ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

‘ઈદ પર અમારા ઘરમાં ખાવાનું બનતું નહોતું કારણ કે…’ PM મોદીએ મુસ્લિમો સાથેના સંબંધો અંગે શું કહ્યું?

  •  2002ના ગોધરા રમખાણો પછી મારી છબી ખરાબ કરવાના પ્રયાસો કરવામાં આવ્યા: PM મોદી

વારાણસી, 15 મે: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે વારાણસીમાં પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આ સમયે વારાણસીમાં ગંગા નદીના કિનારેથી PM મોદીએ એક ટીવી ચેનલને ઈન્ટરવ્યુ આપ્યું હતું. ગંગા નદીના કિનારેથી બોલતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, “અમારી સરકાર ધર્મ કે જાતિના આધારે ભેદભાવ કરતી નથી. 2002ના ગોધરા રમખાણો પછી મારી છબી ખરાબ કરવાના પ્રયાસો કરવામાં આવ્યા. આ એ જ સમય હતો જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો. હું વોટ બેંક માટે કામ કરતો નથી. જો કંઈક ખોટું હોય તો હું કહીશ કે તે ખોટું છે. મારો ઉછેર મુસ્લિમ સમુદાયના લોકોમાં થયો છે. અમારા પાડોશમાં મુસ્લિમ પરિવારો રહેતા હતા. હું બાળપણમાં મારા પાડોશીઓ સાથે ઈદ મનાવતો હતો. ઈદ પર અમારા ઘરમાં ખાવાનું રાંધવામાં બનતું ન હતું, કારણ કે ભોજન પાડોશી મુસ્લિમ ઘરોમાંથી આવતું હતું. મારા ઘણા મુસ્લિમ મિત્રો પણ છે.” તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમના શાસનના એજન્ડાએ ‘મુસ્લિમોનું જીવન બદલી નાખ્યું છે’ PM મોદી દ્વારા આ નિવેદન એવા સમયે આપવામાં આવ્યું છે જ્યારે લોકસભા ચૂંટણીમાં ધાર્મિક ધ્રુવીકરણ પર જોરદાર ચર્ચા ચાલી રહી છે.

અમારા પાડોશમાં મુસ્લિમ પરિવારો રહેતા હતાઃ PM

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, “અમારા પાડોશમાં મુસ્લિમ પરિવારો રહેતા હતા. ઈદ પર, અમે અમારા ઘરમાં ભોજન બનાવતા ન હતા, કારણ કે ખોરાક પાડોશી મુસ્લિમ ઘરોમાંથી આવતું હતું તેમજ મોહરમ પર પણ અમને તાજિયાની નીચેથી જવાનું શીખવવામાં આવ્યું હતું.

ગોધરા રમખાણો પછી જમીની વાસ્તવિકતા જાણવા સર્વે કર્યો: વડાપ્રધાન

પીએમ મોદીએ કહ્યું કે, “અમદાવાદમાં માણેક ચોક નામની જગ્યા છે, જ્યાં લોકો સાંજે ખાવા માટે જાય છે. પરંતુ દિવસ દરમિયાન તમામ ધંધાર્થીઓ મુસ્લિમ અને તમામ ખરીદનાર હિન્દુ હોય છે. મેં કેટલાક લોકોને તે બજારમાં સર્વે કરવા મોકલ્યા. તેમાંથી એક મારી વિરૂદ્ધ બોલ્યો ત્યારે દુકાનદારે તેને રોક્યો અને કહ્યું, ‘મોદી વિરુદ્ધ એક પણ શબ્દ બોલશો નહીં. મોદીના કારણે મારા બાળકો શાળાએ જઈ રહ્યા છે. લગભગ 90 ટકા દુકાન માલિકોએ પણ એવું જ કહ્યું.”

