વોશિંગ્ટનઃ અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચેની અથડામણ બાદ અમેરિકાએ તેને બેઇજિંગની ઉશ્કેરણીજનક કાર્યવાહી ગણાવી છે. અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા નેડ પ્રાઈસે ભારત-ચીન સરહદ પર તવાંગ અથડામણ પર કહ્યું કે, ભારત અમેરિકાનું વ્યૂહાત્મક ભાગીદાર છે. અમે દિલ્હી અને વોશિંગ્ટનમાં ભારત સાથે સતત સંપર્કમાં છીએ. અમેરિકા એકપક્ષીય રીતે સરહદ બદલવાના કોઈપણ પ્રયાસનો વિરોધ કરે છે.
અમેરિકાએ કહ્યું કે તે ભારતની સાથે છે. ચીન ઉશ્કેરણીજનક કાર્યવાહી કરે છે. અમેરિકા હંમેશા તેના મિત્ર દેશોની સાથે રહેશે. વ્હાઇટ હાઉસે મંગળવારે જણાવ્યું હતું કે બાઇડેન વહીવટીતંત્ર ખુશ છે કે અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં અથડામણ પછી તરત જ ભારત અને ચીન બંનેએ પીછેહટ કરી.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વ્હાઇટ હાઉસના મીડિયા સેક્રેટરી કારાઈન જીન-પિયરે જણાવ્યું હતું કે, અમેરિકા બંને દેશો વચ્ચે તણાવની સ્થિતિ પર ચીવટતાથી નજર રાખી રહ્યું છે. સાથે જ એમ પણ કહ્યું કે તેઓ બંને પક્ષો (ભારત અને ચીન)ને વિવાદિત સરહદો પર ચર્ચા કરવા માટે હાલની દ્વિપક્ષીય ચેનલોનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરે છે.
આ સાથે, પેન્ટાગોને મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ ભારત-ચીન સરહદ પર એલએસી સાથેના વિકાસ પર સતત નજર રાખી રહ્યું છે.
પેન્ટાગોનના પ્રેસ સેક્રેટરી પેટ રાયડરે કહ્યું, “યુએસએ નોંધ્યું છે કે ચીન સૈનિકોને એકત્ર કરી રહ્યું છે અને LACના વિસ્તારમાં સૈન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી રહ્યું છે. યુનાઇટેડ સ્ટેટ્સ પરિસ્થિતિને ઘટાડવાના ભારતના હાલના પ્રયાસોને સંપૂર્ણ સમર્થન આપે છે.” જ્યારે, આ મુદ્દા પર, સંયુક્ત રાષ્ટ્રએ બંને દેશોને તણાવ ઘટાડવા માટે કહ્યું છે.
રક્ષા મંત્રીએ ગૃહમાં આપ્યો જવાબ
રક્ષા મંત્રીએ કહ્યું કે 9 ડિસેમ્બર 2022નાં રોજ PLAએ તવાંગ સેક્ટરના યાંગ્ત્સે ક્ષેત્રમાં LAC પર અતિક્રમણ કરીને યથાસ્થિતિને એકતરફી બદલવાનો પ્રયાસ કર્યો. ચીનના આ પ્રયાસને આપણી સેનાએ દ્રઢતાથી સામનો કર્યો. તેમણે કહ્યું- હું ગૃહને આશ્વસ્ત કરવા માગુ છું કે આપણી સેના આપણી ભૌમિક અખંડતાને સુરક્ષિત રાખવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે અને તેના વિરૂદ્ધ કોઈપણ પ્રકારના પ્રયાસને રોકવા માટે હંમેશા તત્પર છે.
બંને દેશો વચ્ચે ફરી એકવાર તણાવ
અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં યાંગત્સે વિસ્તારમાં ભારત અને ચીની સૈનિકો વચ્ચે સામસામે ઘર્ષણને કારણે બંને દેશો વચ્ચે ફરી એકવાર તણાવ વધી ગયો છે. ચીની સૈનિકોએ ભારતીય સેનાના ત્રણ એકમો સાથે અથડામણ કરી, જેઓ અલગ-અલગ ઈન્ફ્રેન્ટ્રી રેજિમેન્ટ સાથે જોડાયેલા છે. ભારતીય સેનાના જવાનોએ LAC પર ચીની સૈનિકોના મલિન ઈરાદાઓને નિષ્ફળ કરી દીધા.
દુશ્મન સૈનિકોના ઈરાદાઓ જાણતા હતા ભારતીય જવાન
ગ્રાઉન્ડ પર હાજર સૂત્રોએ સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યું કે જમ્મુ કાશ્મીર રાઈફલ્સ, જાટ રેજિમેન્ટ અને શીખ લાઈટ ઈન્ફ્રેન્ટ્રી સહિત ત્રણ અલગ-અલગ બટાલિયન સાથે સંબંધિત સૈનિક ગત સપ્તાહે અથડામણ સ્થળે હાજર હતા. જ્યારે ચીની સૈનિકોએ ક્ષેત્રમાં એકતરફી સ્થિતિ બદલાવવાનો પ્રયાસ કર્યો હતો. ચીની સૈનિક લાઠી અને અન્ય હથિયાર લઈને આવ્યા હતા. સૂત્રોએ કહ્યું કે ભારતીય સૈનિક પણ ચીની સૈનિકોનો સામનો કરવા માટે તૈયાર હતા કેમકે તેઓ દુશ્મન સૈનિકોના ઈરાદાઓ જાણતા હતા.