ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

અમે કોલસાને હીરામાં ફેરવી દીધા: લોકસભામાં UPA વિરુદ્ધના શ્વેતપત્ર પર નાણામંત્રી

  • 59 પાનાના શ્વેતપત્રમાં 2014 પહેલા અને પછીની ભારતીય અર્થવ્યવસ્થા વિશે માહિતી આપવામાં આવી

નવી દિલ્હી, 9 ફેબ્રુઆરી: નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ગુરુવારે લોકસભામાં શ્વેતપત્ર રજૂ કર્યું હતું, જેના પર સંસદમાં આજે શુક્રવારે ચર્ચા શરૂ થઈ હતી. 59 પાનાના શ્વેતપત્રમાં 2014 પહેલા અને પછીની ભારતીય અર્થવ્યવસ્થા વિશે માહિતી આપવામાં આવી છે. તે જણાવે છે કે કેવી રીતે UPA સરકારના 10 વર્ષમાં ભારતને અર્થતંત્રના ગેરવહીવટનું નુકસાન સહન કરવું પડ્યું હતું. આ શ્વેતપત્ર પર નાણામંત્રી નિર્મલા સિતારમણ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, “યુપીએ સરકાર દરમિયાન થયેલા કોલસા કૌભાંડને કારણે દેશને નુકસાન થયું છે. જેમાં પાછલા બારણે ગુટખા કંપનીઓને પણ લાઇસન્સ આપવામાં આવ્યા હતા. તેનાથી દેશની આવકમાં ઘટાડો થયો અને FDI પણ ઘટ્યું. અમે આ કોલસાને હીરામાં ફેરવી દીધા”

 

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, “આ વ્હાઈટ પેપરમાં દર્શાવેલી સરખામણી સ્પષ્ટપણે દર્શાવે છે કે જો સરકાર સાચી, ઈમાનદાર, પારદર્શિતા અને રાષ્ટ્રને પ્રથમ સ્થાને રાખીને કામ કરે તો શું પરિણામ આવે છે. 2008 પછી શું થયું જ્યારે વૈશ્વિક નાણાકીય કટોકટી હતી અને કોવિડ પછી શું થયું, તે સ્પષ્ટપણે દર્શાવે છે કે જો સરકારનો ઇરાદો પ્રામાણિક હશે તો પરિણામો સારા આવશે.”

જૂના કૌભાંડોનો ઉલ્લેખ કર્યો

કોંગ્રેસના અગાઉના કાર્યકાળ દરમિયાન થયેલા અન્ય કૌભાંડોનો પણ નાણામંત્રીએ ઉલ્લેખ કર્યો હતો. સીતારમણે કહ્યું હતું કે, “મુંધડા કૌભાંડ 1950ના દાયકા દરમિયાન થયું હતું, જેમાં LICને હરિદાસ મુંધડાની કંપનીમાં 1.26 કરોડ રૂપિયાના શેર ખરીદવાની ફરજ પડી હતી. તે દરમિયાન સરકારના તત્કાલિન નાણામંત્રીને બલિનો બકરો બનાવવામાં આવ્યો હતો.”

વધુમાં, નાણામંત્રીએ LICના ભૂતપૂર્વ અધ્યક્ષ આર.કે. તલવારનો પણ ઉલ્લેખ કર્યો હતો. સીતારમણે કહ્યું હતું કે, “આર.કે. તલવાર ઇમરજન્સી દરમિયાન SBIના ચેરમેન હતા. તેઓ એક ખાસ પાર્ટીને લોન આપવા માટે રાજી થયા હતા, જે પછી તેમને એટલા હેરાન કરવામાં આવ્યા હતા કે તેમને ચેરમેન પદ છોડવું પડ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, UPAના પાછલા કાર્યકાળ પર મોદી સરકાર દ્વારા શ્વેતપત્ર બહાર પાડવામાં આવ્યું છે. જેમાં અગાઉની કેન્દ્ર સરકારની આર્થિક ભૂલોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેના ખોટા આર્થિક નિર્ણયોએ અર્થવ્યવસ્થાને કેવી રીતે સંકટમાં મૂક્યું.

આ પણ જુઓ: બ્રેકિંગ ન્યૂઝઃ સ્વામીનાથન, નરસિંહ રાવ તથા ચરણસિંહને ભારતરત્ન એનાયત થશે

Back to top button