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિના વિકાસને આધાર બનાવીને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનો સંકલ્પ ગુજરાતે કર્યો છે.ગુજરાતે 2022-23ના વર્ષમાં જી.ડી.પી.માં 8.3 ટકાનું યોગદાન આપ્યું છે. દેશની અર્થવ્યવસ્થામાં ગુજરાત 2047 સુધીમાં 3.5 ટ્રિલિયન યુ.એસ. ડોલરની ઇકોનોમી બનવાની નેમ સાથે આગળ વધી રહ્યું છે. તેમણે પી.એમ. ગતિશક્તિ, આરોગ્ય, નારી ગૌરવનીતિ,પ્રાકૃતિક ખેતી, ડિજિટલ એગ્રીકલ્ચર મિશન, એમ.એસ.એમ.ઈ.,જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં સરકારની વર્તમાન સિદ્ધિઓ અને ભવિષ્યના વિઝન માટેના નક્કર પગલાંઓની ભૂમિકા આપી હતી.
સેમિકન્ડક્ટર સેક્ટરમાં આત્મનિર્ભરતાની દિશામાં એક મોટું કદમ
મુખ્યમંત્રીએ કહ્યું કે, આત્મનિર્ભર ભારતથી જ વિકસિત ભારતનો માર્ગ પ્રશસ્ત થઈ શકે અને એ માટે આપણે સામુહિક પ્રયાસોથી એવા નિર્ણયો લેવા જોઈએ તથા એવી નીતિઓ બનાવવી જોઈએ જેથી આપણે વિશ્વના સૌથી મોટા મૅન્યુફેક્ચરિંગ હબ બની શકીએ.આપણા ઉત્પાદનો વૈશ્વિક કક્ષાના હોય અને માત્ર દેશની સપ્લાય ચેઇનનો હિસ્સો ન બની રહે પરંતુ ગ્લોબલ સપ્લાય ચેઇનમાં મહત્વપૂર્ણ ભાગીદારી કરી શકે. જાન્યુઆરી-2024માં યોજાયેલી વાઈબ્રન્ટ સમિટમાં ગુજરાતે સેમિકન્ડક્ટર સેક્ટરમાં આત્મનિર્ભરતાની દિશામાં એક મોટું કદમ ભર્યું છે તેનો લાભ સમગ્ર દેશ અને વિશ્વને થશે.
ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું
ગુજરાતમાં દેશની પ્રથમ સેમિકન્ડક્ટર ચીપનું ઉત્પાદન થશે. જરૂરી સ્કીલ ઇકોસિસ્ટમને વેગ આપવા સેમિકન્ડક્ટર્સ, બ્લોકચેઈન અને એ.આઈ. વગેરે જેવા ભવિષ્યના ક્ષેત્રોમાં આજની યુવા પેઢીને ‘મુખ્યમંત્રી ભવિષ્યલક્ષી કૌશલ્ય વિકાસ યોજના’ના માધ્યમથી અત્યારથી જ તાલીમબદ્ધ કરવાના પ્રયાસો પર રાજ્ય સરકારે ફોકસ કર્યું છે. રાજ્ય સરકારે એગ્રીકલ્ચર અને નોન એગ્રીકલ્ચર એમ બન્ને સેક્ટરને સમાન મહત્વ આપ્યું છે.રાજ્યમાં 43 લાખથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે તેમાંથી 9 લાખ જેટલા ખેડૂતો 7 લાખ એકરથી વધુ જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે તેની પણ વિગતો મુખ્યમંત્રીએ આપી હતી.
આ પણ વાંચોઃગુજરાતમાં પણ અગ્નિવીરોને સરકારી નોકરીમાં પ્રાધાન્ય મળશે