નવી દિલ્હી, 28 મે : પાકિસ્તાન ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ સામેલ થયા હતા. તેઓએ આ કાર્યક્રમમાં પોતાના સંબોધન દરમિયાન ભારત સાથે થયેલા લાહોર કરારનો ઉલ્લંઘન કરી પાકિસ્તાને બહુ મોટી ભૂલ કરી હોવાનું જણાવ્યું હતું.
અમે ભૂલ કરી છે – નવાઝ શરીફ
નવાઝ શરીફે કહ્યું કે 28 મે 1998ના રોજ પાકિસ્તાને પાંચ પરમાણુ પરીક્ષણ કર્યા હતા. આ પછી ભારતના તત્કાલિન વડાપ્રધાન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયી પાકિસ્તાન આવ્યા અને સમજૂતી પર હસ્તાક્ષર થયા હતા. નવાઝ શરીફે વધુમાં કહ્યું, ‘અમે તે કરારનું ઉલ્લંઘન કર્યું અને તે અમારી ભૂલ હતી.’
ઉલ્લેખનીય છે કે 21 ફેબ્રુઆરી 1999ના રોજ શરીફ અને વાજપેયીએ સમિટ બાદ લાહોર સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. કરારમાં બંને દેશો વચ્ચે શાંતિ અને સ્થિરતા જાળવવાની વાત કરવામાં આવી હતી. જો કે તેના થોડા મહિનાઓ બાદ જ પાકિસ્તાનની ઘૂસણખોરીના કારણે કારગિલ યુદ્ધ થયું હતું.
નવાઝ શરીફે ઈમરાન ખાન પર નિશાન સાધ્યું હતું
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાને એવો પણ દાવો કર્યો હતો કે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટને પરમાણુ કાર્યક્રમ રોકવા માટે તેમને પાંચ અબજ ડૉલરની ઑફર કરી હતી. તેણે કહ્યું, ‘મેં આ ઓફરને ફગાવી દીધી હતી પરંતુ જો પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન મારી ખુરશી પર હોત તો તેઓ ચોક્કસપણે ક્લિન્ટનની ઓફર સ્વીકારી લેત.’
નવાઝ શરીફે કહ્યું કે પાકિસ્તાનના ચીફ જસ્ટિસ સાકિબ નિસાર દ્વારા 2017માં તેમને ખોટા કેસમાં ફસાવીને વડાપ્રધાન પદેથી હટાવ્યા હતા. પીએમએલ-એન પ્રમુખે વધુમાં કહ્યું કે તેમની સામેના તમામ કેસ ખોટા છે, જ્યારે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના સંસ્થાપક ઈમરાન ખાન સામેના તમામ આરોપો સાચા છે.