મુસ્લિમ મહિલાએ પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા હતા 

અન્ય એક ઘટનાનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે, મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા જુહાપુરા વિસ્તારની એક મહિલા તેમની પાસે આવી અને તેમને અભિનંદન પાઠવ્યા. તેમણે દરેક ઘરમાં વીજળી પહોંચાડવાના મારા કામ માટે મારી પ્રશંસા કરી અને તેમણે કહ્યું કે, આ સારી કામગીરી છે કારણ કે લોકો સરકારી વીજળીની ચોરી કરતા હતા અને અમને વીજળી કનેક્શન આપવા માટે પૈસા લેતા હતા.

વડાપ્રધાને વધુમાં કહ્યું કે, તેમના જીવનમાં આવી ઘણી ઘટનાઓ બની છે, પરંતુ તેઓ આ બધાને જાહેર કરતા નથી. તેમણે કહ્યું કે, “મારો મંત્ર છે ‘સબકા સાથ સબકા વિકાસ’. હું વોટ બેંક માટે કામ કરતો નથી. જો કંઈક ખોટું છે, તો હું કહીશ કે તે ખોટું છે.”

વધુ બાળકો પેદા કરનારા કહેવાનો અર્થ મુસ્લિમો નથી: PM

જ્યારે PMને પૂછવામાં આવ્યું કે તેમણે મુસ્લિમોને “વધુ બાળકો પેદા કરનારા” કેમ કહ્યા? તો વડાપ્રધાને કહ્યું કે, “હું સ્તબ્ધ છું. જ્યારે હું એવા લોકો વિશે વાત કરું છું જેઓ વધુ બાળકો ધરાવે છે, આવા સમયે લોકો એવું કેમ માની લે છે કે હું મુસ્લિમોની વાત કરી રહ્યો છું? ગરીબ હિન્દુ પરિવારોમાં પણ આ સમસ્યા છે. તેઓ તેમના બાળકોને ઉચ્ચ શિક્ષણ આપી શકતા નથી. મેં ન તો હિન્દુઓનું નામ લીધું છે અને ન તો મુસ્લિમોનું નામ લીધું છે. મે બસ એક જ અપીલ કરી છે કે, તેટલા બાળકોને જન્મ આપો જેટલાની તમે સાર-સંભાળ રાખી શકો.

જ્યારે PMને પૂછવામાં આવ્યું કે “શું મુસ્લિમો આ ચૂંટણીમાં તેમને મત આપશે?” તો પીએમ મોદીએ કહ્યું કે, “મને વિશ્વાસ છે કે દેશની જનતા મને વોટ આપશે. જે દિવસે હું હિન્દુ-મુસ્લિમ વચ્ચે ભાગલા પાડવાનું શરૂ કરીશ, હું જાહેર જીવનમાં જીવી શકીશ નહીં. હું હિન્દુ-મુસ્લિમનું વિભાજન નહીં કરું, આ મારું વચન છે.” પ્રચંડ શક્તિ પ્રદર્શનમાં મોદીએ મંગળવારે વારાણસીથી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી.

વિરોધીઓની દુર્વ્યવહારથી મને ખ્યાતિ મળી છે: PM

વડાપ્રધાને તેમના ટીકાકારોને પણ જવાબ આપ્યો. તેમણે કહ્યું કે, શાસ્ત્રો કહે છે ‘નિંદક નિયરે રાખીએ’ (તમારા ટીકાકારોને નજીક રાખો). મારા વિરોધીઓ વિચારતા હતા કે તેઓ મને ગાળો આપીને મને અને મારી વિચારધારાને નષ્ટ કરી શકે છે, પરંતુ તેના બદલે તેઓએ મને વધુ પ્રખ્યાત બનાવી દીધો.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, આજે હું જે કંઈ પણ બન્યો છું તે એ લોકોના કારણે છું જેમણે વર્ષો સુધી મારી સાથે દુર્વ્યવહાર કર્યું. મને કોઈ ઓળખતું ન હતું.

આ પણ જુઓ:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીથી નોંધાવી ઉમેદવારી 

Back to top button